હાલ રાજકોટ ખાતે વિચરણ કરી રહેલા બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS)ના વડા પૂ. મહંત સ્વામીની નિશ્રામાં ૪થી ડિસેમ્બરે સાંજે સ્વયંસેવક પ્રેરણા સમારોહ યોજાયો હતો. ૫મીએ સવારે પૂ. મહંત સ્વામી અને ગુજરાતના મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીએ સ્વામીનારાયણ નગરમાં મુખ્ય મંદિરને ખૂલ્લું મૂક્યું હતું. ૭મી ડિસેમ્બરે તારીખ પ્રમાણે પ.પૂ. પ્રમુખ સ્વામીના જન્મદિવસે પૂ.મહંતસ્વામીએ જણાવ્યું કે, પ્રમુખસ્વામી મહારાજ સંત પરમ હિતકારી હતા, એ એકદમ સાચી વાત છે. સાંજની સભામાં પ.પૂ. પ્રમુખસ્વામીના જીવન પર આધારિત નૃત્યનાટિકા ‘સંત પરમ હિતકારી’ રજૂ કરાઈ હતી.
૮મીને શનિવારે સહાયક સન્માન સમારોહ યોજાયો હતો. તેમાં આ મહોત્સવના આયોજનમાં મદદરૂપ થયેલા હરિભક્તો અને ભાવિકોનું તેમાં સન્માન કરાયું હતું.
તા.૧૦થી પૂ. મહંત સ્વામી અને વરિષ્ઠ સંતોની ઉપસ્થિતિમાં ત્રિ-દિવસીય ‘સ્વામિનારાયણ વિશ્વશાંતિ મહાયજ્ઞ’ શરૂ થયો હતો. સાંજે રાજકોટના સત્સંગ ઈતિહાસ પર આધારિત ‘રાજકોટ સત્સંગ ગાથા’ નૃત્ય-નાટિકા રજૂ કરાઈ હતી. ૧૬મીએ પૂ. મહંત સ્વામી વિચરણ માટે સારંગપુર જશે.

