યુકે નાસી આવેલા હત્યાના ગુનેગાર સુખવિન્દરસિંઘે બીજી હત્યા કરી

Wednesday 11th July 2018 06:46 EDT
 
 

લંડનઃ ભારતમાં હત્યાના ગુનામાં સજા સામે પડતર અપીલ દરમિયાન છૂટેલા અને યુકે નાસી આવેલા ૪૧ વર્ષીય સુખવિન્દરસિંઘે પોતાના ૩૯ વર્ષીય બનેવી હરીશ કુમારની છૂરો મારીને હત્યા કરતા વુલ્વરહેમ્પટન ક્રાઉન કોર્ટના જજ માઈકલ ચેલીનોરે તેને પાંચ વર્ષની કેદની સજા ફરમાવી હતી. તે સ્મૃતિભ્રંશની બીમારીથી પીડાય છે. બ્રિટનમાં હોમ ઓફિસ દ્વારા ક્લેરિકલ ભૂલને લીધે સુખવિન્દરને સિટિઝનશિપ આપવામાં આવી હતી.

વેસ્ટ મીડલેન્ડ્સના સેન્ડવેલમાં રહેતા ગયા વર્ષે ૧૦મી ઓગસ્ટે બનેલી આ ઘટનામાં સુખવિન્દરસિંઘને બનેવી હરીશકુમારને પોતાની પત્ની સાથે અનૈતિક સંબંધ હોવાનો ભ્રમ થયો હતો. તેથી તેણે હરીશકુમારની હત્યા કરી હતી. બાદમાં તેનો મૃતદેહ કારમાં નાખીને તે થોડા કલાક સુધી ફર્યો હતો અને બાદમાં વેસ્ટ બ્રોમવિચ પોલીસ સ્ટેશને જઈને આત્મસમર્પણ કર્યું હતું.

ભારતમાં હત્યાના ગુનામાં તેને સાત વર્ષની સજા થઈ હતી. પરંતુ, પડતર અપીલને લીધે તેનો છૂટકારો થતાં ૨૦૦૭માં તે નાસીને બ્રિટન આવ્યો હતો. ૧૯૯૮માં ભારતના પંજાબમાં સ્ટુડન્ટ યુનિયનના પ્રમુખની કિરપામથી હત્યા કરવા માટે સિંઘને અન્ય ચાર લોકો સાથે ગુનેગાર ઠેરવવામાં આવ્યો હતો. કોર્ટને જણાવાયું હતું કે હોમ ઓફિસના ક્લાર્કની ભૂલને લીધે તે બ્રિટિશ સિટિઝન બન્યો હતો. અગાઉ તે સ્મૃતિભ્રંશથી પીડાતો હોવાનો પ્રોસિક્યુશને સ્વીકાર કર્યો ત્યારે તેણે હત્યાની કબૂલાત કરી હતી. એક સંબંધીએ જણાવ્યું હતું કે હરીશ કુમાર ખૂબ સારા માણસ હતા તે હંમેશા સૌને મદદરૂપ થતા હતા.


comments powered by Disqus