બન્ની અને બનાસકાંઠા સરહદ પરની સ્મૃતિ

- વિષ્ણુ પંડ્યા Wednesday 12th December 2018 05:52 EST
 
 

ગુજરાતના બે સરહદી છેડા છે બન્ની અને બનાસકાંઠા. બન્નેએ પાકિસ્તાની આક્રમણો ભોગવ્યાં, હવે ત્યાં નકશો બદલાતો થયો છે. યોગાનુયોગ આ બન્ને સ્થળોએ હમણાં જવાનું થયું અને તેની સાથે સંકળાયેલાં ઇતિહાસ – ભૂગોળ – સમાજનાં સ્મરણો જાગી ઊઠ્યાં. વિદેશી ગુજરાતીઓમાંના ઘણા બધા કચ્છી અને બનાસકાંઠાના નિવાસીઓ છે, એટલે તેની કેટલીક વાત કરીએ.
આમ તો આ પ્રદેશ જ એવો છે કે તેને સમજવા માટે એક જનમ અધૂરો રહી જાય!
૧૯૮૫માં કચ્છનો સરહદો સુધીનો ઘનિષ્ટ પ્રવાસ થયો ત્યારે જ ખબર પડી કે આ નાનાં-નાનાં ટપકાં જેવાં સ્થાનો અને ત્યાં જીવનનાં અસ્તિત્વ માટે ઝઝુમતી છતાં સા-વ નિરાંતથી રહેતી વસતિના કેવાં કેટલાં રૂપરંગ છે?
૧૯૮૫માં ગુજરાતની પાકિસ્તાન સાથેની સરહદના અભ્યાસ માટે એક અભ્યાસ-સમિતિ રચાઈ હતી. આ નિર્ણય લીધો હતો ગુજરાત બિરાદરીએ. ગુજરાત બિરાદરીનાં પ્રેરણાસ્ત્રોત વિમલાજી હતાં. વિમલાતાઈ ઠકારને કોઈ એક ચોખઠામાં બેસાડી શકાય તેવાં એકાંગી વ્યક્તિ નથી. વિજ્ઞાન અને અધ્યાત્મના સમન્વયથી નવા સમાજની રચનાનું તેમનું પ્રબોધન વિશ્વના ઘણા બધાં દેશોની રહ્યું છે. ત્યાં ‘ફ્રેન્ડ્ઝ ઓફ વિમલા’ નામે સમુહો પ્રવૃત્ત છે. ‘જીવનયોગ’ની દિશા સાથે, સખ્ય, સહયોગ, સહજીવનનો એક આદર્શ તેમણે દોરી આપ્યો તેનો પ્રભાવ ગુજરાતમાં પણ સેંકડો યુવક-યુવતીઓ પર પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે
વર્તાય છે.
આબુનિવાસી વિમલાજી હવે રહ્યા નથી. પણ તેમણે ઇચ્છેલી સરહદ-સમસ્યા અભ્યાસ સમિતિના દિવસો યાદ આવે છે અને નજર સામે સરહદ પરનાં ધૂળિયાં ગામડાંનો અહસાસ થઈ આવે છે! જે મળ્યાં તેવાં વાહનોમાં - બસ, મોટરકાર, બળદગાડી, ઊંટ – તે પ્રવાસો થયા! એક વાર સરહદ સુરક્ષા દળ – બીએસએફના - કચ્છમાં મુખ્ય અધિકારી પોતે જીપકારમાં ભૂજ, માધાપર, દયાપર, લખપત, નારાયણસર, કોટેશ્વર અને જીએમડીસીનાં નગરો તેમજ પેલી બાજુ ખાવડા, બાંદી બ્રિજ, ધર્મશાળા સુધી લઈ ગયા અને આ રણપ્રદેશની ભૂગોળ સમજાવી.
