લંડનઃ સંશોધકો અને વૈઞ્જાનિકો માટે બ્રિટન દ્વારા નવી વિઝા કેટેગરી શરૂ કરવામાં આવી છે. જેનો લાભ ભારતીય સંશોધકો અને વૈઞ્જાનિકોને પણ થશે. બ્રિટનની નવી યુકેઆરઆઈ સાયન્સ રિસર્ચ એન્ડ એકેડેમિયા સ્કિમનો હાલની ટીયર ફાઇવ વિઝા કેટેગરીમાં સમાવેશ કરાયો છે. આ કેટેગરી અંતર્ગંત ભારત સહિત યુરોપિયન યુનિયન બહારના દેશોના નાગરિકોને બે વર્ષ સુધીના વિઝા આપવામાં આવશે.
નવી વિઝા કેટેગરીની જાહેરાત કરતાં બ્રિટનના ઇમિગ્રેશન મિનિસ્ટર કેરોલિન નોક્સે જણાવ્યું હતું કે, આ નવી વિઝા સ્કીમનું સંચાલન યુકે રિસર્ચ એન્ડ ઇનોવેશન દ્વારા કરાશે. જેમાં દેશની સાત રિસર્ચ કાઉન્સિલ ઇનોવેટ યુકે અને રિસર્ચ ઇંગ્લેન્ડનો સમાવેશ થાય છે. તેનાથી યુકે રિસર્ચ એન્ડ ઇનોવેશન, નેશનલ હિસ્ટ્રી મ્યુઝિયમ જેવા દેશના ૧૨ માન્યતા પ્રાપ્ત રિસર્ચ સંસ્થાનો સાથે મળીને ઉચ્ચ કુશળતા ધરાવતા વિદેશી નાગરિકો અને ટેક્નિશિયનોને સીધા સ્પોન્સર કરી શકશે. સ્પોન્સર સંસ્થાનોનું સીધું નિયંત્રણ યુકે રિસર્ચ એન્ડ ઇનોવેશન દ્વારા કરાશે. આ સંસ્થાનોએ ટીયર ફાઇવ સ્પોન્સર લાઇસન્સ મેળવવાનાં રહેશે.

