આઝાદીથી આજ લગીઃ નક્સલવાદ-માઓવાદનાં વિષફળ

- ડૉ. હરિ દેસાઈ Wednesday 13th June 2018 06:14 EDT
 
 

ભારતને આઝાદી મળી એના પ્રારંભિક તબક્કામાં તેલંગણ પ્રદેશમાં કોમ્યુનિસ્ટો હિંસક અથડામણો સર્જી રહ્યા હતા ત્યારે અનિચ્છાએ પણ ગૃહપ્રધાન સરદાર પટેલે પ્રિવેન્ટિવ ડિટેન્શન ધારો લાવવો પડ્યો હતો.
હમણાં મહારાષ્ટ્રના પુણેના પોલીસતંત્રની તપાસમાંથી એવું તારણ નીકળ્યાનો દાવો થયો કે ભીમા-કોરેગાંવ વિજયસ્તંભ સમક્ષ દલિત સૈનિકોએ અંગ્રેજોના લશ્કરમાં સામેલ થઈને પેશવાના લશ્કરને પરાજિત કર્યાનાં બસ્સો વર્ષની ઊજવણીના સમારંભ-એલ્ગાર પરિષદની આયોજક મંડળીના આંબેડકરવાદી એવા પાંચ જણા નક્સલવાદી-માઓવાદી હતા. એમણે હિંસક અથડામણ સર્જવા સાથે જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસની હત્યાનું કાવતરું ઘડ્યાની આશંકા છે. પુણે પોલીસે પત્રકાર પરિષદ યોજીને આવા કથિત કાવતરાની વાત મીડિયાને પહોંચાડી. એકબાજુ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. પ્રણવ મુખરજી ભાજપની માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના મુખ્યાલય નાગપુર ખાતે મુખ્ય અતિથિ તરીકે હાજર રહેવાના હતા ત્યારે જ પુણેના આંબેડકરવાદીઓમાંના કથિત નક્સલવાદીઓ ‘શહેરી નક્સલવાદ’ (અર્બન નક્સલવાદ) ફેલાવવા કૃતસંકલ્પ હોવાનું પ્રકરણ બહાર આવ્યું. દેશ અને દુનિયામાં ભારતીય વડા પ્રધાન મોદી અને એમના જ પક્ષના મુખ્યપ્રધાન ફડણવીસની હત્યાના કથિત કાવતરાની વાત ચર્ચાનો મુદ્દો બને. સૌનું કુતૂહલ એ છે કે આ બાબતમાં સચ્ચાઈ છે કે માત્ર ચૂંટણી પૂર્વેનું રાજકીય સ્ટંટ, એની ખરાનકરી કરવાનું હોવાથી મિશ્ર પ્રત્યાઘાતો મળ્યા.

ડો. આંબેડકરના પૌત્ર આશંકાના ઘેરામાં

ભાજપના નેતા અને બંધારણ ઘડનારી સમિતિના અધ્યક્ષ ડો. બાબાસાહેબ આંબેડકરને અનુસરનારાઓને આંબેડકરવાદી ગણવામાં આવે છે. એમાંના મોટાભાગના દલિત-શોષિત-પછાત વર્ગના હોય છે. ડો. આંબેડકરનો પરિવાર અને એમના સગાસંબંધી બ્રિટિશકાળમાં લશ્કરમાં કાર્યરત હતા અને વર્ષ ૧૯૨૭માં સ્વયં ડો. બાબાસાહેબે ભીમા-કોરેગાંવ વિજયસ્તંભની મુલાકાત લીધી ત્યારથી લગભગ દર વર્ષે આ વિજયસ્તંભની મુલાકાત ૧ જાન્યુઆરીએ લેવાની પરંપરા પડી છે. ગત ૧ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ અહીં હજારો માણસો ઉમટ્યા હતા અને પૂણેના શનિવારવાડામાં યોજાયેલી એલ્ગાર પરિષદ શાંતિથી પત્યા પછી વિજય સ્તંભની મુલાકાત લઈને વિખરાતી જનમેદની પર હુમલા થયા અને હિંસા ભડકી ઊઠી હતી. આ ઘટનાક્રમની તપાસના આગ્રહ સાથે ડો. બાબાસાહેબના પૌત્ર અને જાણીતા ધારાશાસ્ત્રી પ્રકાશ આંબેડકરે સંઘ પરિવાર સાથે સંકળાયેલા ભીડે ગુરુજી અને એકબોટેને હિંસા ફેલાવનારી ઉશ્કેરણી માટે જવાબદાર ઠરાવીને આંદોલન-બંધ ચાલુ રાખ્યાં હતાં. નવાઈ એ વાતની છે કે એલ્ગાર પરિષદના આયોજક એવા આંબેડકરવાદીઓને નક્સલવાદી ગણાવીને ધરપકડ કરવાની સાથે જ ભૂતપૂર્વ સાંસદ પ્રકાશ આંબેડકરના પણ નક્સલવાદીઓ સાથે સંબંધની આશંકાની પોલીસ તપાસ થઈ રહી છે.

