નેપાળના યજમાન પદે તાજેતરમાં યોજાયેલી બિમ્સટેક (ધ બે ઓફ બેંગાલ ઇનિશ્યેટિવ ફોર મલ્ટિ-સેક્ટરલ ટેક્નિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન) બેઠકમાં હાજરી આપવા વડા પ્રધાન નરેન્દ્ર મોદી કાઠમંડુ જઇ આવ્યા. સાઉથ એશિયા અને સાઉથ-ઇસ્ટ એશિયાના સાત રાષ્ટ્રો - ભારત, બાંગ્લાદેશ, ભૂતાન, નેપાળ, મ્યાંમાર, શ્રીલંકા અને થાઇલેન્ડના બનેલા આ સંગઠનની બેઠકમાં ઉપસ્થિત સાતેય રાષ્ટ્રોના વડાઓએ એકસંપ થઇને ત્રાસવાદ સામે લડવાની હાકલ પણ કરી, અને પારસ્પરિક સંબંધો મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા પણ દર્શાવી. પડોશી રાષ્ટ્રોના વડાઓ સાથે મોદીની વ્યક્તિગત મુલાકાતોથી દ્વિપક્ષી સંબંધોનો, મિત્રતાનો પાયો મજબૂત બનવાની આશા-અપેક્ષા સહજ હતી, પણ ખંધા ચીને મિત્રતાના હવનમાં હાડકાં નાંખવાનું શરૂ કરી દીધું છે. ચીન ફરી એક વખત ભારત ફરતે ભીંસ વધારવાના કામે લાગ્યું છે. ચીને એક વ્યૂહાત્મક પગલું ભરતાં નેપાળને તેના માલસમાનની આયાત-નિકાસ માટે પોતાના સી પોર્ટ અને લેન્ડ પોર્ટનો ઉપયોગ કરવા મંજૂરી આપી દીધી છે. ભારતીય ઉપખંડના દેશોમાં ભારતનો પ્રભાવ ઘટાડવા સતત પ્રયાસરત ચીનની આ ખંધી ચાલથી નેપાળના વેપારમાં પ્રવર્તતી ભારતની મોનોપોલી ખતમ થઇ જશે.
વીતેલા સપ્તાહે નેપાળ અને ચીનના ઉચ્ચ અધિકારીઓએ કાઠમંડુ-બૈજિંગ ટ્રાન્ઝિટ પ્રોટોકોલ પર હસ્તાક્ષર કર્યા હતા. આ સાથે જ નેપાળને ચીન અને વિદેશ સાથે વેપાર માટે ચીની બંદરોનો ઉપયોગ કરવાની પરવાનગી મળી છે. ચીને નેપાળને વેપાર માટે પોતાના ચાર સી પોર્ટ - તિઆનજિન, શેન્ઝેન, લિઆન્યગેંગ અને ઝાનઝિઆંગ તેમજ ત્રણ લેન્ડ પોર્ટ - લ્હાનઝિન, લ્હાસા અને શિગ્ત્સેનો ઉપયોગ કરવા છૂટ આપી છે. નવી વ્યવસ્થા અંતર્ગત ચીન નેપાળને આંતરરાષ્ટ્રીય વેપાર માટે વૈકલ્પિક જમીન અને દરિયાઇ માર્ગ ઉપલબ્ધ કરાવશે. ચીની અધિકારી તિબેટમાં શિગ્ત્સેના રસ્તે નેપાળનો સામાન લઇ જતા ટ્રકો અને કન્ટેનરોને પરમિટ આપશે. નેપાળના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ, વિદેશ વેપાર માટે નેપાળના વેપારીઓને ચીનના બંદરો સુધી પહોંચવા રેલ અથવા સડક માર્ગનો ઉપયોગ કરવાની મંજૂરી અપાઇ છે. સ્પષ્ટ છે કે ચીનના આ નિર્ણયથી ચોતરફ જમીનથી ઘેરાયેલા નેપાળની આંતરરાષ્ટ્રીય વેપાર માટે ભારત પરની નિર્ભરતા નજીવી બની જશે. અત્યાર સુધી નેપાળનો વિદેશ વેપાર મુખ્યત્વે ભારતના કોલકાતા અને વિશાખાપટ્ટનમ્ બંદરોથી ચાલતો હતો. નેપાળની નિકાસ મુખ્યત્વે કોલકાતા બંદરેથી થતી હતી પરંતુ તેમાં ત્રણ મહિનાનો સમય લાગી જતો હતો. ભારત સરકારે નેપાળને વેપારવણજની આયાત-નિકાસ માટે વિશાખાપટ્ટનમ્ બંદરનો ઉપયોગ કરવા પણ પરવાનગી આપી હતી. ઉલ્લેખનીય છે કે ૨૦૧૫માં નેપાળમાં મધેસી આંદોલન દરમિયાન જનજીવન ખોરવાઇ ગયું હતું અને રોજિંદી જરૂરિયાતની ચીજવસ્તુઓની તીવ્ર અછત સર્જાઇ હતી. આ આંદોલન તો સમય વીતતા શમી ગયું, પણ નેપાળે ભારત પરનો આધાર ઘટાડવા વિચારણા શરૂ કરી દીધી હતી. આ મોકાનો લાભ ઉઠાવી ચીને નેપાળ સાથેના સંબંધ મજબૂત બનાવવાનું શરૂ કરી દીધું હતું.
ચીન અત્યાર સુધી તો ભારતના પડોશી દેશોને પોતાની પાંખમાં લેવા મોટા પાયે આર્થિક સહાય આપી રહ્યો હતો, પરંતુ હવે તેણે પોતાના સંસાધનોના ઉપયોગની મંજૂરી આપવાનું શરૂ કર્યું છે. એક અહેવાલ અનુસાર, ચીન અને નેપાળ મુક્ત વેપાર કરારની દિશામાં પણ આગળ વધી રહ્યા છે. નેપાળમાં ભારતનું પ્રભુત્વ ઘટાડવા ચીન લાંબા સમયથી પ્રયત્નશીલ છે. આ સંજોગોમાં તેનું નેપાળ તરફનું દરેક પગલું ભારત માટે મુશ્કેલી સર્જી શકે છે.
