લંડનઃ ૨૦૧૮નું વર્ષ હિંદી ભાષાના વૈશ્વિકરણની દિશામાં મહત્ત્વપૂર્ણ છે કારણ કે આ વર્ષે જ ભારત અને મોરેશિયસ સરકાર દ્વારા ૧૧મા વિશ્વ હિંદી સંમેલનનું આયોજન થઈ રહ્યું છે. વાણી ફાઉન્ડેશનના નેજા હેઠળ બ્રિટનની ત્રણ સંસ્થા - યુકે હિંદી સમિતિ, વાતાયનઃ પોએટ્રી ઓન સાઉથ બેંક અને કૃતિ યુકે દ્વારા બ્રિટનના ચાર શહેરમાં હિંદી મહોત્સવ – ૨૦૧૮નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં વાતાયનઃ પોએટ્રી ઓન સાઉથ બેંક દ્વારા હિંદી અને સંસ્કૃતીના પ્રતિભાશાળી વ્યક્તિઓનું સન્માન કરાયું હતું. સાંસદ વીરેન્દ્ર શર્મા, લંડનના ભારતીય હાઈ કમિશનના હિંદી અધિકારી તરુણકુમાર અને વાણી પ્રકાશનના અધ્યક્ષ અરુણ મહેશ્વરીના હસ્તે તેમને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. આ મહોત્સવ ભાષા અને સંસ્કૃતિના વિદ્વાનો અને પ્રતિષ્ઠિત કલાકારોને હિંદીના વિદ્યાર્થીઓ અને યુવાનો સાથે જોડવાના પ્રયાસરૂપ હતો.
શ્રી યતીન્દ્ર મોહન મિશ્રને વાતાયન કવિતા સન્માન, ડો. કુસુમ અંસલને આંતરરાષ્ટ્રીય વાતાયન શિખર સન્માન, શ્રી કૃષ્ણ કુમાર ગૌડને આંતરરાષ્ટ્રીય વાતાયન સંસ્કૃતિ-સન્માન અને શ્રીમતી સરોજ શર્માને આંતરરાષ્ટ્રીય વાતાયન વિશેષ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા હતા. બાદમાં સન્માનિતોએ તેમની કૃતિઓનું પઠન કર્યું હતું. ભારતથી આવેલા કવિ શ્રી શશાંક પ્રભાકર અને ડો. શમ્ભુ મનહરે પણ કાવ્યપઠન કર્યું હતું.
મહોત્સવના સત્રમાં ચર્ચા, કાવ્ય ગોષ્ઠિ, પુસ્તકોનું વિમોચન, પુસ્તક પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમો, હિંદીના વિદ્યાર્થીઓ દ્વારા કાવ્યપઠન યોજાયા હતા. તે ઉપરાંત, સ્થાનિક સાહિત્યકારો શ્રીમતી કાદમ્બરી મેહરા, શ્રી અરુણ સબરવાલ, તિથિ દાની ઢોબલે અને ઈંદુ બારોટે પ્રત્યય પત્રનું પઠન કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન પદ્મભૂષણ ડો. મોટુરિ સત્યનારાયણે કર્યું હતું.

