૭૦મા જન્મદિને ચમત્કાર!!

જશવંત નાકર Wednesday 11th April 2018 06:48 EDT
 
 

ઈશ્વરનો ખૂબ આભાર. મારે હોસ્પિટલે જવું જ જોઈએ તેવો ભારપૂર્વક આગ્રહ રાખનારા મારા પરિવારજનો અને NHSની મદદથી મારે સમયસર જે મદદ જોઈતી હતી તે મળી હતી. તેને લીધે જ મારી જીંદગી બચી છે. આજે હું NHS અને સ્ટ્રોક અવેરનેસ કેમ્પેનના ઘણાં ચહેરા પૈકીનો એક છું. (મારા પત્ની તો માને છે કે મારા જન્મદિનને લીધે હું વધુ પડતો રોમાંચિત થઈ ગયો તેથી જ મને સ્ટ્રોકનો હુમલો થયો હતો.)

ઈલિગ અને ચેરિંગ ક્રોસ હોસ્પિટલમાં મને ખૂબ ઝડપી અને સચોટ સારવાર આપવા બદલ હું બન્ને હોસ્પિટલના સ્ટાફનો હંમેશને માટે આભારી રહીશ. આ હોસ્પિટલમાં જ મારું નિદાન થયું અને તાકીદે અને નિષ્ણાતો દ્વારા સારવાર અપાઈ હતી.

મારી રિકવરી પણ ચમત્કારીક હતી. ભગવાને અમને ‘સમય’ ની ઉજવણી કરવાની તક આપી હતી.

અમે યુકે અને વિદેશમાં વસતા અમારા પરિવારજનો અને મિત્રોને રૂબરૂ મળવાનું નક્કી કર્યું. લાંબા અંતરની મુસાફરી કરીને લંડન, લેસ્ટર, બર્મિંગહામ, એડિનબરા, બ્રાઈટન, દારેસલામ, મુંબઈ, રાજકોટ, જામનગર, ટોરન્ટો, ટેક્સાસ તેમજ ઓસ્ટ્રેલિયામાં તેમની સાથે સુંદર સમય ગાળ્યો.

અમે મુંબઈની ફેમિલી ટ્રિપ પણ કરી અને તેમાં અમારી પુત્રીઓ પણ અમારી સાથે જોડાઈ. મુંબઈમાં મારા મિત્ર એન બી દારુવાલાએ મારા માટે સરપ્રાઈઝ પાર્ટી આપી. તેમાં મુંબઈના અમારા તમામ મિત્રો સામેલ થયા હતા. જોકે, તેના થોડા સમય બાદ દારુવાલાનું નિધન થયું અમને એમની બહુ ખોટ વરતાય છે. મને મારા વર્ષોના મિત્ર એસ બી સોમાણી સાથે ઋષિકેશ જવાની અને ગંગા નદીની શાંતિ માણવાની તેમજ પત્ની તથા પુત્ર સાથે દરરોજ આરતી ઉાતારવાની તક સાંપડી.

હું હંમેશા મારી પ્રણયકથા ‘ એન અફેર ટુ રિમેમ્બર’ લખવા અને મારી પત્નીને અર્પણ કરવા માગતો હતો. હું મારા સંતાનોની મદદ અને પ્રોત્સાહનને લીધે તે પ્રકાશિત કરી શક્યો. એટલું જ નહીં સોશિયલ મીડિયાનો પણ સક્રિય મેમ્બર બની ગયો અને અમારી કથા ફેસબુક પર પણ શેર કરી.

મારી આ મહત્ત્વાકાંક્ષાને પૂર્ણ કરવા માટે હું મને મદદ કરનારા તમામ મિત્રો અને પરિવારજનોનો આભાર માનું છું. મારા પરિવારની પ્રેરણા ઉપરાંત, જ્યોત્સનાબહેન શાહે આ પુસ્તક પૂર્ણ કરવામાં અગત્યની ભૂમિકા ભજવી હતી.

આવતા મહિને અમે અમારી ૫૫મી લગ્નતિથિ ઉજવીશું. અમારા માતા-પિતા જેઠાલાલ કલ્યાણજી - કૌશલ્યાબહેન અને જૂઠાલાલ દયાશંકર – કમળાબહેનની અમારા પર અસીમ કૃપા અને આશીર્વાદ રહ્યા છે તેથી જ અમે આ તમામ સીમાચિહ્ન હાંસલ કરી શક્યા છીએ. અમે વિશ્વભરના અમારા મિત્રો અને પરિવારજનોનો આભાર માનીએ છીએ. કોરોગ્વે અને કોંગોથી લંડન સુધીની અમારી ૭૫ વર્ષની સફરમાં અમને ખૂબ સુખી જીવન મળ્યું છે.


comments powered by Disqus