ક્વીન એલિઝાબેથ બીમાર, શોકસભાનું રિહર્સલ

Wednesday 11th July 2018 06:50 EDT
 
 

લંડનઃ ક્વીન એલિઝાબેથ દ્વિતીય ૯૨ વર્ષનાં છે અને બીમાર છે. તેમની ઉંમર અને અવારનવાર બગડતી તબિયતને લીધે તાજેતરમાં સેન્ટ પૉલ કેથેડ્રલમાં યોજાયેલા સર્વિસ સેરીમની સમારોહમાં ભાગ લઇ શક્યાં ન હતાં. સામાન્ય રીતે બ્રિટિશ પરિવારનાં વડાની સલામતીની પ્રાર્થના દેશ અને દુનિયામાં થતી રહેતી હોય છે, પરંતુ હાલમાં તેમની સ્થિતિને જોતાં સરકારના કેટલાક મિનિસ્ટરોએ ક્વીનના નિધન પછી યોજવાની શોકસભા માટે ગુપ્ત રીતે અભ્યાસ કર્યો હતો.

'કેસલ ડવ' નામની આ કવાયતમાં D+1 એટલે કે ક્વીનના નિધન પછીના દિવસ પર વધુ ધ્યાન અપાયું હતું. આ રિહર્સલમાં અનેક કેબિનેટ મિનિસ્ટર્સ અને અધિકારીઓ હાજર રહ્યા હતા. રાજપરિવારના કોઇ સભ્યનાં નિધન પહેલાં નેતાઓએ વહીવટી અધિકારીઓ સાથે ચર્ચા કરી હોય તેવું બ્રિટનના ઇતિહાસમાં આ પ્રથમવાર બન્યું હતું. જાણકારો કહે છે કે આ સંજોગોમાં ક્વીનનુ નિધન થાય તો આ ઘટના બ્રિટનના ઇતિહાસમાં સૌથી વિઘટનકારી ઘટનાઓ પૈકીની એક હશે.

એક અખબારે ગયા વર્ષે મહારાણીનાં નિધન પછી પેલેસ અને સરકાર તરફથી લેવાનારાં પગલાં અંગે જાણકારી આપી હતી. તેમાં જણાવાયું હતું કે ક્વીનના નિધનથી દેશમાં આશરે ૧૨ દિવસ સુધી શોક રહેશે. નિધન બાદ કાઉન્સિલમાં સૌ પહેલા તો રાજગાદીના આગામી વારસની ચર્ચા થશે. તે પછી બકિંગહામ પેલેસના દરવાજા પર ક્વીનના નિધનની માહિતી મૂકવામાં આવશે. તેને દુનિયાભરનાં મીડિયાને મોકલવામાં આવશે. રેડિયો અને ટીવીમાં બ્રેકગ્રાઉન્ડમાં શોકસંગીત રજૂ કરવામાં આવશે. મહારાણીના પાર્થિવ દેહને વેસ્ટમિન્સ્ટર હોલમાં રાખવામાં આ‌વશે, જ્યાં તેમને શ્રદ્ધાંજલિ અપાશે.


comments powered by Disqus