‘ડબલ વેડિંગ’ કરનાર હેરોના ભારતીય દંપતીના લગ્નની સુવર્ણજયંતી

Wednesday 11th April 2018 06:56 EDT
 
 

લંડનઃ યુકેમાં ડબલ વેડિંગમાં ભાગ લેનાર સૌ પ્રથમ યુગલ ૭૨ વર્ષીય સુભાષભાઈ ગોહિલ અને ૬૮ વર્ષીય રતનબાઈ ગોહિલ આ વર્ષે તેમના લગ્નની સુવર્ણજયંતી ઉજવશે. આ દંપતીના પરિવારમાં ચાર સંતાનો રૂપેશ, સંજય, અનિતા અને ભાવિશા છે. અને છ ગ્રાન્ડચીલ્ડ્રન છે.

હેરોના આ દંપતીએ૨૮ માર્ચ ૧૯૬૮ના રોજ ઓલ્ડહામ રજિસ્ટ્રી ઓફિસમાં ટ્વીન સિવિલ સેરીમનીમાં લગ્ન કર્યા હતા. રતનબાઈના બહેન મંજૂલાબહેનના લગ્ન વલ્લભભાઈ પરમાર સાથે થયા તેમની સાથે જ સુભાષભાઈ અને રતનબાઈ લગ્નગ્રંથિથી જોડાયા હતા.

સિવિલ સેરીમની બાદ બન્ને યુગલે ૧૨ મે, ૧૯૬૮ના દિવસે હિંદુ વિધિ પ્રમાણે લગ્ન કર્યા હતા. ઓલ્ડહામ ક્રોનિકલમાં આ બન્ને લગ્નના અહેવાલ પ્રગટ થયા હતા.

સુભાષભાઈ અને રતનબાઈ ૧૯૬૭માં એક લગ્ન પ્રસંગમાં મળ્યા હતા અને એકબીજાને પસંદ કરતા હતા. બાદમાં સુભાષભાઈ બન્ને પરિવારો વચ્ચે મિટીંગ ગોઠવવા તેમના પરિવારના વડીલોને મળ્યા હતા. યુગલો તે સમયે માત્ર રેડ ફોન બોક્સના ઉપયોગથી જ વાતચીત કરી શકતા હતા. ગોહિલે જણાવ્યું હતું કે ઘણી વાતચીત જ તેમના લાંબા લગ્નજીવનનું રહસ્ય છે.

પોતાનો બિઝનેસ ચલાવતા સુભાષભાઈ હાલ નિવૃત્ત છે અને ફેમિલી બિઝનેસમાં મદદ કરનારા રતનબાઈ ગૃહિણી છે. તેમના પુત્ર સંજયે જણાવ્યું હતું કે તેમના લગ્ન અસામાન્ય એટલા માટે હતા કે યુકેમાં તે સમયે જે પ્રથમ ભારતીય ડબલ વેડિંગ થયા હતા તેમાંનુ આ એક હતું.

ગોહિલ અને પરમાર પરિવાર નિયમિતપણે એકબીજાના સંપર્કમાં છે અને મુલાકાત લેતા રહે છે.


comments powered by Disqus