રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ની રદ નોટો માટે વડા પ્રધાન મોદી સમક્ષ રજૂઆત જરૂરી

- ડો. પ્રવિણ કેલૈયા એસેક્સ Thursday 12th April 2018 01:47 EDT
 
 

તા. ૩૧.૩.૧૮ના ‘ગુજરાત સમાચાર’માં નીરા અને નીતિન પટેલના ‘રદ થયેલી ચલણી નોટો..’ પત્ર વિશે જણાવવાનું કે NRI અને રદ થયેલી નોટો વિશે અગાઉ ‘ગુજરાત સમાચાર’માં ટૂંકો લેખ રજૂ કરાયો હતો. તે સમયે ભારતની રિઝર્વ બેંકના ગવર્નર અને રાહુલ ગાંધીને પણ ઈમેલ દ્વારા રજૂઆત કરાઈ હતી. NRI અને JIOPIO જેવી સંસ્થાઓએ પણ ઘણાં પ્રયત્ન કર્યા હતા. પરંતુ, હજુ સુધી તેનો ઉકેલ આવ્યો નથી. કદાચ સરકારી બાબુઓને આ બાબત નજીવી લાગતી હશે અથવા તો તેમના પૈસાનો દુરુપયોગ થતો નથી એટલે તેમને ચિંતા નહીં હોય.

આ બાબત તરફ કમનસીબે ‘ગુજરાત સમાચાર’ની નિષ્ફળતા જોવા મળે છે. જ્યારે હરેકૃષ્ણ મંદિર અને એર ઈન્ડિયાની અમદાવાદ - લંડનની સીધી ફ્લાઈટ માટે આદુ ખાઈને પાછળ પડ્યા હતા અને સરકાર બદલાતા તેનો અંજામ આવ્યો. NRI નો વિકટ પ્રશ્ર છે. ઉપાયો ઘણાં છે પરંતુ, રાજનીતિને કોઈ અસર થવાની નથી.

હા, ભારતમાં જમા રહેલા પાઉન્ડ કે ડોલરને અસર થતી હોત તો કાનૂન બદલાતા વાર લાગે નહીં. બાકી રહી ચેરિટીની વાત. તો, ભારતમાં ચેરિટી માટે ઘણી સંસ્થાઓ છે અને કંપનીઓ પણ ખૂબ છે. આવી સંસ્થાઓ ક્યારે બંધ થઈ જાય તે વિચારવું મુશ્કેલ છે.

પ્રથમ પ્રશ્ર એ રહ્યો કે રદ થયેલી નોટો માટે શું કરવું ? શા માટે ભારત સરકાર NRI માટે નિર્ણય લઈ શકતી નથી ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અહીંની મુલાકાતમાં સી બી પટેલનો સમાવેશ તો અચૂક હશે. તે વખતે આ અન્યાય વિશે રૂબરૂ રજૂઆત કરવાની તક મળશે. ત્યારે અહીં રહેતા NRI ની તકલીફ અને પૈસા પાછા મેળવવા માટેની વ્યવસ્થા જરૂરી છે. ભારતની બહાર વસતા તમામ NRIને ઘોર અન્યાય કરીને વતન તરફની લાગણી અને પ્રેમ મેળવવો મુશ્કેલ બની રહેશે.

અહીં રહેતા સૌ NRIની મજબૂરી કહો પરંતુ, કાયદેસરની રદ થયેલી ચલણી નોટો બેંક દ્વારા મેળવી હોય તો પણ કોઈ અર્થ રહેતો નથી. જોકે, લગભગ NRI બ્રિટિશ પાસપોર્ટ ધરાવતા હોવાથી અહીંની સરકારને કે વિદેશ વિભાગને મુશ્કેલીની રજૂઆત કરવામાં આવશે તો તે જરૂર ઉકેલ લાવી શકશે, અથવા ટીવી ચેનલો પણ મદદરૂપ થઈ શકશે.


comments powered by Disqus