‘વિશ્વાસનું એવરેસ્ટ’ઃ પદ્મશ્રી અરુણિમા સિંહા!

Wednesday 11th April 2018 07:47 EDT
 
 

ભારતના વૂમનપાવરનો ભવિષ્યમાં જ્યારે પણ ઉલ્લેખ થશે, ત્યારે અરુણિમા સિંહાનું નામ તેમાં અગ્રિમ સ્થાને મૂકાશે. એક રેલવે દુર્ઘટનામાં કેટલાંક અનિષ્ટ તત્ત્વો સાથે થયેલી ઝપાઝપી દરમિયાન ચાલુ ટ્રેનમાંથી બહાર ફેંકાયેલી એક યુવતી પોતાના બંને પગ કપાઈ ગયા પછી પણ વિશ્વના સૌથી ઊંચા પર્વતશિખર એવરેસ્ટ પર આરોહણ કરવાની ઝંખના સેવે. એટલું જ નહીં, એ ઝંખનાને સાકાર કરી બતાવે એ ઘટના એકવીસમી સદીનો ચમત્કાર જ ગણાય.
આ સાહસિક યુવતી એટલે અરુણિમા સિંહા. પોલીસ ડિપાર્ટમેન્ટમાં હેડ કોન્સ્ટેબલ તરીકેની જોબ માટે ઇન્ટરવ્યૂ આપવા જવા માટે ૧૧ એપ્રિલ ૨૦૧૧ના રોજ લખનઉના ચારબાગ રેલવે સ્ટેશનથી દિલ્હી તરફ જતી પદ્માવતી એક્સપ્રેસ ટ્રેનમાં અરુણિમા પ્રવાસ કરી રહી હતી. ટ્રેન બરેલી સ્ટેશન પહોંચે તે પહેલાં, દારૂ પીધેલા ચાર-પાંચ યુવાનોએ અરુણિમાના ગળાની ચેઈન ખેંચવા કોશિશ કરી. એથ્લેટ્સમાં પારંગત અને રમતવીર સાહસિક અરુણિમાએ તે યુવાનોનો પ્રંચડ પ્રતિકાર કર્યો. નરાધમ યુવાનોએ અરુણિમાને ચાલુ ટ્રેનમાંથી ધક્કો મારીને બહાર ફેંકી દીધી. એ ગંભીર દુર્ઘટના પછીની સારવાર દરમિયાન અરુણિમા સિંહાના બંને પગ કાપવા પડ્યા હતા. જોકે બંને પગ ગુમાવ્યા પછી પણ ખેલકૂદની ખુમારીને કારણે અરુણિમાએ એવરેસ્ટ આરોહણનું ખ્વાબ જોયું અને એક ખ્વાબ સિદ્ધ પણ કરી બતાવ્યું! આ સિદ્ધિએ અરુણિમાને વુમન પાવર ક્ષેત્રે પૂરા વિશ્વની મિસાલ બનાવી દીધી!
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સન્માનિત પદ્મશ્રી અરુણિમા સિંહાના અંગ્રેજી ભાષામાં લખાયેલા આત્મવૃત્તાંત ‘Born Again on the Mountain’ના ગુજરાતી ભાષામાં થયેલા અનુવાદ ‘વિશ્વાસનું એવરેસ્ટ’ ગૂર્જર પ્રકાશન-અમદાવાદ તરફથી પ્રકાશન થયું છે. ગુજરાતી ભાષામાં પ્રગટ થયેલી અત્યાર સુધીની તમામ આત્મકથામાં ‘વિશ્વાસનું એવરેસ્ટ’ આગવી ભાત પાડતી અને નારીકશક્તિનો મહિમા કરતી થ્રિલર ઓટોબાયોગ્રાફી છે.
આ આત્મકથાનો લોકાર્પણ સમારોહ તાજેતરમાં ગાંધીનગર ખાતે ગુજરાતના ગવર્નર ઓ. પી. કોહલીના વરદ હસ્તે સંપન્ન થયો હતો. આ પ્રસંગે શ્રી રામકૃષ્ણ આશ્રમ-રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાંદજી, શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ‘ગાંધીનગર સમાચાર’ના તંત્રી કૃષ્ણકાંત જ્હા, ગૂર્જર પ્રકાશના સંચાલક મનુભાઈ શાહ સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
(પૃષ્ઠઃ ૧૪૬ • પ્રકાશકઃ ગૂર્જર પ્રકાશન - અમદાવાદ • www.gurjarbooksonline.com)


comments powered by Disqus