બોલિવૂડની દિવંગત અભિનેત્રી શ્રીદેવીની યાદગાર ફિલ્મ ‘ચાંદની’નું શૂટિંગ જે રમણીય જગાએ થયું હતું તે સ્વિત્ઝર્લેન્ડ દેશના તંત્રએ શ્રીદેવીનું સ્ટેચ્યુ ‘ચાંદની’ના શૂટિંગના સ્થળે મૂકવાનું નક્કી કર્યું છે. ‘ચાંદની’ સહિત કેટલીય ફિલ્મો સ્વિત્ઝર્લેન્ડમાં શૂટ કરનારા ‘યશરાજ ફિલ્મ્સ’ના સ્થાપક સ્વ. યશ ચોપરાની પ્રતિમા સ્વિત્ઝર્લેન્ડના રિસોર્ટ ટાઉન ઇન્ટરલેકનમાં ૨૦૧૬માં જ સ્થાપિત કરાઈ હતી. સ્વિસ અધિકારીએ જણાવ્યું છે કે યશ ચોપરાની ઘણી ફિલ્મો સ્વિત્ઝર્લેન્ડમાં શૂટ થઈ હોવાથી ભારતીય સહેલાણીઓમાં અમારા દેશની લોકપ્રિયતા વધારવામાં તેમનો મોટો ફાળો રહ્યો છે. હવે સ્વિત્ઝર્લેન્ડમાં ટુરિઝમને પ્રમોટ કરવામાં શ્રીદેવીની ભૂમિકાને ધ્યાને લઈને તેમના સન્માનરૂપે તેમની પ્રતિમા અહીં સ્થપાશે. ૧૯૮૯માં રિલીઝ થયેલી બ્લોકબસ્ટર ફિલ્મ ‘ચાંદની’ના મોટાભાગના ગીતો સ્વિત્ઝર્લેન્ડમાં શૂટ થયા હતા. રાજ કપૂરની ૧૯૬૪માં આવેલી ફિલ્મ ‘સંગમ’ સ્વિત્ઝર્લેન્ડમાં શૂટ થયેલી પ્રથમ ભારતીય ફિલ્મ હતી.

