હેરોમાં બુલોપાવાસીઓનું ભવ્ય સ્નેહ સંમેલન યોજાયું

Wednesday 11th July 2018 06:14 EDT
 
 

યુગાન્ડાના ગોકુળીયા ગામ તરીકે જાણીતા બુસોગા ડીસ્ટ્રીક્ટના બુલોપાવાસીઓ માટે રવિવાર તા.૧ જુલાઈ ૨૦૧૮નો દિવસ અણમોલ બની રહ્યો. સાઉથ હેરોમાં આવેલ ધામેચા લોહાણા સેન્ટરમાં બુલોપાવાસીઓનું સ્નેહ સંમેલન યોજાયું હતું. તેમાં મોટી સંખ્યામાં હાજર રહેલા ભાઇ-બહેનોએ એકબીજાને મળીને સ્મૃતિઓ તાજી કરતાં આનંદ -આનંદ વરતાઇ ગયો હતો.

સવારે સંમેલનમાં આવેલા સૌનું ગરમાગરમ નાસ્તા સાથે સ્વાગત કરાયું હતું. ગણપતિ વંદના અને દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમની શરૂઆત થઈ હતી. સ્વાગત પ્રવચનમાં પ્રભુદાસભાઈ મોદીએ સંમેલનમાં હાજર સૌને આવકાર આપ્યો હતો. આ પ્રસંગે પૂ. રામબાપા અને અનુપમ મિશનના સંતો સહિત આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તે પછી ભજન, કોમેડી આઈટમ્સ, ભજનો, શાસ્ત્રીય નૃત્ય, બોલિવુડ નૃત્ય અને ગીતોની સાથે રાસગરબામાં સૌ મન મૂકીને ઝૂમ્યા હતા. બપોર બાદ શ્રીખંડ પુરી અને ગરમાગરમ ભજીયા સહિત સ્વાદિષ્ટ ભોજનની સૌએ મીજબાની માણી હતી.

અંતમાં, નિધન પામેલા બુલોપા ગામના લોકોને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી. સંમેલનને સફળ બનાવવામાં પ્રભુદાસભાઈ ઉપરાંત સુરેશભાઈ રાજા અને દિલિપભાઈ રાજા તેમજ સંખ્યાબંધ યુવાનોએ યોગદાન આપ્યું હતું. કાર્યક્રમમાં બુલોપાની સ્કૂલના જીર્ણોદ્ધાર વિશે પણ સર્વાનુમતે નિર્ણય લેવાયો હતો. બુલોપાવાસીઓએ શ્રી પ્રભુદાસભાઈનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું.


comments powered by Disqus