પહેલી વાર ત્યારે જ સીરક્રિકનો અંદાજ મળ્યો. ૧૯૮૮માં જળ-સીમાની આંકણીનો મુદ્દો ભારત-પાક. મંત્રણાઓમાં ઊઠાવાયો તે પહેલાં જ બરાબર ‘છાડબેટ’ની જેમ પાકિસ્તાનની નજર ક્રિક પર રહી છે. ત્યાં પેટાળમાં પેટ્રોલિયમ હોવાનો એક અહેવાલ રશિયન ભૂસ્તરશાસ્ત્રીઓએ અગાઉ આપેલો છે. સીરક્રિક સમુદ્રનાં પાણી અને કાદવવાળી જમીનની ભૂગોળનો વિસ્તાર છે. પછી તો ૧૯૮૯માં મંત્રણાઓ થઈ. ૧૯૯૪માં વળી પાછા ભારત-પાક. સચિવો મળ્યા. ૨૦૦૭-૦૮માં આ મુદ્દો ચર્ચાતો રહ્યો. એમ કહેવામાં આવે છે કે સમુદ્ર-સીમાંકન માટેનું કામ ચાલી રહ્યું છે, પણ ૨૦૦૫માં અને પછી તો વારંવાર કચ્છ ગયો ત્યારે મેં મ.કુ. હિંમતસિંહજીની અંગત મુલાકાત લીધી હતી. કચ્છના રાજવી પરિવારમાં તેમણે અભ્યાસી મહાનુભાવનું સ્થાન મેળવ્યું હતું. હિંમતસિંહજી કહેતા હતા કે આ સરહદનું સીમાંકન તો છેક ૧૯૧૪માં થઈ ગયું છે હવે તે પ્રશ્ન પાછો ઉખેળવાની જરૂર શી છે? સીરક્રિક તો આપણું જ છે!
સીરક્રિકની જેમ ‘બન્ની’ - ‘બનઈ’ને ખૂંદવાનું મળ્યું તે પણ પત્રકાર જીવનની યાદગાર ઘટના રહી. કચ્છ-સત્યાગ્રહ પહેલાં તો આ બનઈની રેતીમાં અમારી જીપકાર ઊંધી વળી ગઈ અને માંડમાંડ બચ્યાં હતાં. પછી સત્યાગ્રહ, ભારત-પાક. યુદ્ધ અને ‘શ્રૃજન’ નામે શ્રોફ–પરિવારના ગ્રામવિકાસનાં કામોમાં સાક્ષી બનવાનું થયું ત્યારેય ‘બન્ની’નો ગાઢ અનુભવ થયો.
ભૂજની ઉત્તરે ૮૨૮ ચોરસ માઈલના આ ૫૦-૬૦ માઇલ લંબાઈના પટ પરનો વિસ્તાર. ભૂજથી ખાવડા જતાં ‘ઉગમણી બન્ની’ અને ‘આથમણી બન્ની’નો પૂરો પરિચય થઈ જાય. નરા, નિરાલા, ઘદુડ, ભૂખી, કાયલો નદીનાં પાણી જમીનમાં વિલાઈ જાય છે એટલે ‘ઘાસચારાનો દેશ’ બની જાય. મુખ્ય જ્ઞાતિ ‘સમા’ છે, માંડ સો-બસો વર્ષ પહેલાં ધર્માંતર કરીને મુસલમાન બન્યા. ગાય પ્રત્યે તેમની આજેય અસીમ અનુભૂતિ છે. નાની વસાહતો તે ‘ઝીલ’ અને ‘વાઢ’. ભીરંડિયારા, ભોજરડો, ડુમારડા, ગોરેવારી, મીશરાવાગે - એ મોટાં ‘ઝીલ’ ગણાય.
