પિટરમેરિટ્ઝબર્ગઃ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ સાત જૂને સાઉથ આફ્રિકાના પેન્ટ્રીકથી પીટરમેરિટ્ઝબર્ગ પહોંચ્યા હતા. જ્યાં ગાંધીજીને ટ્રેનમાંથી એશિયન હોવાનું કહી ગોરાઓએ ઉતારી મૂક્યા હતા. સુષમા સ્વરાજે આ ઘટનાને ‘સત્યાગ્રહનો જન્મ’ ગણાવી હતી.
પાંચ દિવસના સાઉથ આફ્રિકા પ્રવાસે પહોંચેલા સુષમા સ્વરાજે જણાવ્યું હતું કે વિશ્વ ભારત અને સાઉથ આફ્રિકા ભણી નેતાગીરીની મીટ માંડીને રાહ જુએ છે. બંને દેશોએ મહાત્મા ગાંધી અને નેલ્સન મંડેલા જેવા મહાન નેતાઓ આપ્યા હતા. તેમણે અન્યાય અને વંશવાદ સામે લડતની આશા જગાવી હતી. મહાત્મા ગાંધીને ગોરા લોકોએ ટ્રેનમાંથી ઉતારી મૂક્યા હતા તે પ્રસંગને ૧૨૫ વર્ષ પૂરા થયા છે.
આ ઘટના ૧૮૯૩ના જૂનની સાતમીએ બની હતી. સીટી હોલમાં યોજાયેલા સમારંભમાં સુષમા સ્વરાજ મુખ્ય વક્તા હતા. તેમણે જણાવ્યું હતું કે ભારત અને સાઉથ આફ્રિકાએ વિશ્વને ઘણું આપ્યું છે. પીટરમેરિટ્ઝબર્ગનું રેલવે સ્ટેશન બે વિભૂતિઓ માટે આશા જગાવતું સ્થળ બન્યું હતું. નેલ્સન મંડેલાએ ૨૫ વર્ષ અગાઉ આ સ્થળે મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું ત્યારે કહ્યું હતું કે મહાત્મા ગાંધીના સંદેશાનું અનુકરણ કરવાનો સમય આવી ગયો છે. ભારત સાઉથ આફ્રિકા સાથે વેપાર કરાર કરનારો પ્રથમ દેશ હતો. સુષમા સ્વરાજ અને સાઉથ આફ્રિકાના નાયબ વિજ્ઞાન પ્રધાન લેન્ડર્સે સાથે મળી પંડિત દિનદયાળ ઉપાધ્યાયની ટપાલ ટિકિટ બહાર પાડી હતી.

