બ્રસેલ્સઃ ફ્રાન્સમાં ઈંધણો સહિતના કરવેરાના વિરોધમાં મેક્રોન સરકાર સામે શરૂ થયેલી યલો વેસ્ટ ચળવળની ચિનગારી હવે દાવાનળનું સ્વરૂપ ધારણ કરી રહી છે. ફ્રાન્સમાં હિંસા પર ઊતરી આવેલા યલો વેસ્ટના પ્રદર્શનકારીઓને કાબૂમાં લેવા માટે સરકારે આખા ફ્રાન્સમાં ૮૯,૦૦૦થી વધુ હથિયારધારી પોલીસોનો કાફલો ખડક્યો હતો. એકલાં પેરિસમાં જ ૮,૦૦૦થી વધુ પોલીસ તહેનાત કરાઈ હતી. પોલીસે યલો વેસ્ટના ૭૦૦થી વધુ પ્રદર્શનકારીઓની ધરપકડ કરી છે. લોકો મેક્રોનનાં રાજીનામાની માગણી કરતાં પ્લેકાર્ડ સાથે રસ્તા પર ઊતરી આવ્યાં છે. હવે આ યલો વેસ્ટ દાવાનળ યુરોપના અન્ય દેશોમાં પણ પ્રસરી રહ્યો છે. શનિવારે યલો વેસ્ટે બેલ્જિયમ અને નેધરલેન્ડમાં પણ દેખાવો કર્યાં અને પ્રજા રસ્તે ઉતરી હતી. ઈંધણોની માઝા મૂકી રહેલી કિંમતો સામે બ્રસેલ્સમાં સેંકડો દેખાવકારો પીળા રંગનાં ફ્લોરોસન્ટ પટ્ટા ધરાવતાં જેકેટો પહેરીને સડકો પર ઊતરી આવ્યા હતા. દેખાવકારોએ જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવાનું શરૂ કરતાં સુરક્ષાદળોએ તેમને વિખેરવા બળપ્રયોગ કર્યો હતો.

