આજકાલ શરીરને શેપમાં રાખવાનું ચલણ વધી ગયું છે. યુવા પેઢીમાં તો ઘણી વખત આ વળગણ ઘેલછાની હદે જોવા મળે છે. શરીરને ચુસ્તદુરસ્ત રાખવા માટે તેઓ કંઇ પણ કરવા તૈયાર થઇ જાય છે. જરૂર પડ્યે ભૂખ્યા રહીને પણ શરીર ઉતારવું, અને આમ છતાં પણ જો શરીરના કોઇ ભાગમાંથી ચરબી ઓછી ન થાય તો તેઓ લાઇપોસક્સન સર્જરીનો વિકલ્પ અજમાવતા પણ ખચકાતા નથી. જોકે પોતાની સુંદરતાને નીખારવાની ઘેલછામાં લેવાતું આ પગલું ક્યારેક ભારે પડી જતું હોય છે. ક્યારેક વ્યક્તિને જીવ ગુમાવવો પડતો હોય છે. થોડાક વર્ષ પૂર્વે તેલુગુ એક્ટર આરતી અગ્રવાલ સાથે કંઇક આવું જ થયું હતું. બધાની જેમ આરતીની પણ ઇચ્છા હતી કે તેનું શરીર શેપમાં આવે. આ માટે તેણે ન્યૂ જર્સીમાં ચરબી ઘટાડવાની સર્જરી કરાવી. આ સર્જરી દરમિયાન કદાચ ડોક્ટરે તેનું બરાબર ચેકઅપ નહોતું કર્યું, જેના કારણે તેનું સર્જરી દરમિયાન હાર્ટ-ફેલ થઇ જતાં મૃત્યુ થઈ ગયું. આ સર્જરીનું નામ છે લાઇપોસક્શન સર્જરી. ચાલો જાણીએ કે આ લાઇપોસક્શન સર્જરી છે શું? અને શું આ સર્જરી ફેલ થઈ શકે છે? શું આ સર્જરી કોઈનો જાન લઈ શકે છે?
લાઇપોસક્શન એટલે શું એ વિશે જણાવતાં તબીબી નિષ્ણાતો કહે છે કે લાઇપોસક્શનમાં લાઇપો એટલે ફેટ અને સક્શનનો મતલબ છે સક આઉટ. એટલે જે ફેટ અમે સક આઉટ કરીએ છીએ એને કહીએ છીએ લાઇપોસક્શન. આપણા શરીરમાં ઘણા ભાગોમાં ફેટ હોય છે, જેમ કે છાતી, પેટ, કમર વગેરે ભાગોમાં જે ફેટ હોય છે એ લોકોને નથી જોઈતી એટલે તેઓ એ ફેટ કાઢવા માટે લાઇપોસક્શન કરાવે છે. આનાથી તમારી બોડી શેપમાં આવી જાય છે અને ઘણા લોકો એવું માને છે કે આનાથી વજન ઓછું થાય છે. આ માત્ર એક માન્યતા છે, કેમ કે તમારી ફેટમાં એટલું વજન નથી કે તમારું વજન વીસ કિલોથી ૪૦ કિલો થઈ જાય. આનાથી માત્ર તમારી બોડી શેપમાં આવે છે. લાઇપોસક્શન કર્યા પછી તમારે વર્કઆઉટ કરવું જોઈએ. બરાબર ડાયેટ પ્લાન અનુસરવો જોઈએ તો તમારું વજન ઓછું થશે. પણ તમે જો એમ સમજશો કે માત્ર લાઇપોસક્શનથી વજન ઓછું થઈ જાય છે તો એ ખોટું છે.
કઇ રીતે થાય છે?
