ભૂષણકુમાર, ક્રિશ્નકુમાર, અભિનવ દેવ અને અપૂર્વ સેનગુપ્તા નિર્મિત અને અભિનવ દેવ ડિરેક્ટેડ ફિલ્મ ‘બ્લેકમેલ’ની કહાની દર્શકો માટે સસ્પેન્સ સ્ટોરી નથી, પણ ફિલ્મના પાત્રો અંદરોઅંદર કેવી રીતે એકબીજાને બ્લેકમેલ કરે છે અને પોતે પણ બ્લેકમેલ થાય છે એ જોવાની દર્શકોને મજા પડે એવી છે. ઇરફાન ખાન, કીર્તિ કુલહારી, દિવ્યા દત્તા, અરુણોદય સિંઘ અને ઓમી વૈદ્ય અભિનિત ફિલ્મ ‘બ્લેકમેલ’નું સંગીત અમીત ત્રિવેદીએ આપ્યું છે.
વાર્તા રે વાર્તા
ફિલ્મમાં દેવ (ઈરફાન ખાન) ટોઈલેટ પેપર સેલ્સમેન છે. એક સાંજે તે ગુલાબના ફૂલો સાથે ઓફિસેથી વહેલો છૂટીને પોતાના ઘરે જાય છે. એ સમયે તેના પર જાણે આભ તૂટી પડે છે. તેની પત્ની તેના જ બેડરૂમમાં બેડ પર કોઈ અન્ય પુરુષ સાથે જોવા મળે છે. એ પછી દેવ ઠંડે કલેજે પત્નીનો જેની સાથે અફેર છે એ યુવકની જાણકારી મેળવે છે અને પત્નીને બ્લેકમેલ કરવાનું શરૂ કરે છે. પત્ની તેના પ્રેમીને આ વાતની જાણ કરે છે. બંને જણ બ્લેકમેલરને શોધવા માટે આકાશ પાતાળ એક કરી દે છે. દેવની પત્નીને બ્લેકમેલ કરવામાં દેવનો એક મિત્ર દેવને સાથ આપે છે. એ પછી ફિલ્મમાં બાજી પલટી જાય છે અને દેવ કેવી રીતે ફસાય છે એ માટે ફિલ્મ જોવી રહી.
સુપર્બ પ્રોડક્શન વેલ્યુ
આ ફિલ્મની પૃષ્ઠભૂમિમાં એક મધ્યમવર્ગીય સેલ્સમેનની વાત છે એને બખૂબી ફિલ્મમાં ધ્યાનમાં રખાઈ છે. મિડલક્લાસના માણસની રોજિંદી મુશ્કેલીઓ જેવી કે ચીજવસ્તુઓના ઈએમઆઈ, લોન અને અસફળ રિલેશનશિપ ફિલ્મમાં બતાવવામાં આવી છે.
સ્ક્રિપ્ટની કમાલ
‘ક્વીન’ અને ‘બજરંગી ભાઈજાન’ જેવી સફળ ફિલ્મોના રાઈટર પરવેશ શેખે ફિલ્મની સ્ક્રિપ્ટ લખવામાં ખૂબ જ ઝીણું કાંત્યુ છે. કેટલાક કોમેડી દૃશ્યો ફિલ્મમાં અદભુત રીતે લખાયા છે જેથી ફિલ્મ બોર કરતી નથી.

