બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS) ના વડા પ.પૂ. મહંત સ્વામી હાલ સારંગપુર ખાતે વિચરણ કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે તા.૭.૭.૧૯૯૮ના રોજ પૂ. પ્રમુખ સ્વામીની બાયપાસ સર્જરી કરવામાં આવી હતી. તેની સ્મૃતિમાં સારંગપુર ખાતે શનિવાર તા.૭ જુલાઈએ પૂ.મહંત સ્વામીની નિશ્રામાં પ્રમુખ સ્વામી સ્મૃતિદિનની ઉજવણી કરવામાં આવી હતી. રવિવાર તા.૮ જુલાઈએ યુવક દિન ઉજવાયો હતો. તેમાં યુવાનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. પૂ. યોગીજી મહારાજે યુવા પ્રવૃત્તિ કેવી રીતે શરૂ કરી હતી અને તેના અત્યાર સુધી થયેલા વિકાસ અને સંવર્ધનની વાત યુવકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા રજૂ કરી હતી. તા.૧૦ જુલાઈએ સંસ્કૃત મહાવિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓેએ પૂ. મહંત સ્વામીની વિશેષ ઉપસ્થિતિમાં સ્તોત્ર ગાન અને નવા રચેલા શ્લોકોનું પઠન કર્યું હતું. પૂ. મહંત સ્વામી બાળ, કિશોર તેમજ યુવક-યુવતી અને પુરુષો-મહિલાઓની સભાઓમાં ઉપસ્થિત રહીને સૌને દર્શન અને સત્સંગનો લાભ આપી રહ્યા છે. વહેલી સવારથી જ પૂ. મહંત સ્વામીના દર્શન કરવા માટે મંદિરમાં હરિભક્તો મોટી સંખ્યામાં આવી પહોંચે છે. આશીર્વચનમાં પૂ.મહંત સ્વામી સૌ હરિભક્તોને સંપ, સદભાવ અને એકતાના ગુણોને વધુ દ્રઢ બનાવવાની શીખ આપે છે. પૂ. મહંત સ્વામીએ આશીર્વચન પાઠવતા સૌ હરિભક્તોને જીવનમાં સાધુતા એટલે કે ઉચ્ચ કક્ષાના મૂલ્યો જાળવવા તેમજ સૌ પ્રત્યે દિવ્યભાવ રાખવા જણાવ્યું હતું. પૂ. મહંત સ્વામી આગામી તા.૧૫ જુલાઈને રવિવારે વિચરણ માટે આણંદ જશે.

