૧૭ વર્ષીય એંજલ પટેલને મિસ ઈંગ્લેન્ડ સ્પર્ધાની સેમિફાઈનલમાં સ્થાન

Wednesday 11th July 2018 06:48 EDT
 
 

લંડનઃ ૧૭ વર્ષીય એંજલ પટેલની તાજેતરમાં મિસ ઈંગ્લેન્ડની સ્પર્ધાની એશિયન ફેસ ઓફ મિસ ઈંગ્લેન્ડ તરીકે સેમિફાઈનલમાં પસંદગી કરવામાં આવી છે. સ્પર્ધાના આ તબક્કા સુધી પહોંચનારી સૌથી નાની બ્રિટિશ એશિયન બનેલી એંજલ ઓટલે લીડ્સની પ્રિન્સ હેરી ગ્રામર સ્કૂલમાં A Levelના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે.

એંજલ બે વર્ષની હતી ત્યારે તેણે પુડસે માટે ‘ચાઈલ્ડ ઓફ ધ યર’ એવોર્ડ જીત્યો હતો. ૧૫ વર્ષની વયે તેણે લીડ્સનું પ્રતિનિધિત્વ કરતા બ્રિટનની જુનિયર મિસ સ્પર્ધામાં ભાગ લીધો હતો. એંજલે સતત સહાય માટે એશિયન ફેસ ઓફ મિસ ઈંગ્લેન્ડનો પણ આભાર માન્યો હતો. તેણે જણાવ્યું હતું કે માતા પિતા અને પરિવારને તેના માટે ગૌરવ થાય તેવું કરવા માગે છે.

એંજલે ઉમેર્યું હતું કે તેના માટે જીતવું મહત્ત્વનું નથી પરંતુ, તે સ્પર્ધામાં આ તબક્કે પહોંચી તેનાથી અને સૌથી નાની વયની બ્રિટિશ એશિયન સ્પર્ધક બનવાથી ખૂબ સન્માનની લાગણી અનુભવે છે. આ સ્પર્ધામાં તેને સ્પોન્સર કરવા માટે એંજલે બેંગાલ બ્રેસરીનો આભાર માન્યો હતો. આ વખતે ફાઈનલમાં સ્થાન નહીં મળે તો તે બ્યૂટી વીથ અ પર્પઝ માટે ચેરિટી ઈવેન્ટ યોજીને ભંડોળ એકત્ર કરશે.

સ્પર્ધાના આ રાઉન્ડમાં પહોંચવા બદલ એંજલે તેની માતાનો ખૂબ આભાર માન્યો હતો કારણ કે તેની માતાએ જ તેને આ સ્પર્ધામાં ભાગ લેવા સમર્થન આપ્યું હતું. એંજલની માતા ગંભીર માનસિક બીમારીથી પીડાય છે અને એંજલ તેની ખૂબ સંભાળ રાખે છે.

એંજલે છેલ્લાં એક વર્ષમાં ભારતની બે વખત મુલાકાત લીધી હતી. ત્યાં તેણે સાપુતારામાં છોકરીઓના અનાથાશ્રમની મુલાકાત લીધી હતી અને પોતાની કેટલીક વસ્તુઓ તથા અભ્યાસની ચીજો દાન કરી હતી. એંજલે મુંબઈની પ્રખ્યાત ઝૂંપડપટ્ટી ધારાવીની મુલાકાત લઈને એક દિવસ ત્યાં રહીને તે વિસ્તારમાં જીવન કેવું હોય તેનો અનુભવ કર્યો હતો.


comments powered by Disqus