૬૯ વર્ષના રમેશકાન્ત રુપારલિયા પર કોઈ પણ જાતની ઉશ્કેરણી વિના હુમલો થતાં બાલી ટાપૂ પર શરૂ થયેલુ આનંદદાયક વેકેશન બ્રિટિશ યુગલ માટે દુઃસ્વપ્ન સમાન બની ગયું હતું. બાલીના નુસા ડુઆમાં મુલિયા રિસોર્ટ પર રજાઓ ગાળવા આવેલા રમેશકાન્તના ત્રણ દાંત તૂટી ગયા છે, ૨૩ ટાંકા આવ્યા છે અને તેમના પર હિંસક હુમલો કરનાર સામે ન્યાય મેળવવાના દ્રઢ સંકલ્પ સાથે તેઓ અને તેમના પત્ની કિર્તી વિદેશમાં અટવાઈ ગયા છે. તેમને લોકલ ઓથોરિટી અથવા બ્રિટિશ કોન્સ્યુલેટ તરફથી કોઈ મદદ મળી નથી.
એશિયન વોઈસ/ગુજરાત સમાચાર દ્વારા આ દંપતીનો સંપર્ક સાધવામાં આવતા રમેશકાન્તે જણાવ્યું હતું કે તે સામાન્ય રવિવાર હતો. તેમને ડાયાબિટીસ છે અને ઈન્સ્યુલિનનું ઈન્જેક્શન લેવું પડે છે. તેમણે ઈન્જેક્શન લીધું અને કશુંક ખાવું હતું. તેથી તે વૈભવી હોટલના બ્રેકફાસ્ટ ડાઈનિંગ એરિયામાં પહોંચ્ય. પરંતુ ત્યાં પીરસવાવાળું કોઈ ન હોય તેવું લાગ્યું હતું. તેથી તેમણે જાતે જ બ્રેકફાસ્ટ લેવાનું શરૂ કર્યું. તરત જ યુરોપિયન કે ઓસ્ટ્રેલિયન લાગતી એક મહિલાએ કોમેન્ટ કરી હતી કે કેટલાંક લોકોને કોઈ જાતની મેનર્સ હોતી નથી. રમેશકાન્તે તેમને જણાવ્યું, ‘હું પણ આ રિસોર્ટમાં અતિથિ છું. પછી તેણે ઠપકો આપવાનું શરૂ કર્યું. થોડી દલીલ કર્યા બાદ મેં હતાશ થઈને તેમને મોં બંધ રાખવા કહી દીધું. તેનો પતિ જ્યાં ઉભો હતો ત્યાંથી અચાનક જ મારા મોં પર કોઈએ મુક્કો માર્યો. તેનાથી મારા ત્રણ- ચાર દાંત તૂટી ગયા. હું નીચેના ભાગે ચોક્ઠું પહેરું છું તે પણ તૂટી ગયું અને લોહી નીકળવા લાગ્યું. આ હોટલ ફાઈવ સ્ટાર હતી અને તેની કોઈ ખરાબ પબ્લિસિટી ન થાય તેથી રેસિડેન્ટ મેનેજર સોની કોએન્જોરોએ તરત પરિસ્થિતિ થાળે પાડવા લાગ્યો હતો. પરિસ્થિતિની ગંભીરતા જોતાં પોલીસને બોલાવવાની તેની ઈચ્છા ન હતી. તેણે નર્સને બોલાવતા નર્સે રમેશકાન્તને હોસ્પિટલ જઈને ચેક અપ કરાવવા કહ્યું. રમેશકાન્ત અને કિર્તી હોસ્પિટલે ગયા તેથી કોઈને એમ લાગે કે હવે બધું થાળે પડી ગયું હશે. પરંતુ, તેમનો ખરો સંઘર્ષ તો ત્યાં જ શરૂ થયો. ૧,૦૦૦ પાઉન્ડ ખર્ચીને મોં પર થોડા ટાંકા લેવડાવીને આખો દિવસ હોસ્પિટલમાં ગાળ્યા બાદ તેઓ હોટલ પાછા ફર્યા અને હુમલો કરનાર ગેસ્ટ વિશે માહિતી માગી. કોએન્જોરોએ તેમને હુમલો કરનાર પુરુષ અને મહિલા વિશે માહિતી આપવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો. તેણે કહ્યુ કે તે કોણ હતા તે પોતે જાણતો નથી. છેવટે, તેને કોઈ ઓથોરિટીને બોલાવવાનું કહેતા પોતે પોલીસને હોટલ પર બોલાવી ન શકે તેમ કહીને ઈન્કાર કરી દીધો. તેણે રમેશકાન્તને જાતે પોલીસ સ્ટેશને જઈને વ્યક્તિગત ફરિયાદ નોંધાવવા કહ્યું.
તે પોલીસ સ્ટેશને ગયા તો ત્યાં ઈંગ્લિશ બોલતા માત્ર એક જ ઓફિસર હતા. તેણે કહ્યું કે હોટલના મેનેજરે પોલીસને બોલાવવી જોઈતી હતી. મેનેજરને પોલીસ સ્ટેશને બોલાવતા તેણે આવવાનો ઈન્કાર કર્યો અને બે-ત્રણ સિક્યુરિટી ગાર્ડ્સને મોકલ્યા. રમેશકાન્ત અને કિર્તીને ચાર કલાક સુધી પોલીસ સ્ટેશને બેસાડી રખાયા અને તે જ પ્રશ્રો વારંવાર પૂછયા. પછી ઓફિસરે તેમને કોઈ મદદ નહીં થઈ શકે તેમ કહીને બ્રિટિશ કોન્સ્યુલેટનો સંપર્ક કરવા કહ્યું.
બ્રિટિશ નાગરિકોની મદદ માટે બાલીમાં કોન્સ્યુલેટ હોવાનું જાણીને રમેશકાન્તને થોડી રાહત થઈ. પરંતુ, કમનસીબે ત્યાં પણ તેમની સાથે તેવી જ પૂછપરછ થઈ અને સ્થાનિકોએની માફક જ ત્યાંના અધિકારીઓએ નીરસતા દર્શાવી હતી. એક મહિલાએ તેમની સાથે વાત કરી હતી. તેણે પૂછયું કે તમે શા માટે મને મળવા માગો છો ? અમે તમારા માટે શું કરી શકીએ ? રમેશકાન્તે જણાવ્યું હતું કે તે બ્રિટિશ નાગરિક છે અને તેમની સહાયની જરૂર છે. તેણે અચાનક જ તેમને કાઉન્સિલ માટે કામ કરતી સ્થાનિક વ્યક્તિ પાસે મોકલી દીધા. તેને રમેશકાન્તે તેમની તમામ વિગતો આપી હતી. તેણે પણ ફરી તે જ પ્રશ્રો પૂછ્યા અને કોઈ પણ ઉકેલ આવ્યો નહીં.
રમેશકાન્તે જણાવ્યું કે તેમણે મદદ મેળવવામાં બે દિવસ ગાળ્યા અને સાજા થવાશે કે નહીં તેની કોઈ ગેરન્ટી વિના મેડીકલમાં ૧,૪૦૦ પાઉન્ડ ખર્ચ્યા. તેમણે કન્ઝર્વેટિવ સાંસદ વિક્ટોરિયા પ્રેન્ટિસને પોતાની હાલત વર્ણવતા બે ઈમેલ પણ મોકલ્યા. તેનો પણ કોઈ યોગ્ય જવાબ ન મળ્યો.

