ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડના અધિકારી રંજન નાયર સામે ૨૦ વર્ષનો પ્રતિબંધ

Wednesday 11th April 2018 07:50 EDT
 
 

દુબઈઃ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના બોલ ટેમ્પરિંગ વિવાદના પડઘા હજુ માંડ શમ્યા છે ત્યાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે ઝિમ્બાબાવે ક્રિકેટ બોર્ડના અધિકારી રંજન નાયર સામે મેચ ફિક્સિંગના આરોપસર ૨૦ વર્ષનો પ્રતિબંધ લાદી દીધો છે. નાયર મેચ ફિક્સ કરવા બદલ દોષિત ઠર્યા છે.
હરારે મેટ્રોપોલિટન ક્રિકેટ એસોસિયેશનના માર્કેટિંગ ડાયરેક્ટર અને ટ્રેઝરર રંજન નાયર સામે આઇસીસીના આચારસંહિતાના ત્રણ ગુના દાખલ કરાયા હતા. તેમની પર ઝિમ્બાબ્વેના કેપ્ટન ગ્રીમ ક્રેમરને ૩૦,૦૦૦ અમેરિકી ડોલરની લાંચની ઓફર કરવાનો પણ આક્ષેપ હતો. તેમની ઉપર થયેલા આક્ષેપોમાં આઇસીસીની આચારસંહિતાના કલમ ૨.૧.૧ (ઇન્ટરનેશનલ મેચ કે મેચોના પરિણામ, પ્રક્રિયા, સંચાલન પર પ્રભાવ પાડવો) અને કલમ ૨.૧.૩ (ઇન્ટરનેશનલ મેચ કે મેચોના પરિણામ, પ્રક્રિયા, સંચાલન પર પ્રભાવ પાડવા ઉપરાંત જે તે ખેલાડીને નાણાંની ઓફર કરવી)નો સમાવેશ થાય છે.
ગયા વર્ષે ઝિમ્બાબ્વે અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાયેલી ટેસ્ટ સિરીઝ દરમિયાન પોતાને આ રીતે ઓફર કરાઈ હોવાનું ઝિમ્બાબ્વેના કેપ્ટન ગ્રીમ ક્રેમરે ટીમના કોચ હિથ સ્ટ્રીકને જાણ કરી હતી. ક્રેમરે જણાવ્યું હતું કે ક્રિકેટ સાથે નજીકથી સંકળાયેલી એક વ્યક્તિએ મને આ ઓફર કરી હતી અને મેં તરત જ આ બાબતની સત્તાવાળાઓને જાણ કરવાનો નિર્ણય લઈ લીધો હતો.
રંજન નાયરના સસ્પેન્શનનો પ્રારંભ પાછલી અસરથી એટલે કે ૧૬ જાન્યુઆરી ૨૦૧૮થી શરૂ થશે અને આ પ્રતિબંધ ૧૬ જાન્યુઆરી ૨૦૩૮ સુધી ચાલુ રહેશે. આમ તે આ સમયગાળા દરમિયાન ક્રિકેટની કોઇ પણ પ્રવૃત્તિમાં સામેલ થઇ શકશે નહીં.
આઇસીસીએ યાદીમાં જણાવ્યું હતું કે રંજન નાયરે તેમની સામે લાગેલા આક્ષેપો કબૂલી લીધા હતા. આઇસીસીના જનરલ મેનેજર (એન્ટિ કરપ્શન યુનિટ) એલેક્સ માર્શલે જણાવ્યું હતું કે સમગ્ર તપાસ અને ત્યાર બાદના ચૂકાદાને હું આવકારું છું અને સજાનો સમયગાળો જોતાં જ નાયરના ગુનાની ગંભીરતા સમજી શકાય છે.


comments powered by Disqus