લંડનઃ જેરેમી કોર્બીન વિવાદોમાં સપડાયા છે ત્યારે લેબર કાઉન્સિલના ઉમેદવાર અને નેશનલ યુનિયન ઓફ સ્ટુડન્ટ્સના વાઈસ પ્રેસીડેન્ટ અલી મિલાની પર પણ એન્ટિસેમિટિઝમનો આરોપ મૂકાયો છે. મિલાની આવતા મહિને યોજાનારી સ્થાનિક ચૂંટણીમાં હિથરો વિલેજીસના લેબર પાર્ટીના ઉમેદવાર છે.
લેબરના ફ્રન્ટબેંચર્સ કેટ ઓસામોર અને જહોન મેકડનેલ સાથે પ્રચાર કરનારા મિલાની પર ૨૦૧૨માં યહૂદી લોકો વિશે ટ્વીટ દ્વારા ટિપ્પણી કરવાનો આરોપ મૂકાયો હતો. મિલાનીએ ૨૦૧૭માં ઈઝરાયલના અસ્તીત્વના અધિકાર વિશે શંકા વ્યકત કરી હતી તેમજ ટીવી પ્રેઝન્ટર પીઅર્સ મોર્ગનને સોશિયલ મીડિયા પર ઝાયોનવાદમાં માનનાર ગણાવ્યા હતા.
લેબર અગેઈન્સ્ટ એન્ટિસેમિટિઝમ દ્વારા સોશિયલ મીડિયા પર યહૂદીવાદ વિરોધી સાહિત્ય મૂકવાના આરોપ સાથે તાકીદે કાર્યવાહી માટે તેમની વિરુદ્ધ લેબર પાર્ટીને ફરિયાદ કરવામાં આવી હતી.
અલી મિલાનીએ જણાવ્યું હતું, ‘ મેં તરૂણ તરીકે કરેલી ટિપ્પણીઓ માટે હંમેશા માફી માગી છે અને માંગતો રહીશ. આ મુદ્દો બે વર્, પહેલા લેબર પાર્ટીના ધ્યાને લવાયો હતો અને અને મારી માફીની તે વખતે ગંભીરતાપૂર્વક નોંધ લેવાઈ હતી. ત્યારથી મેં એન્ટિસેમિટિઝમ, ઈસ્લામોફોબિયા અને રંગભેદ વિરુદ્ધ અભિયાન ચલાવ્યું હતું.

