લેસ્ટરઃ જાન્યુઆરીની ૨૪મી તારીખે લેસ્ટરશાયરના ૭૪ વર્ષીય ગુજરાતી ઝવેરી રમણિકલાલ જોગિયાનું અપહરણ કર્યા પછી તેમની ઘાતકી હત્યાના આરોપમાં બર્મિંગહામ ક્રાઉન કોર્ટે થોમસ જેર્વિસ (૨૪) અને ચાર્લ્સ મેકુલે (૨૦) ને અનુક્રમે ઓછામાં ઓછા ૩૩ અને ૩૦ વર્ષ સાથે આજીવન કેદની સજા ફરમાવવામાં આવી હતી. જ્યારે ત્રીજા આરોપી કેલન રીવ (૨૦) ને માનવવધનો ગુનેગાર ઠેરવીને ૧૬ વર્ષની જેલ કરી હતી. આ ત્રણેએ જોગિયાનું અપહરણ કરીને એક વાનમાં લઈ જઈને ૨૦૦,૦૦૦ પાઉન્ડની સોનાની જ્વેલરી લૂંટી લેવાની યોજના ઘડી હતી.
લેસ્ટરશાયરના વ્હેટસ્ટોનના એન્ડરબાય રોડ પર રહેતા જેર્વિસ, લેસ્ટરના ગુડિંગ એવન્યુમાં રહેતા મેકુલે અને લેસ્ટરના ઐલમર રોડ પર રહેતા રીવે અપહરણ અને હત્યાનો ગુનો કબૂલી લીધો હતો.
બર્મિંગહામ ક્રાઉન કોર્ટમાં ચાલેલી સુનાવણીમાં જણાવાયું હતું કે જોગિયા તેમની શોપ પરથી ઘરે જઈ રહ્યા હતા ત્યારે તેમને એક વાનમાં બેસાડી દેવાયા હતા.
અપહરણ કર્યા પછી તેમને કલાકો સુધી સખત માર મારી દુકાનની ચાવીઓ અને સેફનો કોડવર્ડ જણી લીધો હતો, પરંતુ તિજોરી ૧૨ કલાક પછી ખુલતી હોવાથી તેઓ લૂંટ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. આ વાન ચોરેલી હતી અને તે કાર પાર્કમાં સળગેલી હાલતમાં મળી આવી હતી.
લેસ્ટર એરપોર્ટની સૂમસામ જગ્યા ગોલ્બી લેન પર જોગિયાને વાનમાંથી ફેંકી દેવાયા હતા. તે સમયે તેઓ કદાચ જીવિત હશે. તેઓ મદદ માટે કોઈને ફોન કરી શક્યા ન હતા કારણ કે આરોપીઓએ તેમનો ફોન ફેંકી દીધો હતો.
ત્રણેને સજા સંભળાવતા જસ્ટિસ માર્ટિન સ્પેન્સરે જણાવ્યું હતું તે વ્યક્તિ પાસેથી માહિતી મેળવવા માટે વાનની પાછળની સીટ પર તેમના પર ત્રાસ ગુજારવામાં આવી રહ્યો હતો તે વખતે તેમના મનમાં જે દહેશત હશે તેની તો માત્ર કલ્પના જ થઈ શકે. તે પછી તેમને લેસ્ટરશાયરના કન્ટ્રીસાઈડના રોડની બાજુએ મરવા માટે ફેંકી દેવાયા હતા. માણસની જીંદગી માટે કોઈ પણ સન્માન વિના જાત હિત અને લાલચથી પ્રેરાઈને ત્રણે લોકોએ આ કાયરતાપૂર્ણ, ક્રૂર અને નિર્દયી ગુનો આચર્યો છે.

