‘ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ના શૂટિંગનો લંડનમાં પ્રારંભ

Friday 13th April 2018 07:43 EDT
 
 

સંજય બારુના પુસ્તક પર આધારિત પોલિટિકલ ડ્રામા ‘ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર' માટે લંડનમાં સોમવારથી પ્રિન્સિપલ ફોટોગ્રાફીની શરૂઆત થઈ હતી. આ ફિલ્મમાં અનુપમ ખેર લીડ રોલમાં છે. જેમાં ભૂતપૂર્વ વડા પ્રધાન ડો. મનમોહન સિંઘના ‘મેકિંગ’ અને ‘અનમેકિંગ’ને રજૂ કરવામાં આવશે. આ ફિલ્મનું પોસ્ટર અગાઉ રિલીઝ કરાયું છે ત્યારથી અનુપમ ખેરના આ ફિલ્મમાં લુક વિશે ભારે ચર્ચા થાય છે.
આ પ્રોજેક્ટ વિશે અનુપમ ખેરે કહ્યું હતું કે, ‘ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ માં ડો. મનમોહન સિંઘ જેવા સમકાલીન વ્યક્તિત્વને રજૂ કરવાની તક એ એક એક્ટર તરીકે મારા માટે ખૂબ જ મોટો પડકાર છે. તેઓ ચોવીસ કલાક એક્ટિવ મીડિયાના જમાનાના એક ભાગ છે અને દુનિયાને તેમના વ્યક્તિત્વની ઝીણામાં ઝીણી બાબતની જાણ છે. હું છેલ્લા કેટલાક મહિનાથી આ કેરક્ટર વિશે ઘણું લેસન કરી રહ્યો છું. ફિલ્મના ડિરેક્ટર વિજય રત્નાકર ગુટ્ટેની આ પ્રથમ ફિલ્મ છે અને ફિલ્મના ક્રિએટિવ પ્રોડ્યુસર હંસલ મહેતા છે. ફિલ્મમાં વડા પ્રધાનના પૂર્વ મીડિયા સલાહકાર સંજય બારુ તરીકે અક્ષય ખન્ના જોવા મળશે.


comments powered by Disqus