સામાજિક પરિવર્તનનો આવકાર્ય પવન

Tuesday 11th September 2018 14:14 EDT
 

ભારતની સુપ્રીમ કોર્ટના સર્વાનુમત ચુકાદા સાથે ભારતમાં સજાતીયતા હવે અપરાધ રહ્યો નથી કે તે કોઈ પ્રકારની માનસિક વિકૃતિ પણ નથી. સુપ્રીમ કોર્ટે પોતાનો ૨૦૧૩નો ચુકાદો ઉલટાવી સૌપ્રથમ વખત ભારતના ઈતિહાસમાં સજાતીય લોકોના અધિકારોને માન્ય ઠરાવ્યા છે. જોકે, બાળકો સાથે જાતીય દુર્વ્યવહાર, પ્રાણીઓ તેમજ સંમતિ વિનાના હેવાનિયતપૂર્ણ સંબંધો આ જ કલમ અન્વયે અપરાધ જ ગણાશે. બ્રિટિશ સંસ્થાનવાદની ભેટસમાન વિવાદાસ્પદ ક્રિમિનલ કાયદાની કલમ ૩૭૭ને મૂળભૂત અધિકારોના ઉલ્લંઘન સમાન ઠરાવીને રદ કરવામાં આવી છે. બ્રિટિશ શાસનમાં ૧૫૮ વર્ષ અગાઉ ૧૮૬૦ના કાયદા થકી પરસ્પર સંમતિથી સજાતીય સેક્સ અથવા અકુદરતી સેક્સ માણવા પર પ્રતિબંધ મૂકાયો હતો.
લેસ્બિયન, ગે, બાયસેક્સ્યુઅલ અને ટ્રાન્સજેન્ડર (LGBT) કોમ્યુનિટી સહિત સમાનતા માટે દાયકાઓથી લડત ચલાવી રહેલા લાખો લોકોએ સુપ્રીમ કોર્ટના ચુકાદાને વધાવી લીધો છે. નોંધનીય છે કે ક્લાસિકલ ડાન્સરથી માંડી સેલેબ્રિટી શેફ અને હોટેલ ચેઈનના માલિક સહિત હાઈ પ્રોફાઈલ પિટિશનરોએ સજાતીય સંબંધો પર પ્રતિબંધને પડકાર્યો હતો. ખ્રિસ્તી સંસ્થાઓ, કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓ અને વ્યક્તિઓ દ્વારા આ પિટિશન્સનો વિરોધ કરવામાં આવ્યો હતો. ખરેખર તો, ૨૦૦૧માં બીનસરકારી સંસ્થા નાઝ ફાઉન્ડેશને કરેલી અરજી પર દિલ્હી હાઈ કોર્ટે ૨૦૦૯માં કલમ ૩૭૭ બંધારણીય અધિકારોનો ભંગ કરતી હોવાનું જણાવી પ્રતિબંધ દૂર કર્યો હતો પરંતુ, કાયદાઓ રદ કરવાનું કાર્ય પાર્લામેન્ટનું હોવાનું જણાવી સુપ્રીમ કોર્ટે ૨૦૧૩માં દિલ્હી હાઈ કોર્ટનો ચુકાદો રદ કરી કલમ ૩૭૭ને પુનઃસ્થાપિત કરી હતી.
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ રોહિંગ્ટન નરીમાન, જસ્ટિસ એએમ ખાનવિલકર, જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ ઇંદુ મલ્હોત્રાની બંધારણીય બેન્ચે કલમ ૩૭૭ને અતાર્કિક, મનસ્વી અને અસમર્થનીય ગણાવી કહ્યું છે કે ‘હું જેવો છું તેવો મારો સ્વીકાર કરો. સમલૈંગિક લોકોને સન્માન સાથે જીવવાનો અધિકાર છે.’ સુપ્રીમ કોર્ટે સાચુ જ કહ્યું કે સામાજિક નૈતિકતાની વેદી પર બંધારણીય નૈતિકતાને બલિ ચડાવી શકાય નહિ. એક પણ વ્યક્તિના બંધારણીય મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરવા માટે સામાજિક નૈતિકતાનો ઉપયોગ કરી જ ન શકાય. દેશમાં જાતીયતાના આધારે કોઈ વ્યક્તિ સાથે ભેદભાવ કરવો તે બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ જ કહ્યું હતું કે બહુમતી સરકાર મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરતા કાયદાઓમાં સુધારા, રદ કરવા કે નવા ઘડવા વિશે નિર્ણય લે ત્યાં સુધી કોર્ટ રાહ જોઈ શકે નહિ. મોદી સરકારે આ મુદ્દો સુપ્રીમ કોર્ટની વિવેકબુદ્ધિ પર છોડી દીધો હતો.
સમલૈંગિકતા વિશેની ચર્ચામાં પાખંડ અને બેવડા માપદંડ જોવાં મળ્યાં છે. સૌથી મોટો કુતર્ક એ છે કે તમામ ધર્મો સમલૈંગિક સંબંધને અપ્રાકૃતિક વ્યભિચાર કે પાપ ગણે છે. સજાતીયતા યહૂદી, ખ્રિસ્તી તથા ઇસ્લામમાં જ વર્જિત રહી છે. સાચી વાત એ છે કે પ્રાચીન ભારતમાં તેમજ મુસ્લિમ અને ખ્રિસ્તીઓના આગમન પહેલા પણ યૌનસંબંધો કે કામભાવનાની અભિવ્યક્તિ સંબંધે મુક્ત વિચારો પ્રવર્તતા હતા. ૧૦મી સદીના ખજૂરાહો કે ઓડિશાનાં મંદિરોની દિવાલો પર અંકિત મૂર્તિઓ અને શિલ્પો આ ખુલ્લી વિચારધારા દર્શાવે છે. ગુપ્તકાલીન વાસ્ત્યાયનના કામસૂત્રમાં સજાતીય સંબંધો વિશે વિસ્તૃત સમજ અપાઈ હતી. મહાભારતમાં શિખંડીનું પાત્ર સ્ત્રૈણ હોવાં છતાં તિરસ્કૃત નથી.
ભારતમાં આજે સમલૈંગિકો વિશે જાગૃતિ કેળવાઈ હોવાં છતાં, તેમને સામાજિક કલંક માનવામાં આવે છે. તેમને બહિષ્કાર, ધાકધમકી અને હિંસાનો પણ સામનો કરવો પડતો હતો. પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગલાદેશ સહિત ભારતના પડોશી દેશોમાં સજાતીય સંબંધો ગેરકાયદે છે ત્યારે આ કાયદાના જનક બ્રિટને વુલ્ફેંડન કમીશનના અહેવાલ પછી ‘ધ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ ૧૯૬૭’ અન્વયે સમલૈંગિકતા સંબંધી વિક્ટોરિયન કાયદો રદ કર્યો હતો. ચીનમાં ૧૯૯૭માં હોમોસેક્સ્યુઆલિટીને અપરાધ ગણવાનું બંધ કરાયું છે. યુએસએની સુપ્રીમ કોર્ટે ૧૯૯૬ અને ૨૦૧૫ના સમયગાળામાં ચાર ઐતિહાસિક ચુકાદાઓ આપી સમગ્ર દેશમાં સજાતીય લગ્નોને કાનૂની માન્યતા, અકુદરતી મૈથુન (સોડોમી)ને માન્યતા, રાજ્યોના સજાતીયતા કાયદાઓને અમાન્ય ઠરાવવા સાથે ડિફેન્સ ઓફ મેરેજ એક્ટની કલમ ૩ને રદ કરી હતી.


comments powered by Disqus