વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ બદલ ઉસ્માન વહીદને સાડા છ વર્ષની જેલ

Wednesday 11th April 2018 07:05 EDT
 
 

લંડનઃ નાઈટ આઉટ માટે બર્મિંગહામ આવેલી ૧૭ વર્ષીય વિદ્યાર્થિની સાથે મિત્રતા કેળવ્યા બાદ તેની સાથે દુષ્કર્મ કરનાર ૨૪ વર્ષીય ઉસ્માન વહીદને સાડા છ વર્ષની જેલ અને આજીવન સેક્સ ઓફેન્ડર તરીકે નોંધણી કરવાનો બર્મિંગહામ ક્રાઉન કોર્ટે આદેશ કર્યો હતો. સ્પાર્કહિલના ગોઘ રોડ પર રહેતો વહીદ જગુઆર લેન્ડ રોવર કંપનીનો કર્મચારી છે.

ગત ૧૧ ડિસેમ્બર, ૨૦૧૬ના રોજ પીડિતા પેરન્ટ્સને માન્ચેસ્ટર જવાનું કહીને તેની ૧૭ વર્ષીય બહેનપણી સાથે પ્રેસ્ટનથી આવી હતી. દિગ્બેથમાં બનાવટી ઓળખના આધારે તેમણે રેઈનબો ક્લબમાં પ્રવેશ મેળવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. તેમને બીજા દિવસની સવાર સુધી ઘરે પાછા જવા ટ્રેન મળે તેમ ન હોવાથી અટવાઈ ગયા હતા. પછી તેઓ વહીદ અને તેના મિત્રોને મળ્યા હતા. તે તેમને બર્મિંગહામ એરપોર્ટ નજીક ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં લઈ ગયો હતો અને કારમાં તેની સાથે દુષ્કર્મ કર્યું હતું.


comments powered by Disqus