BAની વેબસાઈટ હેક થતાં ૩.૮૦ લાખ પ્રવાસીનો ડેટા ચોરાયો

Wednesday 12th September 2018 07:05 EDT
 
 

લંડનઃ હેકરોએ બ્રિટિશ એરવેઝની વેબસાઈટ અને એપ હેક કરીને ફલાઈટ બુક કરાવતા ૩.૮૦ લાખ લોકોની કાર્ડની માહિતી ચોરી લીધી હોવાનું કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ એલેક્સ ક્રૂઝે જણાવ્યું હતું. તેમણે પ્રવાસીઓને તેમની બેન્ક અને ક્રેડિટ કાર્ડ આપનારી કંપનીઓનો સંપર્ક કરવાની સલાહ આપી હતી. ક્રૂઝે કહ્યું કે હેકરોએ તા. ૨૧ ઓગસ્ટથી ૫ સપ્ટેમ્બર વચ્ચે વેબસાઈટ અને એપ્લીકેશન હેક કરીને પ્રવાસીઓનો ડેટા ચોર્યો હતો.

નેશનલ ક્રાઈમ એજન્સીએ આ મામલાની તપાસ ચાલી રહી હોવાનું જણાવ્યું હતું. હેકરોએ પ્રવાસીના ક્રેડિટકાર્ડ નંબર, નામ, સરનામું, ઇમેઈલ વગેરે માહિતી ચોરી લીધી હતી. હેકિંગથી નાણાકીય માહિતી સામેલ હોય તેવો યાત્રીઓનો ડેટા પ્રભાવિત થાય તેવી શક્યતા જણાવાઈ હતી. હેકરોએ પ્રવાસ સંબંધિત વિગતો કે પાસપોર્ટની વિગતો ચોરી નથી. ક્રૂઝે જણાવ્યું હતું કે આ હેકિંગથી જે પ્રવાસીને અસર થશે તેને કંપની તરફથી વળતર ચૂકવવામાં આવશે. જોકે કેટલાક પ્રવાસીઓએ કહ્યું કે તેમના ક્રેડિટકાર્ડનો ડેટા ચોરી થયો હોવા છતાં બ્રિટિશ એરવેઝ તરફથી તેમનો સંપર્ક કરાયો ન હોવાનું જણાવ્યું હતું.


comments powered by Disqus