સ્વામીનારાયણ મંદિર, વિલ્સડન દ્વારા તા.૧થી ૩ જૂન દરમિયાન નાગરિકો અને ભક્તોને સ્ટેમ સેલ ડોનર તરીકે નોંધણી કરાવવા માટે ઈન હાઉસ ડોનર ક્લિનિકનું આયોજન કરાયું હતું. સમાજના વધુને વધુ લોકો સ્ટેમ સેલ ડોનર તરીકે નોંધણી કરાવે તે ૨૦ વોલન્ટિયર્સની મદદથી મંદિર દ્વારા સુનિશ્ચિત કરાયું હતું. ત્રણ દિવસના આ અભિયાનમાં ૨૩૦થી વધુ લોકોને સ્વેબ કરાયા હતા અને તેમની નોંધણી કરાઈ હતી.
મંદિરના પ્રતિનિધિએ જણાવ્યું હતું, ‘ પહેલી વખત જ્યારે અમે કૈયાની વાત સાંભળી ત્યારે જ અમને લાગ્યું હતું કે સમાજ તરીકે અને મંદિર તરીકે કૈયાને મદદરૂપ થવા અમારે કશુંક કરવું જોઈએ. પાંચ વર્ષીય કૈયા લ્યુકેમિયાથી પીડાય છે અને તેની રોગપ્રતિકારક શક્તિ ફરી ચેતનવંતી થાય અને તે કેન્સર સામે લડી શકે તે માટે તેને સ્ટેમ સેલ ડોનરની તાત્કાલિક જરૂર છે. સ્ટેમ સેલ ડોનર તરીકે એશિયન અને વંશીય લઘુમતિ સમાજના માત્ર ૨૦ ટકા જેટલા જ લોકો સ્ટેમ સેલ ડોનર તરીકે નોંધાયેલા હોવાથી યોગ્ય મેચ મેળવવાનું ખૂબ અઘરું બની જાય છે.
અમે જે લોકોએ હજુ સુધી રજિસ્ટ્રેશન કરાવ્યું ન હોય અને ૧૭થી ૫૫ વર્ષની વચ્ચેના હોય તેમને તેઓ લાયક છે કે કેમ તેની ચકાસણી માટે અને સ્વેબ કીટ ઓર્ડર કરવા માટે સંપર્ક કરવા અનુરોધ કરીએ છીએ.
આપ કૈયાનું ફેસબુક પેજ www.facebook.com/curekaiya પણ જોઈને વધુ માહિતી મેળવી શકો છો અને બ્લડ કેન્સર સામેની તેની લડતની સફરમાં જોડાઈ શકો છો. યુકેમાં અન્ય સ્થળોએ પણ આપ નોંધણી કરાવી શકો છો.
