રોયલ મેલના સ્ટેમ્પના ભાવમાં વધારો

Wednesday 11th April 2018 07:23 EDT
 
 

લંડનઃ પોસ્ટલ સર્વિસ યથાવત જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવા રોયલ મેઈલે સ્ટેમ્પના ભાવમાં વધારો કર્યો હતો. હવે કેટલાક મોટા લેટર ફર્સ્ટ ક્લાસમાં પોસ્ટ કરવાના હશે તો તેના પર ૧ પાઉન્ડથી વધુનો ખર્ચ થશે. ફર્સ્ટ ક્લાસ સ્ટેમ્પનો ભાવ ૨ પેન્સ વધારીને ૬૭ પેન્સ, સેકન્ડ ક્લાસ સ્ટેમ્પનો ભાવ ૨ પેન્સ વધારીને ૫૮ પેન્સ કરાયો છે. જ્યારે લાર્જ ફર્સ્ટ ક્લાસ સ્ટેમ્પનો ભાવ ૩ પેન્સ વધારીને૧.૦૧ પાઉન્ડ અને લાર્જ સેકન્ડ ક્લાસ સ્ટેમ્પનો ભાવ ૩ પેન્સ વધારીને ૭૯ પેન્સ કરાયો છે.

છેલ્લા આઠ વર્ષમાં ફર્સ્ટ ક્લાસ સ્ટેમ્પના ભાવમાં બમણાથી વધુનો વધારો કરાયો હતો. જોકે, રોયલ મેઈલે પુનરોચ્ચાર કર્યો હતો કે ભાવમાં ફેરફાર કરાયો હોવા છતાં તે કિફાયતી અને સારી સેવા પૂરી પાડે છે.

રોયલ મેલના પ્રવક્તાએ જણાવ્યું હતું, ‘હાલના આર્થિક સંજોગોમાં ઘણી કંપનીઓ અને પરિવારોને ભાવવધારો કપરો લાગે છે તે રોયલ મેલ સમજી શકે છે. અમે ખૂબ સમજી વિચારીને ભાવમાં ફેરફાર કર્યો હતો અને અમારા ગ્રાહકો પર તેની ખૂબ ઓછી અસર થાય તેની અમે તકેદારી રાખી છે.

યુનિવર્સલ પોસ્ટલ સર્વિસના જાળવણીમાં મદદરૂપ થવા માટે આ ફેરફાર કરાયો હતો. યુરોપના અન્ય પોસ્ટલ ઓપરેટરોની સરખામણીમાં રોયલ મેલના સ્ટેમ્પના ભાવ સૌથી શ્રેષ્ઠ ગણાય છે. સર્વિસની દ્રષ્ટિએ પણ સમગ્ર યુરોપમાં યુકેની સર્વિસ સૌથી ઉચ્ચ ગુણવત્તાવાળી છે.


comments powered by Disqus