જિજ્ઞેશ મેવાણી અને હાર્દિક પટેલ પણ સાણસામાં?

મહારાષ્ટ્રમાં રિપબ્લિકન પક્ષનાં વિવિધ જૂથો તથા ડાબેરી પક્ષોને સંગઠિત કરીને સત્તારૂઢ ભાજપ સામે મજબૂત અવાજ ઊઠાવી રહેલા પ્રકાશ આંબેડકર સાથે બીજા કેટલાકને આ પ્રકરણના ઝપાટામાં લેવાય એવી આશંકા છે. એડવોકેટ આંબેડકર સાથે જ એલ્ગાર પરિષદમાં ઉપસ્થિત ગુજરાતના ધારાસભ્ય એડવોકેટ જિજ્ઞેશ માવાણી તથા પાટીદાર આગેવાન હાર્દિક પટેલને પણ સપાટામાં લઈ શકાય. હમણાં મધ્યપ્રદેશના આંદોલનકારી ખેડૂતોના કાર્યક્રમમાં પ્રકાશ આંબેડકર અને હાર્દિક સાથે હતા. કેટલાક દિવસ પહેલાં સુધીર ઢવળે, સુધીન્દ્ર ગડલિંગ, શોભા સેન અને રોની વિલ્સનની ધરપકડ કરાઈ છે. એમની તપાસમાંથી મળેલા પત્રમાં વડા પ્રધાન મોદીની રાજીવ ગાંધી (ભૂતપૂર્વ વડા પ્રધાન)ની હત્યાની જેમ જ હત્યા કરવાની કથિત યોજના ધ્યાને આવ્યાનું જણાવાયું છે. નક્સલવાદીઓ અને માઓવાદીઓ આગામી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પછી ફરીને મોદી વડા પ્રધાન બને નહીં એટલા માટે એમનો કાંટો કાઢવાનું કાવતરું રચ્યાનું પોલીસ જણાવે છે.

શરદ પવારે સહાનુભૂતિ માટે સ્ટંટ ગણાવ્યું

ભારતના સંરક્ષણ પ્રધાન અને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન રહેલા શરદ પવાર અત્યારે રાષ્ટ્રવાદી કોંગ્રેસના અધ્યક્ષ છે. આંબેડકરવાદીઓ નક્સલવાદી જોડાણની ધરી યોજીને વડા પ્રધાન મોદીની હત્યાનું રાજીવ ગાંધીની જેમ જ હત્યા કરવાનું કાવતરું ઘડી રહ્યાની વાતને પવારે ‘ભાજપ માટે સહાનુભૂતિ મેળવવા રચવામાં આવેલી ચાલ’ ગણાવી છે. પવારના આ નિવેદને રાજકીય નેતાઓ વચ્ચે ટ્વિટર યુદ્ધ છેડી દીધું છે. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ફડણવીસે પવારના નિવેદનને ‘કમનસીબ’ ગણાવ્યું અને મરાઠા મહારથીને સુણાવ્યું છે કે વડા પ્રધાન કોઈ પક્ષના નહીં પણ દેશના હોય છે. પવાર સાહેબ આટલી નીચલી કક્ષાએ જશે એની કલ્પના નહોતી, એવું પણ તેમણે ઉમેર્યું હતું. પવારના ભત્રીજા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન રહેલા અજિત પવારે ફડણવીસને વળતો ફટકો મારીને કહ્યું છે કે રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે. મહારાષ્ટ્ર અસલામત બની ગયું છે. ત્યારે મુખ્યપ્રધાન ફડણવીસ મુખ્ય સમસ્યાઓથી પ્રજાનું ધ્યાન અન્યત્ર હટાવવા માટે આવાં ગતકડાં ચલાવી રહ્યા છે.

મોદી સરકારના પ્રધાન આઠવલે ભડક્યા

મહારાષ્ટ્રના રિપબ્લિકન નેતા અને આંબેડકરવાદી એવા રામદાસ આઠવલે કેન્દ્રની નરેન્દ્ર મોદીના વડપણવાળી સરકારમાં સામાજિક ન્યાય રાજ્યપ્રધાન છે. એમને ડો. આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકર સાથે જામતું નહીં હોવા છતાં એલ્ગાર પરિષદના આયોજક એવા આંબેડકરવાદીઓની ધરપકડથી એ ભડકી ગયા છે. એમણે કેન્દ્ર અને રાજ્યની સરકારને પણ ખુલ્લી ચેતવણી આપી છે કે આંબેડકરવાદીને નક્સલવાદી ગણાવવાના પ્રયાસો સમાજને ગેરમાર્ગે દોરવાના વ્યૂહનો ભાગ હોવાથી સંબંધિતોને છોડી નહીં મૂકાય તો આંદોલન કરાશે અને એનાં ગંભીર પરિણામ આવશે. ડો. આંબેડકરના સમર્થકોને નક્સલવાદી જાહેર કરવાના રાજ્યની ફડણવીસ સરકારના વલણને એમણે વખોડ્યું હતું.