લાઇપોસક્શન કરતાં પહેલાં પેશન્ટનો કેસ-સ્ટડી થાય છે. એ પછી જે દિવસે લાઇપોસક્શન કરાવવાનું હોય એ દિવસે પેશન્ટની બ્લડ-ટેસ્ટ થાય છે. એ પછી વેક્યુમ જેવું મશીન આવે છે, જેને ચરબી ખેંચવા માટેના સાધન કેન્યુલા સાથે જોડવામાં આવે છે. શરીરના જે ભાગમાંથી ફેટ કાઢવાની હોય એ ભાગમાં નાનાં છિદ્રો પાડવામાં આવે છે. આ છિદ્રો દ્વારા તમારામાં રહેલી એક્સ્ટ્રા ફેટને કાઢવામાં આવે છે. ઓપરેશન સમયે જે છિદ્રો પાડવામાં આવે છે એ પછી ધીરે-ધીરે ભરાઈ જાય છે. લાઇપોસક્શન બે કલાકનું કામ હોય છે એમ જણાવતાં કોસ્મેટિક સર્જન કહે છે કે સારવારના દિવસે જ પેશન્ટને ડિસ્ચાર્જ મળી જાય છે.
સર્જરીના બે પ્રકાર
લાઇપોસક્શન સર્જરીના ઘણા પ્રકાર છે, જેમાંથી બે બહુ જાણીતા છે.
૧) ક્લાસિક લાઇપોસક્શન, જેમાં સિરિન્જને કેન્યુલામાં નાખીને વેક્યુમ જેવા મશીન દ્વારા તમારી ચરબીને હાથથી ખેંચવામાં આવે છે. અને ૨) અલ્ટ્રાસોનિક પાવર લાઇપોસક્શન, જેમાં મેન્યુઅલ નહીં, પણ અલ્ટ્રાસોનિક ડિવાઇસ આવે છે એના પાવરથી વાઇબ્રેટ થઈને ફેટ ખેંચાઈ જાય છે. ક્લાસિક લાઇપોસક્શન કરતાં અલ્ટ્રાસોનિક પાવરનું રિઝલ્ટ સારું મળે છે તેવું નિષ્ણાતોનું માનવું છે.
ફિટ હોવું જરૂરી
લાઇપોસક્શન કરતા સમયે તેલુગુ એક્ટર આરતી અગ્રવાલનું ડેથ થઈ ગયું હતું. શું બીજી વાર આવું થઈ શકે છે? એનો જવાબ આપતાં કોસ્મેટિક સર્જન કહે છે કે સામાન્ય સંજોગોમાં આવું બનતું નથી, પણ લાઇપોસક્શન જ નહીં, કોઈ પણ સર્જરી કરો એમાં પેશન્ટની ફિટનેસને ધ્યાનમાં રાખવી જોઈએ. જો પેશન્ટ ફિટ નથી કે તેને કોઈ કાર્ડિએક પ્રોબ્લેમ હોય તો તેણે સર્જરી ન કરાવવી જોઈએ. આથી આવા કિસ્સામાં બહુ ધ્યાન રાખવું જોઈએ. કોઈ પણ સર્જરી કરતાં પહેલાં તમારે એ ધ્યાન રાખવું કે તમે જે હોસ્પિટલમાં સર્જરી કરાવો છો એ હોસ્પિટલ સારી હોવી જોઈએ. જ્યાં આઇસીયુની સગવડ હોય ત્યાં જ સર્જરી કરવી જોઈએ. બીજું, સર્જરી કરતાં પહેલાં કાર્ડિયોલોજિસ્ટનો ઓપિનિયન અવશ્ય લેવો જોઈએ. જો કાર્ડિયોલોજિસ્ટ કહે કે તમે ઓપરેશન માટે ફિટ છો તો જ સર્જરી કરાવવી જોઇએ. જો વ્યક્તિ ફિટ ન હોય અને સર્જરી કરવામાં આવે તો પેશન્ટનું મૃત્યુ થઇ શકે છે. લાઇપોસક્શનથી પેશન્ટનું ડેથ પણ થાય છે એવું નથી, પણ પેશન્ટ સર્જરી માટે ફિટ ન હોવાથી તેનું મૃત્યુ નીપજતું હોય છે. આમ લાઇપોસક્શન સર્જરી કરાવતા પૂર્વે યોગ્ય તબીબી તપાસ આવશ્યક છે. નહીં તો શારીરિક સુંદરતા માટેનો આ પ્રયાસ જોખમી સાબિત થઇ શકે છે.

