લંડનઃ આર્થિક મુશ્કેલી ભોગવી રહેલા જાણીતા ડ્રિંક્સ ગ્રૂપના રિટેઈલ ડિવિઝન કન્વિવિયાલિટી રિટેઈલને બેસ્ટવે ગ્રૂપની અગ્રણી ફૂડ હોલસેલર બેસ્ટવે હોલસેલરે ૭.૫ મિલિયન પાઉન્ડની ડિલ કરીને ઉગારી લીધી હતી. બેસ્ટવે ગ્રૂપની સ્થાપના સર અનવર પરવેઝે કરી હતી. તેઓ તેના ચેરમેન પણ છે. ડિલ વિશે બેસ્ટવે ગ્રૂપના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ઝમીર ચૌધરી CBE એ જણાવ્યું હતું,‘ બેસ્ટવે હોલસેલ અને કન્વિવિયાલિટી બન્નેના રિટેઈલ બેઝ માટે આ ડિલ ખૂબ યોગ્ય છે. આ સ્ટોર્સને ખૂબ જરૂરી એવી નિશ્ચિતતા મળશે અને આ બિઝનેસીસને સ્ટોક પૂરો પાડવાની બાબતે અમારી અગ્રીમતા રહેશે. આ રિટેલર્સ યુકેના સૌથી મોટા સ્વતંત્ર હોલસેલરની મદદથી પૂરા વિશ્વાસ સાથે તેમનો બિઝનેસ પૂર્વવત કરી શકશે. તેમણે ઉમેર્યુ હતું કે આ હસ્તાંતરણને લીધે કન્વિવિયાલિટી રિટેઈલની ચેઈન વાઈન રેક અને બાર્ગેઈન બૂઝના ૨,૩૦૦ જેટલા કુશળ અને અનુભવી કર્મચારીઓની નોકરી બચાવી શકાઈ છે અને તેઓ આ સંયુક્ત બિઝનેસ માટે એક અસ્કયામત બની રહેશે. આ ડિલને લીધે ફ્રેન્ચાઈઝ સ્ટોર્સને જે સહાય જોઈએ છે તે પણ તેમને મળશે.’
બેસ્ટવે ગ્રૂપ બ્રિટનના સૌથી મોટા ફૂડ હોલસેલર પૈકીનું એક છે અને તે હજારો રિટેઈલરને સપ્લાય પૂરો પાડે છે. ચાર વર્ષ અગાઉ કો-ઓપરેટિવ ફાર્મસી પાસેથી ખરીદવામાં આવેલી વેલ ફાર્મસી ચેઈનની માલિકી પણ આ ગ્રૂપ પાસે છે.
આ ડિલમાં કન્વિવિયાલિટીની સિલેક્ટ કન્વિનિયન્સ અને WS રિટેઈલનો પણ સમાવેશ કરાયો હતો. યુકેમાં કન્વિવિયાલિટી રિટેઈલના ૭૬૯ સ્ટોર છે અને તે ફ્રેન્ચાઈઝી મોડેલ પર આધારિત છે. બેસ્ટવેએ તાજેતરમાં જ પ્રિ- પેક એડમિનિસ્ટ્રેશન પ્રોસેસ પૂરી કરી હતી. તેને લીધે ખરીદદારો તે કંપનીની એસેટ ખરીદી શકશે.
શેરહોલ્ડરો પાસેથી ફંડિંગ મેળવવામાં નિષ્ફળતા મળતા ગયા મહિને કન્વિવિયાલિટી પડી ભાંગી હતી. તેના ચીફ એક્ઝિક્યુટિવ ડાયના હંટરે ગયા મહિને બોર્ડમાંથી રાજીનામુ આપી દીધું હતું.
બેસ્ટવે હોલસેલના ટ્રેડિંગ ડિરેક્ટર દાઉદ પરવેઝે જણાવ્યું હતું કે આ ચાર બિઝનેસની ખરીદીથી કન્વિનિયન્સ રિટેઈલ સેક્ટરમાં તેમની સ્થિતિ મજબૂત બનશે.
ગઈ ૨૩ માર્ચ, ૨૦૧૮ના રોજ તેમના યોગદાન બદલ પાકિસ્તાનના પ્રમુખે ઝમીર ચૌધરીને સિતારા-એ-ઈમ્તિયાઝ એવોર્ડ એનાયત કર્યો હતો.

