નવી દિલ્હીઃ આવતા વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણીની સેમિ-ફાઇનલ તરીકે ગણાવાયેલી પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં શાસક ભાજપને કારમા પરાજયનો સામનો કરવો પડ્યો છે. ત્રણ રાજ્યો - રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં મતદારોએ કોંગ્રેસને સત્તાના સૂત્રો સોંપ્યા છે, પરંતુ મિઝોરમના મતદારોએ તેને જાકારો આપ્યો છે.
મિઝોરમમાં પરાજય સાથે કોંગ્રેસનો નોર્થ-ઇસ્ટમાંથી એકડો નીકળી ગયો છે. તેલંગણમાં મુખ્ય પ્રધાન ચંદ્રશેખર રાવની ટીઆરએસ સરકાર સત્તા ટકાવવામાં સફળ રહી છે. વિધાનસભા ચૂંટણીમાં પક્ષના ઝળહળતા દેખાવથી ઉત્સાહિત કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આ પરિવર્તનનો સમય છે. ચૂંટણી પરિણામો વડા પ્રધાનને લોકોની નારાજગીનો સ્પષ્ટ સંદેશ આપે છે.
ઉલ્લેખનીય છે કે પાંચ રાજ્યો - રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, તેલંગણ અને મિઝોરમમાં તબક્કાવાર વિધાનસભા ચૂંટણીઓ માટે મતદાન યોજાયું હતું. નક્સલવાદ-ગ્રસ્ત છત્તીસગઢમાં કુલ ૯૦ બેઠકો માટે ૧૨ અને ૨૦ નવેમ્બરે જ્યારે મધ્ય પ્રદેશની ૨૩૦ બેઠકો અને મિઝોરમની ૪૦ બેઠકો માટે ૨૮ નવેમ્બરે અને રાજસ્થાનની ૨૦૦ બેઠકો અને તેલંગણની ૧૧૯ બેઠકો માટે સાતમી ડિસેમ્બરે મતદાન થયું હતું.
ચુકાદો શિરોમાન્યઃ મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી પરિણામો બાદ ટ્વિટ કરતા કહ્યું હતું કે અમે બહુ નમ્રતાપૂર્વક લોકોનો ચુકાદો સ્વીકારીએ છીએ. અમને સેવાનો મોકો આપવા બદલ હું છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના લોકોનો આભાર માનું છું. આ રાજ્યોની ભાજપ સરકારે જનકલ્યાણ માટે દિવસ-રાત અથાક મહેનત કરી છે. કોંગ્રેસને વિજય માટે અભિનંદન.
એક અન્ય ટ્વિટમાં વડા પ્રધાને લખ્યું હતું કે ભાજપ પરિવારના કાર્યકરોએ રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ માટે દિવસ-રાત પરિશ્રમ કર્યો છે. હું તેમની સખત મહેનતને સલામ કરું છું. જય અને પરાજય એ તો જીવનનું એક અંગ છે.
ભાજપના વરિષ્ઠ નેતા અને નાણાંપ્રધાન અરુણ જેટલીએ કહ્યું હતું કે પરિણામો અમારી અપેક્ષા મુજબના નથી, પરિણામોએ વિશ્લેષ્ણની તક પૂરી પાડી છે.
રાહુલ પરીક્ષામાં પાસ
આવતા વર્ષે લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસમુક્ત ભારતનું ભાજપનું સ્લોગન બૂમરેંગ પુરવાર થયું છે. રાજકીય કારકિર્દીનો દારોમદાર જેની પર હતો તે સેમિ-ફાઈનલ સમાન ચૂંટણીઓમાં રાહુલ ગાંધી ઉત્તીર્ણ થયા છે અને પ્રમુખપદ સ્વીકાર્યાના એક વર્ષમાં તેમણે સત્તાવિહોણી કોંગ્રેસને સંજીવનીસમાન વિજય અપાવ્યો છે. બીજી તરફ, ભાજપને સત્તાનો મદ ભારે પડ્યો છે અને કાર્યકરોની ઉપેક્ષા ભયાનક રીતે નડી છે. જેમ કે, છત્તીસગઢમાં ભાજપનો કરુણ રકાસ થયો છે. કોંગ્રેસે ૯૦ બેઠકમાંથી ૬૭માં વિજય મેળવ્યો છે જ્યારે ભાજપ ૧૫ના આંકડા પર અટક્યો છે.
મંગળવારે જાહેર થયેલા ચૂંટણી પરિણામોમાં રાજસ્થાન અને છત્તીસગઢમાં તો કોંગ્રેસે શાસક ભાજપના લગભગ સૂપડાં સાફ કરી નાંખ્યા છે. ગત ચૂંટણી વેળા રાજ્યમાં વિપક્ષની પાટલીએ બેસનાર કોંગ્રેસે આ વખતે બન્ને રાજ્યોમાં સ્પષ્ટ બહુમતી મેળવી છે. જ્યારે મધ્ય પ્રદેશમાં છેક છેલ્લી ઘડી સુધી ભાજપ-કોંગ્રેસ વચ્ચે ભારે રસાકસી જોવા મળી હતી. આખરે કોંગ્રેસ ૧૧૩ બેઠકો જીતીને રાજ્યમાં સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી છે તો ભાજપ ૧૦૯ બેઠકો સાથે બીજા ક્રમે રહ્યો છે. આમ ભાજપના હોઠે આવેલો સત્તાનો પ્યાલો છીનવાઇ ગયો છે.
