લંડનઃ અસ્થમા ખૂબ જૂનો રોગ છે અને વિશ્વના ૩૦૦ મિલિયનથી વધુ લોકો તેનાથી પીડાતા હોવાનો અંદાજ છે. અસ્થમાના દર્દીઓની અને તેમાં ખાસ કરીને આ રોગના દર્દી બાળકોની સંખ્યા વધી રહી છે. તેમાં પણ એશિયા (ખાસ કરીને ભારત અને ચીન), પશ્ચિમ યુરોપ અને અમેરિકામાં અસ્થમાના પ્રમાણમાં ભારે વધારો નોંધાયો છે.
માણસોમાં પેરેનિયલ એલર્જન ( કાયમી એલર્નોજી ઉત્પન્ન કરનારું તત્વ) નો મુખ્ય સ્રોત હાઉસ ડસ્ટ માઈટ છે. હાઉસ ડસ્ટ માઈટમાંનો પ્રાઈમરી એલર્જન નાના પ્રોટિનનો સમુહ છે જે ૨૦થી વધુનો હોય છે. હાઉસ ડસ્ટ માઈટ ખૂબ સુક્ષ્મ જંતુ છે જે નરી આંખે જોઈ શકાતું નથી. તેનો વિકાસ ભેજ, ભેજવાળું વાતાવરણ, કપાયેલી ચામડી અથવા ઓર્ગેનિક કચરામાં થાય છે. તેનું પ્રમાણ મકાનોમાં વધી રહ્યું છે અને થોડા મહિનામાં તો તે આખા મકાનમાં ફેલાઈ જાય છે.
ઓક્સફર્ડ યુનિવર્સિટીના ફિઝિયોલોજીના પ્રોફેસર અનંત પારેખ અને તેમના સાથીઓએ હાઉસ ડસ્ટ માઈટને લીધે કેવી રીતે ફેફ્સામાં સોજો આવે છે તે તાજા અભ્યાસમાં શોધી કાઢ્યું છે. તેમાં એલર્જન સંકળાયેલું છે અને તે કેવી રીતે રોગ પ્રતિકારક પ્રણાલિને નુક્સાન પહોંચાડે છે તે જાણીને એલર્જનને જ અથવા તે ફેફ્સાના રોગ પ્રતિકારક કોષોના સંપર્કમાં આવે છે તે પ્રક્રિયાને જ સીધું લક્ષ્ય બનાવે તેવી સારવાર વિક્સાવવાની શક્યતા ઉભી થઈ છે.
ઓક્સફર્ડના વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું હતું કે જેદવા બ્લડ ક્લોટ (લોહી ગંઠાવાની પ્રક્રિયા)ને અટકાવે છે તે એલર્જનને પણ અસર કરતા અટકાવી શકે છે. આ દવાનો ઉપયોગ અસ્થમા ધરાવતા ઉંદરો પર કરવામાં આવે છે. તેનાથી અસ્થમામાં રાહત થતી હોવાનું જણાયું હતું. જોકે, અસ્થમાની સારવાર માટે નિયમિતપણે એન્ટિ-ક્લોટિંગ દવા લેવાનું ઓછું જોખમકારક નથી. તેથી ઓક્સફર્ડ ગ્રૂપ ખાસ કરીને એલર્જનને જ નિશાન બનાવે તેવી નવી દવા વિક્સાવી રહ્યું છે.
એક વખત આ દવા તૈયાર થઈ જશે તે પછી તેનો ઉપયોગ માણસો પર નાના પાયાના ક્લિનિકલ પ્રયોગોમાં કરવામાં આવશે. આ દવા તૈયાર થતા કેટલો સમય લાગશે અને તેની માણસ પર અસર થાય છે કે કેમ તેના વિશે કહી શકાય તેમ નથી. પરંતુ, ઓક્સફર્ડ ગ્રૂપ દ્વારા હાથ ધરાયેલી આ આશાસ્પદ કાર્યવાહી આગામી વર્ષોમાં અસ્થમા માટેની નવી સારવાર તરફ દોરી જશે.

