લંડનઃ જૈન ધર્મના પ્રસાર અને પ્રચારનું કાર્ય કરતી આંતરરાષ્ટ્રીય જૈન સંસ્થા ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજી દ્વારા દર વર્ષે થતી વાર્ષિક મહાવીર જન્મકલ્યાણકની ઉજવણી તા.૨૮ માર્ચને બુધવારે જૈન ઑલ પાર્ટી પાર્લામેન્ટ્રી ગ્રુપ (APPG) દ્વારા હાઉસ ઓફ કોમન્સમાં કરવામાં આવી. બ્રિટનની ત્રીસ જૈન સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરતી One Jain સંસ્થા દ્વારા જૈન ધર્મના ૨૪મા તીર્થંકર ભગવાન મહાવીરના જન્મકલ્યાણકનો દિવસ ઉજવવામાં આવ્યો.
સમણીજી દ્વારા નવકાર મંત્રના ગાન સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. અધ્યક્ષ નેમુ ચંદારિયાએ સ્વાગત પ્રવચનમાં આજના વિશ્વમાં ભગવાન મહાવીરના અહિંસા અને પ્રેમના સંદેશાની સુસંગતતા વિશે વાત કરી હતી. તેમણે વડાપ્રધાન થેરેસા મેએ પત્ર પાઠવેલા પત્રમાં અહિંસાના મહત્ત્વને સમર્થન આપ્યું હતું અને યુકેના સમાજમાં શાંતિ અને સંવાદિતા વધારવા માટે જૈન સમુદાયનો આભાર માન્યો હતો.
મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગના મિનિસ્ટર લોર્ડ બોર્ન ઓફ એબરિસ્ટવિથે સૌનું સ્વાગત કર્યા બાદ તેમણે કરેલી જાહેર સેવા વિશે પ્રવચન આપ્યું હતું.
સંસ્થાના જયસુખ મહેતાએ ૨૦૧૮ માટેના વનજૈન લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડના વિજેતા તરીકે સમાજને વિવિધ સેવા પૂરી પાડતા વણિક કાઉન્સિલના ચેરમેન મનહરલાલ મહેતાના નામની જાહેરાત કરી હતી. તેમને લોર્ડ બોર્ને એવોર્ડ આપ્યો હતો. જ્યારે જયંત દોશીને ૨૦૧૮ માટેના એક્સેલન્સ ઈન કોમ્યુનિટી સર્વિસ એવોર્ડના વિજેતા જાહેર કરાયા હતા.
APPGના ચેરમેન ગેરેથ થોમસ MPઅને ડેપ્યુટી ચેરમેન બોબ બ્લેકમેન MP એ મહેમાનો ને આવકાર્યા હતા. લોર્ડ ગઢિયા અને હેરો કાઉન્સિલના વડા કાઉન્સિલર સચિન શાહે જણાવ્યું હતું કે જૈનોએ જાહેર જીવનમાં મહત્ત્વની ભૂમિકા ભજવવી જોઈએ
કાર્યક્રમમાં LEPRA ના સીઈઓ જેફ પ્રેસ્કોટે વિકસતા દેશોમાં રક્તપિત્ત વિશે જાગૃતિ માટે પ્રવચન આપ્યું હતું. લાઈવ ઓર્ગન ડોનેશન વિશે પણ વાત કરવામાં આવી હતી. કિરીટભાઈ અને મીનાબહેન મોદીએ ડોનરોની અછત વિશે પ્રવચન આપ્યું હતું.
સંસ્થાના મેહૂલ સંઘરાજકાએ આભારવિધિ કરી હતી.