રાજસ્થાનમાં કોંગ્રેસે સરકાર રચવા માટે આવશ્યક ૧૦૦ બેઠકોનો આંકડો સર કર્યો છે. જ્યારે છત્તીસગઢમાં પક્ષે ૯૦માંથી ૬૮ બેઠકો જીતીને જ્વલંત દેખાવ કર્યો છે. જોકે કોંગ્રેસને મિઝોરમમાં આનાથી એકદમ વિપરિત સ્થિતિનો સામનો કરવો પડ્યો છે. ગત ચૂંટણી વેળા રાજ્યમાં ૪૦માંથી ૩૪ બેઠકો જીતનાર કોંગ્રેસનો વિજય આ વખતે માત્ર પાંચ બેઠકો પર સમેટાઇ ગયો છે. પક્ષને રાજ્યમાં રાજ્યમાં મિઝો નેશનલ ફ્રન્ટ (એમએનએફ)એ ૨૬ બેઠકો કબ્જે કરી છે. એમએનએફનું એક પ્રતિનિધિ મંડળ મંગળવારે મોડી સાંજે પક્ષપ્રમુખ ઝોરામથાન્ગાના નેતૃત્વમાં રાજ્યપાલને મળીને સરકાર રચવા દાવો કર્યો હતો.
કોંગ્રેસનો વનવાસ ખતમ
મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રેસનો ૧૫ વર્ષનો વનવાસ ખતમ થયો છે તો ભાજપને અહીં એન્ટી-ઈનકમબન્સીનો સામનો કરવો પડ્યો છે. મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં છેલ્લાં દોઢ દસકાથી ભાજપનું શાસન હતું એટલે તેને એન્ટી-ઈન્કમબન્સીનો સામનો કરવો પડ્યો છે જ્યારે રાજસ્થાનમાં છેલ્લાં ૨૫ વર્ષથી અનોખી પરંપરા જળવાઇ રહી છે. અહીં મતદારો દર પાંચ વર્ષે સરકાર બદલી નાંખે છે અને આ વખતે પણ પરંપરા જળવાઈ રહી છે. ઈશાની રાજ્ય મિઝોરમમાં કોંગ્રેસને પછડાટ મળી છે. મિઝો નેશનલ ફ્રન્ટને ૪૦ના ગૃહમાં બે તૃતિયાંશ બહુમતી ૨૬ બેઠકો મળી છે. કોંગ્રેસને સત્તાથી હાથ ધોવા પડ્યા છે. નોંધનીય બાબત એ છે કે રાષ્ટ્રીય સ્તરે જે મહાગઠબંધન રચવાના ઈરાદા સાથે તેલંગણમાં કોંગ્રેસ અને તેલુગુ દેશમ પાર્ટીએ અન્ય નાના પક્ષો સાથે જે યુતિ કરી હતી તેને ભયંકર પછડાટ મળી છે.
ધુરંધરો જીત્યા, સાથી હાર્યા
મધ્ય પ્રદેશમાં શિવરાજ સિંહ ચૌહાણ તેમની પરંપરાગત બુધની સીટ જીતવામાં સફળ રહ્યા છે પણ તેમના ડઝનબંધ પ્રધાનો કોંગ્રેસના ઉમેદવારથી ઘણાં માર્જિનથી હાર્યા છે. છત્તીસગઢમાં પણ મુખ્ય પ્રધાન રમણ સિંહનો વિજય થયો છે પણ તેમના પ્રધાનો હાર્યા છે. રાજસ્થાનમાં મુખ્ય પ્રધાન વસુંધરા રાજેએ કોંગ્રેસના આયાતી ઉમેદવાર અને પૂર્વ ભાજપી નેતા માનવેન્દ્ર સિંહને પરાજય આપ્યો છે પણ તેમના ઘણાં પ્રધાનો સત્તાવિરોધી લહેરમાં હાર્યા છે. ઉલ્લેખનીય છે કે માનવેન્દ્ર સિંહ ભાજપના એક સમયના વરિષ્ઠ નેતા જસવંત સિંહના પુત્ર છે અને ચૂંટણીના થોડાક સમય પૂર્વે જ ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં જોડાયા હતા.
કોંગ્રેસના સિનિયર નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું હતું કે મધ્ય પ્રદેશમાં લોકોની લાગણીનો પડઘો પડ્યો છે જ્યારે પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ કમલ નાથે કહ્યું હતું કે, રાજ્યમાં સરકાર બનાવવા અંગે તેમને વિશ્વાસ છે. છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર રચવાનો તખતો તૈયાર થઈ ગયો છે અને મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર નક્કી કરવાનો મામલો દિલ્હી હાઈ કમાન્ડ પર છોડાયો છે.
