લંડનઃ બ્રેડ અને ફૂડ એડિટિવ્સ અંગેના હાલના કાયદા વિશેના ચિંતાજનક અહેવાલોને પગલે વીરેન્દ્ર શર્મા MP એ આપણાં ભોજનમાં વપરાતા પદાર્થો વિશે ખાતરી માગતો પત્ર સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ધ એન્વાયર્નમેન્ટ, ફૂડ, રુરલ અફેર્સને પાઠવ્યો હતો.
પત્રમાં તેમણે જણાવ્યું હતું, ‘હું માનું છું કે અત્યારે બ્રેડ બનાવવામાં ‘પ્રોસેસિંગ એઈડ્સ‘ તરીકે જાણીતા એડિટિવ્સનો ઉપયોગ થાય છે જેને પદાર્થોની યાદીમાં સમાવેશ કરવાનો હોતો નથી. તેનો મતલબ થયો કે બ્રેડ માટેનો લોટ બાંધવાની પ્રક્રિયામાં ગાયના આંતરડાના એન્ઝાઈમનો ઉપયોગ થઈ શકે અને તેમ છતાં તેનું માર્કેટિંગ અને લેબલીંગ ‘વેજિટેરિયન’ તરીકે થઈ શકે. ખાસ કરીને ધર્મના પાલનની દ્રષ્ટિએ જે લોકો બીફ પ્રોડક્ટ્સ ખાતા નથી તેમના માટે આ ચિંતાનો વિષય બની શકે.’
વધુમાં તેમણે લખ્યું હતું, ‘રેપ કર્યા વિનાના બ્રેડ ઉત્પાદનોની બેગ પર કે શેલ્ફ પર ઈન્ગ્રેડિયન્ટ્સ લિસ્ટ છાપેલું હોતું નથી. સાઉર્ડો પ્રક્રિયાનો ઉપયોગ કર્યા વિના બ્રેડ બનાવી હોય તો પણ તેને ‘સાઉર્ડો’ તરીકે વેચી શકાય. બેકિંગના સંદર્ભમાં ‘ફ્રેશ’, ‘આર્ટિસન’ અને ‘હેરિટેજ વ્હીટ’ માટેની અર્થપૂર્ણ અને કાનૂની વ્યાખ્યાના અભાવ વિશે પણ હું ચિંતિત છું.‘
‘બ્રેડના લેબલિંગ અને માર્કેટિંગ માટે હાલનો કાયદો હેતુને સિદ્ધ કરતો હોય તેવું હું માનતો નથી. ઉલટાનું હાલનો કાયદો આપણા અર્થતંત્રના જીવન આધાર અને આપણી હાઈ સ્ટ્રીટ્સની વિશેષતા ગણાતી નાની, સ્વતંત્ર સ્થાનિક બેકરીઓની અવગણના કરે છે અને તેની સામે પડકાર ઉભા કરે છે. શોપકિપરોના દેશમાં આપણે નાના બિઝનેસીસને મદદ માટે ખૂબ ઓછું કાર્ય કરી રહ્યા છીએ.’

