સ્પાય પોઈઝનિંગ કેસમાં પુતિન દોષી હોવાનો બ્રિટનનો આક્ષેપ

Friday 14th September 2018 07:33 EDT
 
 

લંડનઃ બ્રિટનના સેલિસબરીમાં રશિયાના પૂર્વ જાસુસ સર્ગેઈ સ્ક્રિપાલ અને તેમની પુત્રી યુલિયાની હત્યાનો પ્રયાસ કરનારા બે રશિયન એજન્ટના નામ-તસવીરો જાહેર કરાઈ હતી. બ્રિટનના ડિફેન્સ સેક્રેટરી બેન વોલેસે આક્ષેપ કર્યો હતો કે આ બંને એજન્ટે રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિનના ઈશારે કોઈ અજાણ્યા કેમિકલ દ્વારા સ્ક્રિપાલ અને તેમની પુત્રીની હત્યાનો પ્રયાસ કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે અંતે તો આ હુમલા માટે પુતિન જ જવાબદાર અને દોષી છે.

પુતિન રશિયાના પ્રમુખ હોવાથી તેઓ જ જવાબદાર છે. તેમની સરકાર જ સેનાના ગુપ્તચરોનું નિયંત્રણ કરે છે. તેમને ભંડોળ આપે છે અને આદેશ પણ આપે છે. આમ રશિયન પ્રમુખ પુતિન જ હત્યા માટે જવાબદાર ગણાય એમ બેને કહ્યું હતું. તેમણે બીબીસીને જણાવ્યું હતું કે કોઈ એમ કહે કે પુતિનનું તેમના દેશમાં અને તેમના પર કોઈ નિયંત્રણ નથી તો તે વાત માનવા તેઓ તૈયાર નથી. તેમણે ઉમેર્યું હતું કે તેમની એક સંસ્થા જ આના માટે જવાબદાર છે.

બેને ઉમેર્યું હતું કે આ હુમલાનો સંબંધ અને તેની જવાબદારી રશિયાના વરિષ્ઠ અધિકારીઓની હતી. તે ઉપરાંત ત્યાંના સંરક્ષણ પ્રધાન પણ જવાબદાર છે.

એક સમયે સ્ક્રિપાલ રશિયન જાસૂસ હતા, પરંતુ બ્રિટનમાં ઝડપાઈ ગયા પછી તેઓ ડબલ એજન્ટ બની ગયા હતા. આંતરરાષ્ટ્રીય સંધિ પ્રમાણે, ડબલ એજન્ટને ખાસ રક્ષણ આપવામાં આવતું હોવાથી સ્ક્રિપાલ બ્રિટનના નાગરિક બની ગયા હતા. આમ છતાં રશિયાએ બે જાસૂસને બ્રિટન મોકલીને હત્યાના કાવતરાને અંજામ આપ્યો હતો.


comments powered by Disqus