લંડનઃ બ્રિટનમાં એક આખી પેઢી પર બહેરાશનું જોખમ ઝળુંબી રહ્યું છે કેમ કે ૪૦ વર્ષથી નાની વયજૂથ ધરાવતા મોટા ભાગના લોકો પોતાના ફોન પર ઉંચા અવાજે સંગીત સાંભળતા રહે છે. ઓડિયોલોજીસ્ટ રોસબિન સઈદનું કહેવું છે કે કાનમાં ઉંચા સ્વરે જતો અવાજ બહેરાશ લાવી શકે છે. કારણ એટલું જ છે કે કાયમીપણે ઘોંઘાટ સાંભળવાનો હોય તો ૮૫ ડેસિબલ તે મહત્તમ સુરક્ષિત સ્તરનો અવાજ કહી શકાય. ૮૫ ડેસિબલ તે સહ્ય અવાજ છે, પરંતુ જમ્બોજેટ તે અવાજના સ્તરને ૧૧૦ ડેસિબલ સુધી પહોંચાડી દે છે.
ઓડિયોલોજિસ્ટનું કહેવું છે કે ૨૦ વર્ષ પહેલાંની સ્થિતી સાથે તુલના કરવામાં આવે તો બહેરાશની સારવાર લેનારાઓની સંખ્યામાં મોટો વધારો થયો છે. ઓડિયોલોજિસ્ટનું કહેવું છે કે એક વાર બહેરાશ આવ્યા પછી વ્યક્તિને ફરી સાંભળતો કરવો મુશ્કેલ છે. હાલમાં જે લોકો બહેરાશનો અનુભવ કરે છે તેનું મુખ્ય કારણ ઘોંઘાટ છે. કાનના અંદરનો જે ભાગ વાઇબ્રેશનના સ્વરૂપમાં અવાજ સાંભળે છે તેમાં ૧૫,૦૦૦ જેટલા વાળ હોય છે. અવાજ સંભળાય તે હેતુસર આ ઝીણાવાળનું ખુબ મહત્વ હોય છે. તે વાળ ખુબ નાજુક હોય છે અને તેને જો નુકસાન પહોંચે તો વ્યક્તિ બહેરાશ અનુભવતો થાય છે.
એક સંસ્થાનું કહેવું છે કે હાલ બ્રિટનમાં ૧.૧ કરોડ લોકો બહેરાશનો સામનો કરે છે. આ આંક ૨૦૩૫ સુધીમાં ઝડપથી વધીને ૧.૫૬ લાખ થઈ શકે છે. અર્થાત્ ૪૦ ટકાનો વધારો થઈ શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ૨૦૧૫માં ચેતવણી આપી હતી કે ૧૨થી ૩૫ વર્ષના અડધોઅડધ લોકો જોખમી કહી શકાય તે તેટલા ઉંચા સ્વરે સંગીત સાંભળતા હોય છે.
લોકોને હેડફોનના યોગ્ય ઉપયોગની સાચી જાણકારી જ નથી
ઓડિયો પ્રોડક્ટના પેકેજ પર ચેતવણી છાપવી તે કદાચ બહેરાશને અંકુશમાં લેવાનો ઉપાય બની શકે. લોકોને હેડફોનથી થતા નુકસાન અંગે માહિતગાર કરવા જરૂરી છે. હેડફોનનો અવાજ સ્વીકૃત માપદંડો મુજબનો હોય તેના પર ધ્યાન આપવાની જરૂર છે. સઈદનું કહેવું છે કે સસ્તા હિયરિંગ ઉપકરણો પણ મુશ્કેલીમાં વધારો કરે છે. સંશોધકોનું કહેવું છે કે ૧૮થી ૨૪ વર્ષની વયના અડધોઅડધ યુવાનો કાન ફાડી નાખે તેવા ઊંચા અવાજે સંગીત સાંભળે છે. તેમાંથી ૪૦ ટકા લોકોને તો જાણકારી જ નથી હોતી કે મોટા અવાજે સંગીત સાંભળ્યા કરવાથી બહેરાશ આવે છે.