દસકા બાદ તખ્તાપલટ
મિઝોરમમાં એક દસકા બાદ સત્તાના સૂત્રધાર બદલાયા છે. મિઝો નેશનલ ફ્રંટ (એમએનએફ)એ મંગળવારે મિઝોરમમાં જ્વલંત વિજય હાંસલ કર્યો છે. તેણે કોંગ્રેસને પરાજય આપીને ૧૦ વર્ષ બાદ ફરી સત્તા હાંસલ કરી છે. ૪૦ ધારાસભ્યોના ગૃહમાં એમએનએફને ૨૬ બેઠકો મળી છે. તો શાસક કોંગ્રેસને આ રાજ્યમાં આકરો ઝાટકો લાગ્યો છે. તેને ૨૦૧૩ની વિધાનસભાની ચૂંટણીના ૩૪ની સામે માત્ર પાંચ બેઠકો જ મળી છે. પરાજય નિશ્ચિત હોવાનું જણાતાં જ મુખ્ય પ્રધાન લાલ થાન્હાવાલાએ ગવર્નર રાજશેખરનને મળીને તેમનું રાજીનામું આપી દીધું છે. આ પછી એમએનએફના પ્રમુખ પક્ષના નેતાઓ સાથે ગવર્નર કુમ્માનમન રાજશેખરનને મળ્યા હતા અને સરકાર રચવાનો દાવો કર્યો હતો.
મિઝોરમ ૧૯૮૭માં સંપૂર્ણ રાજ્યમાં ફેરવાયું તે પછી કોઇ પણ પાર્ટી સતત ત્રણ વખત સરકાર બનાવી શકી નથી. વિદાય લઇ રહેલા મુખ્ય પ્રધાન લાલ થાન્હાવાલાનો બન્ને બેઠક પરથી પરાજય થયો છે. તેઓ પોતાના ઘરઆંગણે પણ હાર્યા છે. હાલમાં એમએનએફ એ ભાજપે રચેલા નોર્થ ઇસ્ટ ડેમોક્રેટિક એલાયન્સનો એક ભાગ છે. એમએનએફને ૩૭.૬ ટકા મતો મળ્યા હતા જ્યારે કોંગ્રેસને ૩૦.૨ ટકા મતો મળ્યા છે. તેને મળેલા મતોની સરખામણીએ બેઠકોની સંખ્યા ઘટી છે. ભાજપે ખ્રિસ્તીઓનું પ્રભુત્વ ધરાવતાં રાજ્યમાં તેનું ખાતું ખોલી શક્યું છે. ૩૯ ઉમેદવારો ઉતારનાર ભાજપને આઠ ટકા મતો મળ્યા છે.
તેલંગણમાં ફરી ચંદ્રશેખર રાવ
તેલંગણમાં કે ચંદ્રશેખર રાવની પાર્ટી ટીઆરએસે ભારે બહુમતીથી વિધાનસભાની ચૂંટણી જીતી લીધી છે. ચંદ્રશેખર રાવની સરકારે જાહેર કરેલા લોકપ્રિય પગલાંને લોકોએ આવકાર્યાં છે અને તેમના પક્ષને રાજ્યની વિધાનસભાની ૧૧૯ બેઠકોમાંથી ૮૮ બેઠકો આપી છે. તેલંગણના ગૌરવ તરીકે મનાતા ૬૪ વર્ષીય રાવના પક્ષે સપાટો બોલાવી દીધો છે. રાવે પોતાના નજીકના હરીફ કોંગ્રેસના વી. પ્રતાપ રેડ્ડીને ૫૧,૦૦૦ મતોથી પરાજય આપી ગજવાલની બેઠક જીતી લીધી છે.
રાવના પુત્ર કે.ટી. રામા રાવ અને ભત્રીજા ટી. હરીશ રાવ પણ જંગી બહુમતીથી જીત્યા છે. પક્ષના ચૂંટાયેલા ધારાસભ્યો બુધવારે બેઠક યોજીને નેતાપદે રાવને ચૂંટી કાઢશે. આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન એન ચંદ્રાબાબુ નાયડૂની પાર્ટી ટીડીપી, તેલંગણા જન સમિતિ, સીપીઆઇ અને કોંગ્રેસ એમ ચાર પક્ષોનો એક 'પ્રજા કુતામી'ને માત્ર ૨૧ બેઠકો જ મળી છે. ૨૦૧૪માં ટીડીપીને ૧૫ બેઠકો મળી હતી. પરંતુ આ વખતે તેને માત્ર બે બેઠકથી જ સંતોષ માનવો પડ્યો હતો. અન્ય બે સાથી પક્ષોનું ખાતું પણ ખુલ્યું ન હતું. કોંગ્રેસને ગત ચૂંટણી કરતાં બે બેઠકો ઓછી મળી હતી. તેના ફાળે ૧૯ બેઠક આવી છે. સૌથી વધુ માર ભાજપને ખાવો પડ્યો છે. પક્ષે ૧૧૮ બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા હતા તેને એક જ બેઠક મળી છે.

