‘ચોગમ’ને પ્રતિક્ષા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની

- રુપાંજના દત્તા Wednesday 11th April 2018 06:25 EDT
 
 

લંડનઃ કોમનવેલ્થ સ્પોર્ટના બે અઠવાડિયા પછી અને કોમનવેલ્થ ગેમ્સના હવે પછીના યજમાન બર્મિંગહામને બેટન સોંપવામાં આવશે ત્યારે યુકે કોમનવેલ્થ હેડ્ ઓફ ગવર્નમેન્ટ મિટીંગ – ચોગમનું લંડન અને વિન્ડસરમાં આયોજન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૧૮થી ૨૦ એપ્રિલ દરમિયાન લંડનમાં હશે. તેમની સાથે નાણાંપ્રધાન અરુણ જેટલી આવવાના હતા પરંતુ, તેમની નાદુરસ્ત તબિયતને લીધે તેમણે હાલ પૂરતો પ્રવાસ પડતો મૂક્યો છે.

દર બે વર્ષે યોજાતા આ સંમેલનમાં સોમવાર તા.૧૬ થી શુક્રવાર તા.૨૦ એપ્રિલ દરમિયાન ૫૩ કોમનવેલ્થ દેશના વડા, વિદેશ પ્રધાનો અને હજારો પ્રતિનિધિઓ ભાગ લેશે. સભ્ય દેશોનું કોમન ફ્યુચર ઘડવાના હેતુ સાથે મળનારી શિખર બેઠકમાં કોમનવેલ્થ સમક્ષના સર્વસામાન્ય પડકારો તેમજ કોમનવેલ્થના ૨.૪ બિલિયન નાગરિકોને વધુ સમૃદ્ધ, સુરક્ષિત, સાતત્યપૂર્ણ અને બહેતર ભવિષ્ય પૂરું પાડવા માટેની કામગીરી પર વિશેષ ધ્યાન અપાશે.

ગુરુવાર અને શુક્રવારે ચોગમની સત્તાવાર બેઠક પહેલા વેપાર, મહિલા, લોકો અને યુવાનો વિશે ત્રણ દિવસની ( સોમવાર ૧૬ એપ્રિલથી બુધવાર ૧૮ એપ્રિલ) દરમિયાન ચર્ચાસભા યોજાશે. યુથ, વિમેન્સ અને પીપલ્સ ફોરમ વેસ્ટમિન્સ્ટરમાં ક્વીન એલિઝાબેથ II કોન્ફરન્સ સેન્ટરમાં જ્યારે બિઝનેસ ફોરમ સિટી ઓફ લંડનમાં ગિલ્ડહોલ ખાતે યોજાશે.

આ ફોરમ કોમનવેલ્થના લોકોને સાથે મળવા અને પડકારો વિશે આદાન પ્રદાન કરવાની અને તેના પર ધ્યાન આપવા તેમજ વડાઓને ચર્ચા માટેનું માળખું તૈયાર કરવા માટે પ્લેટફોર્મ પૂરુ પાડે છે.બિઝનેસ, સિવિલ સોસાયટી, યુવાનોના નેતૃત્વ હેઠળની સંસ્થાઓ અને સરકારના ૨,૦૦૦ જેટલાં પ્રતિનિધિઓ ચર્ચા માટે મળશે અને આપણા નાગરિકો માટે ખૂબ મહત્ત્વના મુદ્દા ઉઠાવશે.

પહેલી વખત જ તમામ ચાર ફોરમ મંગળવાર તા. ૧૭મી એપ્રિલે એક જ જગ્યાએ ક્વીન એલિઝાબેથ II સેન્ટર ખાતે એક છત નીચે મળશે. ત્રણ દિવ દરમિયાન સંખ્યાબંધ હાઈ-પ્રોફાઈલ વક્તાઓ ભાગ લે તેવી શક્યતા છે.

સંગીત, રમતગમત અને ટેક્નોલોજી દ્વારા એક્સપોર્ટ ઉદાહરણોને દર્શાવવા યુકે માટે ગ્રેટ બ્રિટન કેમ્પેન દ્વારા રજૂઆત કરશે. તેમાં પ્રિમિયર લીગ ટ્રોફી, પુરુષો અને મહિલાઓનો ક્રિકેટ વર્લ્ડ કપ, યુકેમાંથી લવાયેલા ફૂડ અને ડ્રિંકનો સમાવેશ કરાશે.

બુધવારને ૧૮ એપ્રિલે યુકેના ફોરેન સેક્રેટરી કોમનવેલ્થ ફોરેન મિનિસ્ટર્સની યજમાની કરશે. તેઓ ચોગમ બેઠક માટે મહત્ત્વની બાબતો પર તૈયારી રૂપ કામગીરી કરશે.

ગુરુવાર તા.૧૯ એપ્રિલે હેડ ઓફ ગવર્નમેન્ટ પ્રોગ્રામ શરૂ થશે. બકિંગહામ પેલેસમાં સરકારોના વડા, ફોરેન મિનિસ્ટર્સ અને મહેમાનો એકત્ર થવાના હોવાથી ધ મોલ, પાર્લામેન્ટ સ્કવેર અને વિન્ડસરમાં કોમનવેલ્થના ધ્વજ લગાવાશે. આ વિસ્તારમાંઅને આસપાસના વિસ્તારમાં ફરતા લોકોને કોમનવેલ્થ ગાર્ડ ઓફ ઓનર અને ૫૩ તોપની સલામીની ઝાંખી જોવા મળશે.