મોદીની હત્યાનાં કાવતરાંઃ ૨૦૦૯થી અત્યારલગી

સોશિયલ મીડિયામાં વડા પ્રધાન મોદીની હત્યાના નક્સલવાદીઓ થકી ઘડી કાઢવામાં આવેલા મનાતા તાજા કાવતરાની વાતને બનાવટી ગણાવતા સંદેશા વાયરલ થઈ રહ્યા છે. ‘આવા બનાવટી હત્યાના પ્રયાસોની કહાણીઓ હવે તો કંટાળો ઉપજાવે છે. ટીમ મોદીએ હવે કોઈ નવા નુસખા શોધવાની જરૂર છે.’ ઓક્ટોબર ૨૦૦૯માં મોદીની હત્યા સંબંધી ફોન કરવા બદલ બે જણાની અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે ધરપકડ કરી હતી, ડિસેમ્બરે ૨૦૧૦માં કેરળમાંના એલઈટી નામક ત્રાસવાદી સંગઠને મોદીની હત્યા કરવાની યોજના બનાવ્યાની વાત વહેતી થઈ હતી, એપ્રિલ ૨૦૧૩માં પત્રકાર મધુ કિશ્ચરે નરેન્દ્ર મોદી પર જીવલેણ હુમલો થવાનો હોવાની વાત કેન્દ્ર સરકારના કોઈ અધિકારીને ટાંકતાં કહી હતી, એ પછી ઓક્ટોબર ૨૦૧૩, નવેમ્બર ૨૦૧૩, જાન્યુઆરી ૨૦૧૪, એપ્રિલ ૨૦૧૪ અને મે ૨૦૧૮માં પણ મોદીની હત્યાનાં કથિત કાવતરાં પકડાયાની વાતો મીડિયામાં ચગી હતી. છેલ્લે, રાજીવ ગાંધીની જેમ વડા પ્રધાન મોદીની હત્યાનું કાવતરું ઘડાયાનું પુણેના પોલીસ અધિકારીઓની તપાસને આધારે જાહેર કરાયું છે. મોદીની હત્યા માટેનાં અગાઉનાં તમામ કથિત કાવતરાં મહદઅંશે મુસ્લિમ આતંકી સંગઠનો થકી ઘડાયાનું જણાવાતું હતું. તાજેતરના આ કાવતરામાં નક્સલવાદી અને માઓવાદીઓએ મળીને હત્યાનું કાવતરું ઘડ્યાનું પોલીસનું કહેવું છે. જોકે, સમગ્ર મામલો હવે અદાલતમાં રજૂ કરાયો છે. આગામી દિવસોમાં પોલીસતંત્ર શું પુરાવા રજૂ કરીને વધુ ફોડ પાડે છે એ ભણી સૌની નજરે છે.

હત્યાનાં કાવતરાંના ઢોલ ના પીટાય

જોકે, વડા પ્રધાન કે મુખ્યપ્રધાન જેવી મહત્ત્વની વ્યક્તિઓ પર હુમલો કે એમની હત્યાની આશંકા પડે તો પણ પૂરતી તકેદારી લેવામાં આવે એ જરૂરી છે. માત્ર એને રાજકીય સ્ટંટ ગણવામાં આવે અને તંત્ર ઊંઘતું રહે તો વડા પ્રધાન કે મુખ્યપ્રધાનને મોતને ઘાટ ઉતારવા તત્પર તત્ત્વો સફળ થઈ શકે. જોકે, એટલું ચોક્કસ કે આવાં કાવતરાંની વિગતો પ્રેસ કોન્ફરન્સ ભરીને પોલીસ કમિશનરો કે અન્ય ટોચના અધિકારીઓ મીડિયાને આપવાને બદલે પોતાનું તંત્ર સક્રિય થઈને કાવતરાંના તમામ પાસાંની તપાસમાં લાગી જાય એ અનિવાર્ય છે. હત્યાનાં કથિત કાવતરાંના મીડિયામાં સંડોવાયેલા લોકોને સચેત કરવાની તક સરકારીતંત્ર અને પોલીસતંત્ર જ પૂરી પાડે છે, એવું લાગ્યા વિના રહેતું નથી. અપેક્ષા કરીએ કે હવે પછી આવી માહિતી મળે તો પોલીસ અને સરકારનું ગુપ્તચરતંત્ર એનાં ઢોલ પીટવાનું ટાળશે.


comments powered by Disqus