ગયા સપ્તાહમાં રોયલ પરિવારમાં દેરાણી-જેઠાણીના ઝઘડાએ પ્રિન્સેસ ડાયેનાના બે લાડકા દીકરાઓ જે એકબીજાનો પડછાયો બની સાથે રહેતા હતા એમાં મનદુ:ખ ઉભા કરાવવા કમરકસી છે ત્યારે અમેરિકાના હોલીવુડની અભિનેત્રીને મોહીને પરણી લાવેલા રાજકુંવર પ્રિન્સ હેરીની પત્ની ડચેસ ઓફ સસેક્સ-મેગનના ઉત્છલંગ સ્વભાવ અથવા તો તુમારખીભર્યા વર્તનથી રોયલ પરિવારના વર્ષો જૂના સ્ટાફ એક પછી એક વિદાય લઇ રહ્યા છે. રોયલ કુટુંબના હાઉસ હોલ્ડ સ્ટાફનો મુખ્ય વ્યક્તિ પૂર્વ કેપ્ટન એડવર્ડ લેન ફોક્સ જે પ્રિન્સ હેરીને મિલિટરી સર્વિસ વખતે પહેલીવાર મળ્યો હતો અને એ પછી પ્રિન્સનો પ્રાઇવેટ સેક્રેટરી બન્યો હતો તેને પણ રોયલ પરિવારને "બાય બાય" કરી દીધા છે. થોડા વર્ષ અગાઉ લાસ વેગાસ ખાતે કપડાં વગરના પ્રિન્સ હેરીને સ્ટેજ પર નાચતા હોય એવી તસવીરો જાહેર થયા બાદ આ લેન ફોક્સને રોયલ પરિવારમાં પ્રિન્સના પ્રાઇવેટ સેક્રેટરી તરીકે નિમાયા હતા જેને "પ્રિન્સની "પાર્ટી પ્રિન્સની" ઇમેજ બદલી "હાર્ડ વર્કીંગ રોયલ" તરીકે પ્રતિભા વિકસાવી હતી.
કેન્સીંગ્ટન પેલેસની પ્રાઇવેટ સેક્રેટરી સમન્થા પણ જશે
કેન્સીંગ્ટન પેલેસમાં છેલ્લા ૧૭ વર્ષથી રોયલ કુટુંબની પ્રાઇવેટ સેક્રેટરી સમન્થા કોહેને પણ પેલેસમાંથી નિવૃત્તિ લઇ લેવાનું જાહેર કર્યું છે. મૂળ ઓસ્ટ્રેલિઆની સમન્થા કોહેનની મહારાણીની એકદમ નજીકની અને વિશ્વાસપાત્ર આસીસ્ટંટ પ્રાઇવેટ સેક્રેટરી અને કોમ્યુનિકેશન સેક્રેટરી તરીકે ગણના થાય છે. રોયલ પરિવારના ઘરકામ કરતા કર્મચારીઓમાં “સમન્થા ધ પેન્થર" તરીકે જાણીતી સમન્થાને આ વર્ષે ડચેસ ઓફ સસેક્સ (મેગન)ના સ્ટાફ તરીકે નિયુક્ત કરાયાં હતાં પણ એમનું માનવું છે કે સસેક્સ સાથે રહીને કામ કરવું બહું અઘરું છે એટલે એ સસેક્સ (મેગન)નું નવું બાળક જન્મે પછી કામ છોડી વિદાય લેશે. આ ઉપરાંત વિખ્યાત પોપ સ્ટાર રોબી વિલિયમની સાથે કામ કરનાર મલીશા ટોઓબ્ટીએ પણ મેગનની પર્સનલ આસીસ્ટંટ તરીકે માત્ર છ મહિના કામ કરીને "માથે બહુ મોટો ભાર" નાખવાનું બહાનું બતાવી પેલેસ છોડી મેગનને રામરામ કરી દીધા છે.
સોમવારે (૧૦ ડિસેમ્બરે) રાત્રે લંડનના આલ્બર્ટ હોલમાં બ્રિટીશ ફેશન એવોર્ડ સમારોહ યોજાયો હતો એમાં ડચેસ ઓફ સસેક્સે સ્ટેજ પર સરપ્રાઇસ એન્ટ્રી આપી વુમન્સવેર ડિઝાઇનર ઓફ ધ યર'નો એવોર્ડ એમની વેડીંગ ડ્રેસ ડિઝાઇનર કલેર વેઇટ કેલર ઓફ ગેવેન્સીને એનાયત કર્યો હતો.