દરેક મોસમમાં અનુકૂળ પડે તેવાં, ગોળાકાર છત ધરાવતા ‘ભૂંગા’ - (નિવાસ) શહેરના સ્થપતિઓને ય બોધપાઠ શિખવાડે તેવાં ઘડતર છે. ‘ખૂંચરા’ના પાણીથી પશુની તરસ સંતોષાય. જત, મુતવા, જૂણેજા, સુમરા, રાયસી, હલોપત્રા, હીંગોરજા, બેભા, કુરાર... આ બધા અહીંના ‘બન્નિયાર’ છે!
અને, સરહદ જોડતાં ટપકાં જેવડાં સ્થાનો? આ તસવીર ૧૯૮૫ની છે, કેવોક ફેરફાર થયો હશે તે તપાસવા જેવું છે.
બન્નીના લુણાથી પાકિસ્તાનની રહીમકી બજાર અને અલીબંદર જવાય.
ભીરંડિયારા અને બન્ની વચ્ચેના માર્ગે થઈ પાકિસ્તાનના થરના રણમાં બલિયારીથી સોળસેરડાના રસ્તે નીકળાય.
નગરપારકર અને બેલા બેટ એકબીજાની સાથે ઘણી બધી રીતે જોડાયેલાં છે. આ રસ્તે રણદ્વીપ, (પચ્છમ બેટ, નાના અને મોટા સારબેલા બેટ, બાવરલા બેટ, બિયારબેટ, ગાંડા બેટ, બેડિયા બેટ, કેરઈ અને છાડ બેટ) આવે.
કચ્છના છેડે, સમુદ્રકિનારે કોટેશ્વરનું મંદિર છે. કરાચી અહીંથી ૧૨૦ માઇલ થાય. હાજી પીરનો મેળો જગજાણીતો છે. ત્યાંથી ૧૫ માઇલનું રણ પાર કરો એટલે રહીમકી બજાર (પાકિસ્તાન), પહોંચી જવાય.
ભૂજની ઉત્તરે સમરાસર-ભિરંડિયારા થઈને, બન્ની પસાર કરીને, પચ્છમ - ધર્મશાળા - કંજરકોટના રસ્તે પાકિસ્તાનનાં બદીન પહોંચવાનો પહેલાં ઉપયોગ થતો. આ જ રસ્તે થોડા અલગ ફંટાઈને સોળસેરડાના રસ્તે પાકિસ્તાની ગામ બલિયારી આવે.
વાગડ મુલકમાં લોદ્રાણી થઈને ૨૦ માઇલનું મોટું રણ પાર કરતાં નગરપારકરના મકાન જોવા મળે.
લખપત આજે તો ભૂતકાળના વૈભવને યાદ કરવા પૂરતું સ્થાન બની ગયું છે. જાહોજલાલીનો યુગ અનુભવી ચૂકેલા આ નગરમાં જ્યારે અમે ગયાં તો લગભગ મકાનોને તાળાં હતાં. રોજગારી અહીં ક્યાંથી મળે? ગુરુ નાનકદેવનું ગુરુદ્વારા અહીં માથું ટેકવવા માટે પ્રેરે છે અને ભૂજ–લખપત માર્ગ પરનાં છૂટાછવાયાં ગામડાંઃ કહોર, કોટડા, ખોડાઈ, ખારી, ઘડુલી, છેર, દયાપર, નરા, નારાયણસર, પાનધ્રો, મણિયારા, માતાનો મઢ, વિરાણી, નયાવો, કેરારી, મીંઢીયાડી... બુધુનગરમાં બીએસએફની ચોકીનું ડહોળું પાણી પીધું, લખપતથી આગળ કોરી ક્રિક જવાય છે. બેટ દ્વારિકા ગયા સપ્તાહે જવાનું બન્યું. ગુરુ ગોવિંદ સિંહના ‘પંજ પ્યારે’માંના એક ગુજરાતી મોહકમ સિંઘનું તે જન્મસ્થાન છે. ત્યાં ગુરુદ્વારામાં માથું ટેકવતાં કચ્છ યાદ આવી ગયું!


comments powered by Disqus