રહોન્ડા વેલીમાં કાર્યરત GP ડો. હસમુખ શાહને ક્વીનના બર્થ ડે ઓનર્સ લિસ્ટમાં બ્રિટિશ એમ્પાયર મેડલ (BEM)થી સન્માન કરવામાં આવ્યું હતું. તેમણે NHSમાં લગભગ ૪૩ વર્ષ સુધી ફરજ બજાવી છે અને વેલ્સના વંચિત વિસ્તારમાં સ્વાસ્થ્ય સુવિધાના કલ્યાણ માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે.
જોકે, સમાજ અને ચેરિટેબલ પ્રવૃત્તિ માટેની તેમની ધગશ અને યોગદાન બદલ તેમને ઓનર્સ લિસ્ટમાં સ્થાન અપાયું હતું. તેઓ સનાતન ધર્મ મંડળ એન્ડ હિંદુ કોમ્યુનિટી સેન્ટર કાર્ડિફ, વેલ્શ હાર્ટ્સ, રેસ કાઉન્સિલ સીમરુ અને ધ મેન્ટોર રિંગના ટ્રસ્ટી છે. તેઓ વેલ્સ સરકારમાં MEGAFOCUS( માઈનોર એથનીક એસોસિએશન ફોર ઓપ્થાલ્મિક કેર)ના ચેરમેન છે. તેઓ વેલ ફોર આફ્રિકા ચેરિટીના ફંડ રેઈઝર મેમ્બર પણ છે. તેમણે વિવિધ ચેરિટી માટે નિઃસ્વાર્થભાવે કાર્ય કરીને હજારો પાઉન્ડ એકત્ર કર્યા હતા. તેમણે ભારતના સ્કૂલ પ્રોજેક્ટ્સ અને આફ્રિકાના ઓર્ફન પ્રોજેક્ટ માટે પણ ભંડોળ એકત્ર કર્યું છે. ડો. શાહને લાંબા ગાળાની તબીબી વ્યવસાયની કારકિર્દી, વેલ્સના લોકોને શિક્ષણ તેમજ સખાવતી પ્રવૃત્તિ માટે એપ્રિલ ૨૦૧૭માં યુનિવર્સિટી ઓફ સાઉથ વેલ્સ દ્વારા વિઝિટિંગ ફેલોશિપ એનાયત કરવામાં આવી હતી.
ડો. શાહને બે પુત્રી છે અને બન્ને લંડનની સફળ ડોક્ટર છે.

