શિક્ષણ ક્ષેત્રની સેવાના ભેખધારી વસોના બાબુભાઈ પટેલ

Wednesday 12th September 2018 06:39 EDT
 
 

પૈસા કમાવવા કે મળવા એ મહેનતની સાથે સાથે ભાગ્યની પણ વાત છે. જોકે, પૈસો મળે તે પછી તેને પચાવવો એ પણ મોટો પડકાર છે. ઘણાં લોકો સંપત્તિ મળતાં છકી જાય છે. જોકે, અતિ ધનાઢ્ય થયા પછી પણ તદ્દન નિરાભિમાની, સાદું અને સરળ જીવન તો કેટલીક વીરલ વ્યક્તિ જ જીવી જાણતી હોય છે. તેમાંના એક છે મૂળ ચરોતરના વસોના બાબુભાઈ એ પટેલ.

વર્ષોથી લંડનમાં સ્થાયી થયેલા બાબુભાઈએ નિષ્ઠાપૂર્વક સખત પરીશ્રમ કરવામાં જીંદગીમાં ક્યારેય પાછું વાળીને જોયું નથી. તેઓ માનવતાવાદી છે અને પ્રભુસેવાને બદલે માનવસેવામાં જ માને છે. તેઓ ક્યારેય કોઈ મંદિર બનાવવા અથવા મંદિરમાં કોઈ દાન આપતા નથી. એક વખત તેમના પિતાએ તેમને સલાહ આપી હતી, ‘બેટા બે પૈસા કમાવો તો ગામના છોકરાંને ભણાવજો’. બસ, પિતાની આ શિખામણ બાબુભાઈનો જીવનમંત્ર બની ગઈ. તેઓ આજે પણ તેમના વતન વસોની ખરા અર્થમાં તન, મન અને ધનથી સેવા કરી રહ્યા છે. કોલેજ, સ્કૂલ, કેરિયર ડેવલપમેન્ટ સેન્ટર જેવી સુવિધા ઉભી કરવા માટે તેમણે વસો કેળવણી મંડળને અત્યાર સુધીમાં રૂપિયા એક કરોડનું માતબર દાન આપ્યું છે. તેઓ કહે છે કે તેમની પૂજા આરાધના તો માત્ર તેમના ગામના બાળકો, યુવક યુવતીઓને શિક્ષણની તક આપીને તેમની કારકિર્દી ઘડવાની છે.

બાબુભાઈ એ. પટેલનો જન્મ તા. ૧૯ મે ૧૯૩૪ના રોજ નવા ધરા, વસો ખાતે થયો હતો. ૨૦ વર્ષ સુધી તેઓ વસોમાં રહ્યા હતા. તેમણે ૧૯૩૯માં નવચેતન પ્રાથમિક શાળામાં પ્રાથમિક શિક્ષણ લીધું હતું. ત્યારબાદનું શિક્ષણ ૧૯૪૪માં મીડલ સ્કૂલ અને ૧૯૪૮માં એ જે હાઈસ્કૂલમાં મેળવ્યું હતું. બાબુભાઈને તેમના મિત્રોએ ‘ફોજદાર’ ઉપનામ આપ્યું હતું. તેમણે અભ્યાસની સાથે તેમના પ્રિય શિક્ષક હરિભાઈ દવેની પ્રેરણાથી ‘જય હિન્દ બોર્ડિંગ‘નું પણ સંચાલન સંભાળ્યું હતું.