લેંકેસ્ટર હાઉસ ખાતે એક્ઝિક્યુટિવ સેશન શરૂ થાય તે પહેલા તમામ સરકારોના વડાઓનું યુકેના વડાપ્રધાન થેરેસા મે અને કોમનવેલ્થ સેક્રેટરી જનરલ પેટ્રિશિયા સ્કોટલેન્ડ દ્વારા સ્વાગત કરાશે. વર્કિંગ સેશન્સનું અધ્યક્ષપદ યુકેના વડાપ્રધાન સંભાળશે. તેમાં બેઠકના સમૃદ્ધિ, સુરક્ષા, સાતત્યતા અને બહેતર ભવિષ્યના મહત્ત્વના મુદ્દે ધ્યાન અપાશે.

ગુરુવારે સાંજે ક્વીન એલિઝાબેથ દ્વિતીય બકિંગહામ પેલેસમાં વડાઓ અને તેમના પત્ની માટે ડિનરની યજમાની કરશે. યુકેના ફોરેન સેક્રેટરી પણ તેમના સમકક્ષ માટે ડિનરનું આયોજન કરશે. કોમનવેલ્થની પરંપરાને જાળવતા બેઠકના છેલ્લા દિવસે સરકારોના વડા લીડર્સ રિટ્રીટ માટે વિન્ડસર કેસલ ખાતે ભેગા થશે. રિટ્રીટ પૂર્ણ થયા બાદ વડાઓએ લીધેલા નિર્ણયો અને દર્શાવેલી પ્રતિબદ્ધતા વિશેનું સત્તાવાર નિવેદન રજૂ કરાશે.

વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૭મી એપ્રિલે રાત્રે સ્વીડનથી લંડન આવશે. ૧૮મી એપ્રિલે સવારે ૮.૩૦ (બ્રિટિશ ટાઈમ) કલાકે નં. ૧૦ ખાતે યુકે-ભારત દ્વિપક્ષીય વાટાઘાટો યોજાશે. એક લાખ ગેરકાયદે ઈમિગ્રન્ટ યુકેથી ભારત પાછા ફરશે તે બાબત સંમતિ દર્શાવતી સમજૂતી પર વડાપ્રધાન મોદી હસ્તાક્ષર કરશે.

સાંજે ૫.૩૦થી ૭.૩૦ દરમિયાન ‘ભારત કી બાત સબકે સાથ’ કાર્યક્રમમાં યુકેમાં રહેતા ભારતીયોને મળશે. ક્વીન એલિઝાબેથ II સેન્ટર ખાતે વડાપ્રધાન મોદી સાથેની આ બેઠકમાં ૧,૫૦૦ લોકોની પસંદગી કરવામાં આવશે. તેના માટે યુકે અને યુરોપ તેમજ અમેરિકા સુદ્ધામાં વસતા એનઆરઆઈ સમુદાયે નોંધણી કરાવી છે.

વડાપ્રધાન મોદીનો વિરોધ અને સમર્થન

વડાપ્રધાન મોદી ચોગમમાં ભાગ લેવા તૈયારી કરી રહ્યા છે ત્યારે બ્રિટનના શીખ સમુદાય અને કાશ્મીરી અલગતાવાદીઓના કહેવાતા નેતાઓ સાથે મળીને લંડન અને વિન્ડસરમાં શિખર બેઠકમાં ભાગ લેવાના વડાપ્રધાન મોદીના નિર્ણયનો વિરોધ કરશે.

ગવર્નમેન્ટ વ્હિપ્સ ઓફિસ, હાઉસ ઓફ લોર્ડ્સ વેબસાઈટ મુજબ લોર્ડ નાઝિર એહમદ પણ ૧૬મી એપ્રિલે હાઉસ ઓફ લોર્ડ્સમાં કાશ્મીર અને પંજાબના મુદ્દે પ્રશ્ર ઉઠાવવા માગે છે.

જોકે, ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયા સોસાયટી ઈન્ટરનેશનલ (FISI)ના નેતૃત્વ હેઠળ વિવિધ ભારતીય સમુદાયોના ઘણાં લોકો બુધવાર તા.૧૮ એપ્રિલે સવારે ૧૧.૩૦થી બપોરે ૧૫.૩૦ દરમિયાન પાર્લામેન્ટ સ્ક્વેર ખાતે વડાપ્રધાન મોદીને સમર્થન દર્શાવવા એકત્ર થશે. સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી યુકે, એન્ફિલ્ડ સહેલી, ઓલ લેડિઝ લીગ યુકે તેમજ ઘણી સંસ્થાઓ તેમાં જોડાશે.

એન્ફિલ્ડ સહેલીના ચીફ એક્ઝિક્યુટિવ અને ઓલ લેડિઝ લીગ યુકેના ચેરપર્સન ક્રિષ્ણા પૂજારાએ ગુજરાત સમાચાર/એશિયન વોઈસને જણાવ્યું હતું, ‘ અમે સૌ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા જઈશું. આ લોકશાહી છે, અમે કોઈને વિરોધ કરતા રોકી શકીએ નહીં. અમે મોદીનું સ્વાગત કરીશું અને ભારતીય સંસ્કૃતિ કેટલી વૈવિધ્યપૂર્ણ છે તેમ છતાં અમે સૌ એક છીએ તે દર્શાવીશું.


comments powered by Disqus