ભારતીય બેંકો પાસેથી અબજો રુપિયાની લોન લઈને તેનું ફુલેકુ ફેરવી યુકે નાસી આવનારા બિલિયોનેર અને લિકર બેરન વિજય માલ્યાને આખરે બ્રિટિશ હાઈ કોર્ટનો એક તમાચો વાગી જ ગયો છે. પોતાનું બ્રિટનથી પ્રત્યાર્પણ ટાળવા માટે ભારતની આર્થર રોડ સહિતની જેલોમાં રહેવાને અયોગ્ય વાતાવરણ અને પોતાના માનવાધિકાર જેવી મૂર્ખતાપૂર્ણ દલીલો કરનારા માલ્યાને બ્રિટનના ન્યાયનો અહેસાસ હવે થયો હશે. રુપિયા ૯૦૦૦ કરોડથી વધુ રકમની વસૂલાત કરવાના પ્રયાસમાં ૧૩ ભારતીય બેંકોની તરફેણમાં ચુકાદો આપી જસ્ટિસ બાયરને માલ્યાની લંડનમાં આવેલી મિલકતોમાં પ્રવેશ અને જરૂર જણાય તો બળપૂર્વક જપ્તીનો આદેશ પણ આપ્યો છે. દેખીતી નજરે આ ચુકાદો નાનો લાગતો હોય પણ તેની અસર વ્યાપક ઉભી થાય તેમ છે. ભારતીય બેન્કો માલ્યા પર બાકી લેણાં નીકળતા ૧.૧૪૫ બિલિયન પાઉન્ડની વસુલાત કરવા આ કોર્ટ આદેશનો ઉપયોગ કરી શકે છે. જોકે, બ્રિટિશ હાઈકોર્ટે નિર્ણયમાં સ્પષ્ટતા કરી છે કે બેંક તેના આદેશનો ઉપયોગ પોતાની રિકવરી માટે કરી શકશે નહિ. કાયદાકીય નિષ્ણાતોના અનુસાર યુકેના ટ્રિબ્યુનલ કોર્ટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ એક્ટ,-૨૦૦૭ સાથે સંકળાયેલા આ ચુકાદાથી માલ્યાને લોન આપનારી ૧૩ ભારતીય બેંકો પાસે તમામ એન્ફોર્સમેન્ટ વિકલ્પો ઉપલબ્ધ થાય છે. બેન્કો હવે ઈંગ્લેન્ડ અને વેલ્સમાં માલ્યાની સંપત્તિ સ્થગિત કરવાના ભારતીય કોર્ટના આદેશનો અમલ કરાવી શકશે.
જસ્ટીસ બાયરને આદેશમાં જણાવ્યું છે કે હાઇકોર્ટ એન્ફોર્સમેન્ટ અધિકારી તથા તેમના નિયંત્રણમાં કાર્યરત કોઇ પણ એન્ફોર્સમેન્ટ એજન્ટ લેડીવોક, ક્વિન હૂ લેન, ટેવિન, વેલવિન અને બ્રેમબલ લોજમાં પ્રવેશીને માલ્યાની વસ્તુઓની તપાસ કરી શકે છે અને તે પૈકી કોઇ પણ વસ્તુને પોતાના નિયંત્રણમાં લઇ શકે છે. આ ચુકાદાના પરિણામે, માલ્યા લંડનમાં ઘરવિહોણા થઈ જાય તો જરા પણ નવાઈ નથી.
અગાઉ પણ મે મહિનાના બ્રિટિશ કોર્ટે મની લોન્ડરિંગ અને ફ્રોડના આરોપોમાં માલ્યા દોષિત હોવાનું ઠરાવી વિશ્વમાં ગમે ત્યાંથી તેની સંપત્તિ જપ્ત કરવાના નિર્ણયને રદ કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે ઠરાવ્યું હતું કે ભારતીય બેંકોને તેના નાણાની વસૂલાત કરવાનો અધિકાર છે. ભારતમાં ડેટ રીકવરી ટ્રિબ્યુનલના ચુકાદાને સૌપ્રથમ વખત બ્રિટિશ હાઈ કોર્ટમાં ધ્યાને લેવાયો તે પણ કાનૂની ઉદાહરણ સ્થાપિત કરે છે. હવે માલ્યાના પ્રત્યાર્પણ સંબંધિત કેસ ૩૧ જુલાઈએ કોર્ટ સમક્ષ આવનાર છે તેના પર સહુની નજર છે.
કોઈ પણ અપરાધી કરતો હોય તે રીતે જ માલ્યાએ સમગ્ર મામલામાં પોતે નિર્દોષ હોવાનો દાવો કર્યો જ છે. મીડિયામાં તેની ટ્રાયલના પગલે ઈરાદાગત ડિફોલ્ટર જાહેર કરાયો છે. જોકે,પોતાના એશોઆરામ માટે જ તેણે ભારતીય બેન્કો અને પ્રજાના નાણા ઓળવ્યાં હોવાનું દેખાઈ આવે છે. બેન્કો પણ આટલી મોટી રકમોની લોન્સ તેને ફાળવે તે બદલ દોષિત અવશ્ય છે પરંતુ, તેના કારણે માલ્યાને વિદેશ ભાગી જઈ ભારત સરકાર અને સિસ્ટમ સામે આક્ષેપો કરવાનો અધિકાર મળી જતો નથી. ભારતીય બેન્કો સામે માલ્યાના અપરાધો દેખીતી રીતે પૂરવાર થઈ જ ગયા છે ત્યારે કોર્ટ પાસે પણ માલ્યાનું પ્રત્યાર્પણ ભારતને કરવા સિવાયનો કોઈ વિકલ્પ રહ્યો હોય તેમ જણાતું નથી. બ્રિટન અને ભારતની જેલ વ્યવસ્થા અલગ છે. માલ્યાએ ભારતની પ્રજાનો અપરાધ કર્યો છે ત્યારે ભારતની જેલમાં જ રહેવાની સજા તેને કરાય તે ખોટું નથી. વધુમાં વધુ, માલ્યાને આર્થર રોડ જેલમાં ટોઈલેટની સારી વ્યવસ્થા સાથે મચ્છરરહિત કમરો આપવાની તાકીદ બ્રિટિશ કોર્ટ ભારતીય એજન્સીઓને કરી શકે છે. અગાઉ, તો માલ્યાએ બેન્કોના લેણાં ચૂકવવા રુપિયા ૧૩,૯૦૦ કરોડની સંપત્તિ વેચી દેવાની તૈયારીની ડંફાસ હાંકી હતી. છતાં, લંડન કોર્ટમાં સુનાવણી વેળાએ માલ્યાએ એવી દલીલ કરી હતી કે ભારતમાં તેની રુપિયા ૧૩,૯૦૦ કરોડની સંપત્તિ જપ્ત કરી લેવાતાં તેની આવક બંધ થઈ ગઈ છે. આ દલીલ સાથે તેણે માસિક રુપિયા ૬૫ લાખનું નિર્વાહભથ્થું મેળવવામાં પણ સફળતા મેળવી હતી.