બાબુભાઈનું ઘડતર સત્યાગ્રહી, સ્વાશ્રય અને સેવાલક્ષી ગાંધી વિચારોથી થયું હતું. તેથી તેમનામાં હિંમત અને સાહસિકતાના ગુણો વિકસ્યા હતા.૧૯૫૨માં મેટ્રીક પાસ કરીને તેમણે વી પી સાયન્સ કોલેજમાં એડમિશન મેળવ્યું હતું. ૧૯૫૪માં તેમના લગ્ન મૂળ સોજીત્રાના અને આફ્રિકામાં વસેલા સરલાબેન સાથે થયાં હતાં. લગ્ન કરીને બાબુભાઈએ પણ કેન્યા-મોમ્બાસાની વાટ પકડી હતી. તેમના સંતાનોમાં પુત્ર કમલેશભાઈ અને દીકરી પ્રતિક્ષાબેનનો સમાવેશ થાય છે. ૧૯૫૪માં જ તેમણે ટાઈપિસ્ટ તરીકે વ્યાવસાયિક કારકિર્દી શરૂ કરી હતી. થોડા સમય પછી તેમની નિમણુંક સ્ટાન્ડર્ડ બેંક ઓફ સાઉથ આફ્રિકામાં એકાઉન્ટન્ટ કમ ક્લાર્ક તરીકે થઈ હતી. બેંકમાં તેમણે સતત ૧૬ વર્ષ સુધી ધગશ અને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી હતી. ૮ વર્ષ સુધી તેમણે બેન્ક યુનિયનના સેક્રેટરી તરીકે સેવા આપી હતી.

તે દરમિયાન, તેમના પત્ની સરલાબેન ૧૯૬૮માં બાળકો સાથે લંડન આવ્યા હતા. તેમની પાછળ ૧૯૭૦માં કેન્યાને કાયમ માટે અલવિદા કહીને લંડન આવેલા બાબુભાઈએ ‘બી.એ. ફાયનાન્સ કંપની એન્ડ મોર્ગેજ’ની સ્થાપના કરી હતી. તેની સાથે તેમણે સબ પોસ્ટ ઓફિસનું પણ ચલાવી હતી. તેમણે ઘણાં લોકોને મકાન, દુકાન અને બિઝનેસ માટે આર્થિક સહયોગ આપીને તેમને રોજગાર મેળવતા કર્યા હતા. થોડા સમયમાં તેમણે બિઝનેસનો પણ વ્યાપ વધાર્યો અને ૧૯૭૧માં સેન્ટ્રલ લંડનમાં ટ્રફલ્ગાર સ્ક્વેર વિસ્તારમાં પોતાની શોપ ચાલુ કરી. તેમાં તેમને સારી સફળતા સાંપડી. ૧૯૮૧ સુધીમાં તો તે ચાર શોપના માલિક બની ગયા હતા. તેમના પુત્ર કમલેશભાઈ પણ પિતાના માર્ગદર્શન હેઠળ તેમના પગલે ચાલતા હતા. બાબુભાઈએ ૧૯૯૫થી ૨૦૦૦ સુધી તેમને બિઝનેસની સંપૂર્ણ સમજ સાથે વિસ્તૃત તાલીમ આપી.૨૦૦૧થી બાબુભાઈએ રોજિંદી વ્યવસાયિક પ્રવૃત્તિઓમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. જોકે, જરૂર પડે ત્યાં તેઓ પુત્રને માર્ગદર્શન આપીને મદદરૂપ થઈ રહ્યા છે.

બાબુભાઈ લંડનમાં પણ સામાજિક સેવા પ્રવૃત્તિમાં સતત વ્યસ્ત રહ્યા છે. તેઓ લંડનમાં સરદાર પટેલ મેમોરિયલ સોસાયટીના ટ્રસ્ટી તેમજ એનસાયક્લોપિડીયા ઓફ હિંદુઝમના અધ્યક્ષ તરીકે તેઓ સેવા આપી ચૂક્યા છે. આ ઉપરાંત, ૧૯૯૬થી તેઓ પાટીદાર સમાજ એસોસિએશનના ટ્રસ્ટી અને ત્યારબાદ તેના અધ્યક્ષપદે પણ રહી ચૂક્યા છે.

