સુપરસ્ટાર રજનીકાંતની વિવાદિત ફિલ્મ ‘કાલા’ પરથી કર્ણાટકમાં પણ પ્રતિબંધ હટતાં તે થિએટર્સમાં રિલીઝ થઈ ચૂકી છે. તમિલનાડુમાં કાવેરી મેનેજમેન્ટ બોર્ડની માગણીના વિરોધ પ્રદર્શનમાં રજનીકાંતે ચેન્નઈ સુપર કિંગ્સના ખેલાડીઓને આઈપીએલમાં હાથ પર કાળી પટ્ટી બાંધીને રમવાની સલાહ આપી હતી. આ સાથે સુપરસ્ટારે કહ્યું હતું કે, કાવેરી મેનેજમેન્ટ બોર્ડની રચના ન થાય તેવી સ્થિતિમાં રાજ્યના લોકોનો આક્રોશ વાજબી હોઈ શકે. રજનીકાંતના નિવેદન પછી કર્ણાટકમાં તેમની ‘કાલા’ ફિલ્મને પ્રતિબંધિત હતી. જોકે છઠ્ઠી જૂને કર્ણાટકમાં પણ ફિલ્મ પરથી પ્રતિબંધ હટાવી લેવાનો હાઈ કોર્ટે આપ્યો હતો. એ પછી સાતમી જૂને ‘કાલા’ ક્યાંય પણ પ્રતિબંધ વગર રિલીઝ થઈ ચૂકી છે. પા. રંજીત દિગ્દર્શિત ફિલ્મ ‘કાલા’ જમીન પર સામાન્ય માણસનો અધિકાર છે એવા વિષય પર આધારિત છે.
વાર્તા રે વાર્તા
‘કાલા’ તિરુનેલવેલીના એક ગેંગસ્ટરની સ્ટોરી છે. તે ધારાવીનો કિંગ બની જાય છે. તે શક્તિશાળી નેતાથી જમીનને સુરક્ષિત રાખવા મોટા માથાઓ સામે બાથ ભીડે છે. ફિલ્મમાં તામિલનાડુથી આવેલો એક માણસ મુંબઈના ધારાવીમાં રહેવા લાગે છે. તે વસ્તી માટે સુધારણાના કામ કરે છે. એના પછી એનો દીકરો કાલા એક ભ્રષ્ટાચારી નેતા સામે લડે છે.
રજનીકાંતનો સુપરલુક
સુપરસ્ટાર રજનીકાંતનું ‘કાલા’ના નામથી એક જબરદસ્ત કેરેક્ટર અને લુક ફિલ્મમાં તૈયાર કર્યું છે. ફિલ્મમાં તેનું પૂરું નામ કારીકાલન છે. ફિલ્મમાં ઝરીના (હુમા કુરૈશી) અને કાલા વચ્ચેનો લવ ટ્રેક પણ સુંદર રીતે રજૂ થયો છે. હરિદાદા એટલે કે હરિનાથ દેસાઈના પાત્રમાં નાના પાટેકરની એક્ટિંગ પણ ખૂબ જ શાનદાર છે. ફિલ્મમાં નાના પાટેકર અને રજનીકાંતની ટક્કર પણ જોરદાર દર્શાવાઈ છે.
અન્ય પાત્રોની જમાવટ
ફિલ્મમાં કાલાની પત્ની સેલ્વીના રોલમાં ઈશ્વરી રાવ અને કાલાના દીકરાની ગર્લફ્રેન્ડના પાત્રમાં પુયલ એટલે કે અંજલી પાટીલનો અભિનય પણ દિલને સ્પર્શી જાય તેવો છે.

