લંડનઃ જેપી મોર્ગનના મેનેજિંગ ડિરેક્ટર અને ઈન્ડિયા હેડ ઓફ લીગલ જીગર શાહ મુંબઈમાં KKRના ઈન્ડિયા હેડ ઓફ લીગલ તરીકે જોડાઈ ગયા છે. મુંબઈમાં તેઓ સ્થાનિક પાર્ટનર્સ અને એશિયા પેસિફિક રિજયન જનરલ કાઉન્સિલને મળ્યા હતા. KKRનો અત્યાર સુધી પોતાનો લીગલ ડિપાર્ટમેન્ટ ન હતો તેમ મનાય છે. તેથી જીગર શાહ ભારતીય નાણાં ક્ષેત્ર અને ખાનગી ઈક્વિટી ક્ષેત્રમાં KKR તરફથી કાનૂની પ્રક્રિયા શરૂ કરનારા પ્રથમ વકીલ બન્યા છે.
શાહ ૧૯૯૨માં યુનિવર્સિટી ઓફ લેસ્ટરથી એલએલબી થયા હતા અને તેમની કારકિર્દીનો પ્રારંભિક સમય વિદેશમાં (૨૦૦૨ અને ૨૦૦૯ વચ્ચે લંડન અને હોંગકોંગમાં ડોઈશ બેંકમાં, ૨૦૦૯માં ભારત પરત) ગાળ્યો હતો. જેપીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર યશ યાદવ GCનો હોદ્દો સંભાળશે. તેઓ નવેમ્બર, ૨૦૧૫માં ડોઈશ બેંકમાંથી છૂટા થઈને જીગર શાહ સાથે જોડાયા હતા. શાહ જેપી મોર્ગનમાં જોડાયા તે અગાઉ ત્યાંના ઈન્ડિયા લીગલ હેડ હતા.
આ ઘટનાક્રમ અંગે જેપી અને KKR બન્નેએ ટિપ્પણીનો ઈન્કાર કર્યો હતો. KKR એ બ્લેકસ્ટોન ગ્રૂપ પછી બીજા ક્રમનું વિશ્વનું સૌથી મોટું પ્રાઈવેટ ઈક્વિટી ફંડ છે અને તેણે પાંચ વર્ષમાં ૪૧ બિલિયન પાઉન્ડનું ફંડ એકત્ર કર્યું હતું. ભારતમાં તેની પેટા કંપની KKR ઈન્ડિયા એસેટ ફાઈનાન્સ અને KKRઈન્ડિયા ફાઈનાન્સિયલ સર્વિસીસ ઉપરાંત સંખ્યાબંધ કંપનીઓ સાથે સંકળાયેલી છે.

