શનિવાર તા.૯ જૂને ચીગવેલ, એસેક્સમાં નવા BAPS સ્વામીનારાયણ મંદિરનું ઉદઘાટન ભારતથી યુકેની મુલાકાતે આવેલા વરિષ્ઠ સંતો આનંદસ્વરૂપદાસ સ્વામી અને ભદ્રેશદાસ સ્વામીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
આ મંદિર ઈસ્ટ લંડન વિસ્તારમાં BAPS સ્વામીનારાયણ સંસ્થા (BAPS) દ્વારા વિશાળ સ્થાનિક હિંદુ સમાજ માટે માત્ર ધાર્મિક સ્થળ જ નહીં પરંતુ, બાળકો અને યુવાનો માટેની પ્રવૃત્તિઓ તેમજ શૈક્ષણિક, હેલ્થકેર અને ચેરિટીની અન્ય પ્રવૃત્તિઓ માટેનું કેન્દ્ર બની રહેશે.
BAPSના વડા પ.પૂ. મહંતસ્વામીએ ગત ૮ ઓક્ટોબર, ૨૦૧૭ના રોજ વિશેષ વેદિક વિધિ સાથે મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરી હતી. ત્યારબાદ સ્વયંસેવકોએ અથાગ પરીશ્રમ દ્વારા બાજુના સાંસ્કૃતિક સંકુલનું કાર્ય પૂર્ણ કર્યું હતું. ગત ૯ જૂને યોજાયેલા ઉત્સવ સાથે તેમના પ્રયાસોનો સફળ અંત આવ્યો હતો.
ઉદઘાટન પ્રસંગે ભવ્ય મહાપૂજા (શાંતિ અને ધાર્મિક સમૃદ્ધિ માટે વેદિક પ્રાર્થના)નું આયોજન કરાયું હતું. તેમાં હરિભક્તો તેમજ સ્થાનિક સમાજના લોકોએ ભાગ લીધો હતો. ત્યારબાદ ભક્તિ સંગીતનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. સ્વામીઓએ મંદિરોના ઐતિહાસિક સંદર્ભ અને મહત્ત્વ વિશે તેમજ અસંખ્ય લોકોને તેના દ્વારા મળતી શાંતિ વિશે પ્રવચન આપ્યા હતા.
આ પ્રસંગે ઈસ્ટ લંડનમાં આધ્યાત્મિક અને સામાજિક પ્રવૃત્તિઓનો વિકાસ તેમજ નવા મંદિર પ્રોજેક્ટના ઈતિહાસનું વર્ણન કરતા કેટલાક ટૂંકા વીડિયો પણ દર્શાવવામાં આવ્યા હતા.
મંદિરના ઉદઘાટન પ્રસંગે એપીંગ ફોરેસ્ટના સાંસદ અને હાઉસ ઓફ કોમન્સના ડેપ્યુટી સ્પીકર ડેમ એલીનોર લેઈંગ અને કાઉન્સિલર દર્શન સુનગર, કાઉન્સિલર ગગન મોહિન્દ્રા અને કાઉન્સિલર અનિકેત પટેલ તેમજ એપીંગ ફોરેસ્ટ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલના સભ્યો સહિત અનેક અગ્રણી અતિથિ ઉપસ્થિત રહ્યા હતા.
મંદિરના અગ્રણી સ્વયંસેવક ગિરીશ પટેલે જણાવ્યું હતું, ‘ ઈસ્ટ લંડન વિસ્તારમાં આ મંદિર મહત્ત્વની ભૂમિકા ભજવશે અને આ યાદગાર પ્રસંગની ઉજવણી માટે સ્થાનિક સમાજના સભ્યો મોટી સંખ્યામાં અમારી સાથે જોડાયા તે બદલ અમે આનંદની લાગણી અનુભવીએ છીએ.’
અત્રે ઉલ્લેખનીય છે કે માત્ર થોડા ભક્તો સાથે જુદા જુદા મકાનોમાં અને ભાડે રાખેલા હોલમાં ધાર્મિક સભાઓ તેમજ ઉત્સવોના આયોજન દ્વારા ૧૯૬૩થી ઈસ્ટ લંડનમાં BAPS સત્સંગ પ્રવૃત્તિઓનો વિકાસ થતો રહ્યો છે. યોગીજી મહારાજે ૧૯૭૦માં ઈસ્ટ લંડનની મુલાકાત લીધી હતી અને નીસડનમાં મંદિર નિર્માણની વાત કરી હતી. તે પછીના ચાર દાયકામાં પ્રમુખ સ્વામીએ કેટલીક વખત આ વિસ્તારની મુલાકાત લીધી હતી. ઓક્ટોબર ૨૦૧૭માં પૂ. મહંતસ્વામીએ આ મંદિરની મૂર્તિપ્રતિષ્ઠા કરી હતી જે યુકેમાં તેમના દ્વારા કરાયેલી પ્રથમ મૂર્તિ પ્રતિષ્ઠા હતી.

