લંડનઃ કિંગ્સબરીના બે બેડના એક ફ્લેટમાં ભારે ભીડનો માહોલ છે તેમાં ૧૬ લોકો રહેતા જણાયા હતા. કિંગ્સબરી રોડ પર એક શોપની ઉપર આવેલા ફ્લેટમાં વહેલી સવારે પાડેલી રેડ બાદ બ્રેન્ટ કાઉન્સિલે લેન્ડલોર્ડ સામે શક્ય તેટલા કડક પગલાં લેવાનું જણાવ્યું હતું. આ પ્રોપર્ટીમાં રહેતી એક વ્યક્તિ એક બેડની જગ્યા માટે અઠવાડિયે ૫૦ પાઉન્ડ ચૂકવે છે. આ રીતે જ બધા લોકો રકમ ચૂકવતા હોય તો લેન્ડલોર્ડને દર મહિને ૩,૨૦૦ પાઉન્ડની આવક થતી હશે.
બ્રેન્ટના હાઉસિંગ ચીફ કાઉન્સિલર એલીનર સાઉથવુડે જણાવ્યું હતું કે કાઉન્સિલ આવી કોઈ પ્રવૃત્તિને સાંખી લેશે નહીં. તેમણે ઉમેર્યું હતું કે મકાનમાં ભાડૂતો અસલામત પરિસ્થિતિમાં રહેતા હોય તે કાયદા વિરુદ્ધ છે. લેન્ડલોર્ડ્સ તેમના ભાડૂતોને આવી પરિસ્થિતિમાં રહેવાની ફરજ પાડીને તેમનું શોષણ કરતા હોય તો તેમને જણાવવાનું કે અમે અમારા રહીશોનું રક્ષણ કરવા માટે અમલમાં શક્ય તેટલા કડક પગલાં લઈશું. કાઉન્સિલે વધુમાં જણાવ્યું હતું કે બરોમાં લાઈસન્સ વિનાની પ્રોપર્ટી ભાડે આપવામાં આવી હોય તેવી કોઈને શંકા હોય તો તેઓ તેની વેબસાઈટ પર પોતાનું નામ આપ્યા વિના માહિતી આપી શકે છે. ..