બાબુભાઈ ૧૯૭૨થી વસો નાગરિક મંડળના સભ્ય છે. અગાઉ, તેઓ સંસ્થાનું પ્રમુખપદ પણ સંભાળી ચૂક્યા છે. વસો કેળવણી મંડળની ૭૫ વર્ષની ઉજવણી નિમિત્તે વસો અને તેની આસપાસના ગામોના યુવક-યુવતીઓ વસોમાં જ ઉચ્ચ શિક્ષણ મેળવી શકે તે હેતુથી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ શરૂ કરવાનો નિર્ણય લેવાયો. જોકે, કોલેજના મકાન માટે નાણાંની વ્યવસ્થાનો મંડળ સમક્ષ પડકાર હતો. તે સમયે, બાબુભાઈએ તેમના પત્નીના નામે રૂ.૧૭.૫૦ લાખનું દાન આપીને મકાન બનાવવાનો માર્ગ મોકળો કર્યો. તે પછી તો તેમણે કોલેજના મકાનના રીપેરીંગ અને કલરકામ, કોલેજને વીજબીલમાંથી કાયમી મુક્તિ મળે તે માટે કોલેજમાં સોલર પેનલ લગાવવા, વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે કેરિયર ડેવલપમેન્ટ સેન્ટર સ્થાપવાના હેતુસર માતબર રકમ દાનમાં આપી હતી. કોલેજમાં સેમિનાર હોલ બનાવવા માટે તેમણે યુ.કે. નાગરિક મંડળ તરફથી ડોનેશન મેળવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત, વસોમાં સાયન્સ કોલેજ શરૂ કરવા માટે રૂપિયા ૩૦ લાખથી વધુની રકમ આપવાની તેમણે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ગામના બાળકોને વસોમાં જ અંગ્રેજી માધ્યમનું શિક્ષણ મળી રહે તે હેતુસર અંગ્રેજી માધ્યમની શાળા શરૂ કરવા બાબુભાઈએ મોટી રકમનું દાન આપ્યું હતું.

શિક્ષણ ઉપરાંત સાંસ્કૃતિક ક્ષેત્રે પણ તેમનું નોંધપાત્ર યોગદાન રહ્યું છે. મંડળમાં સંગીતના ક્લાસ માટેના સાધનો લાવવા પણ તેમણે આર્થિક સહાય આપી હતી. સમાજને પાછું વાળવાની આ પ્રવૃત્તિમાં પરિવારજનો પણ હંમેશા તેમને પ્રોત્સાહન આપે છે.

વસો કેળવણી મંડળમાં તેમની ભૂમિકા માત્ર દાતા સુધી સીમિત નથી. તેઓ અન્ય દાતાઓને પણ લોક કલ્યાણના હેતુઓ માટે દાન આપવા પ્રેરણા પૂરી પાડે છે. તેમણે મનુભાઈ પટેલને આપેલી પ્રેરણાને લીધે નવી ટેક્નિકલ આઈ.ટી.આઈ શરૂ કરવાનું શક્ય બન્યું હતું. તે ઉપરાંત, મંડળમાં ક્યારેક કોઈ કારણસર મતભેદની સ્થિતિ ઉભી થાય તો તેઓ વડીલ તરીકે બન્ને પક્ષને સાંભળીને તેનું યોગ્ય નિરાકરણ લાવે છે. હાલ, વસો કેળવણી મંડળમાં તેઓ કોઈ હોદા પર નથી. છતાં, મંડળને સંગઠિત રાખવા અને તેના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહે છે.

બાબુભાઈના દાનનો પ્રવાહ માત્ર વસો કેળવણી મંડળ પૂરતો જ મર્યાદિત રહ્યો નથી. તેમણે વસોની વસુંધરા સ્કૂલ, સેવા સહકારી મંડળ અને ગ્રામ પંચાયતને મદદ કરી હતી. વસોની આસપાસની પ્રાથમિક શાળાઓમાં પાણીની વ્યવસ્થા ઉભી કરી આપી છે. તેઓ નડીયાદના બહેનોના અનાથ આશ્રમમાં પણ નિયમિત દાન આપે છે.

શિક્ષણનો વ્યાપ વધારવા માટે જંગી રકમનું દાન આપનારા બાબુભાઈ સિદ્ધાંતપૂર્વકનું ખૂબ સાદગીભર્યું જીવન જીવે છે. સમાજની સેવાના ભેખધારી બાબુભાઈને તેમના વિશિષ્ટ યોગદાન બદલ ‘ગુજરાત સમાચાર’ તરફથી તેમને અભિનંદન.


comments powered by Disqus