વોશિંગ્ટનઃ પુખ્ત વયનાં જે લોકો દિવસમાં એક વાર ડાયેટ ડ્રિંક્સ ગટગટાવતાં હોય છે તેમના માટે સંશોધકોએ ચેતવણી ઉચ્ચારી છે. ડાયેટ ડ્રિન્કથી સ્ટ્રોક અને પાગલપનનું જોખમ ત્રણ ગણું વધે છે તેવું સંશોધકોનું તારણ છે.
નિષ્ણાતોના મતે ડાયેટ ડ્રિન્ક એ ખાંડ ધરાવતાં ગળ્યાં ઠંડાં પીણાં કરતાં વધુ જોખમી છે. ડાયેટ ડ્રિન્કમાં વપરાતું કૃત્રિમ ગળપણ ધમનીઓ માટે નુકસાનકારક છે. સંશોધકોએ કહ્યું છે કે ડાયેટ ડ્રિન્ક એ તંદુરસ્ત ખોરાક કે પીણાનો વિકલ્પ નથી. આના બદલે તેમણે લોકોને પાણી કે દૂધ પીવા માટે તેમણે અનુરોધ કર્યો છે. સંશોધકો દ્વારા ૪,૪૦૦ વયસ્કોની તબિયતનો અભ્યાસ કરાયો હતો. જેમાં ખાંડથી તરબતર ઠંડા પીણાંની સરખામણીમાં ડાયેટ ડ્રિન્ક સ્ટ્રોક અને ડેમેન્શિયા માટે વધુ જોખમી હોવાનું જણાયું હતું.
વ્યક્તિની માંદગીને ખાંડ ધરાવતાં ઠંડાં પીણાં સાથે કોઈ સંબંધ નથી તેવું અભ્યાસનું તારણ છે. જોકે તેઓ આવાં ઠંડાં પીણા પીવા માટે પણ લોકોને પ્રોત્સાહન આપતા નથી.
સેકેરિન અને એસ્પાર્ટમ શરીરમાં લોહીની નળીઓને માઠી અસર કરે છે. બોસ્ટન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે ડાયેટ ડ્રિન્કમાં ઉપયોગમાં લેવાતાં કૃત્રિમ સ્વીટનર જેવાં કે સેકેરીન અને એસ્પાર્ટમ શરીરમાં આવેલી લોહીની નળીઓને માઠી અસર કરે છે. એ સ્ટ્રોક તેમજ પાગલપણનું જોખમ વધારે છે. ડાયેટ ડ્રિક્સનું બજાર હાલ ૩૩ ટકા જેટલું છે પણ તે તેનાથી વજન ઘટાડવામાં કે તંદુરસ્તી જાળવવામાં કોઈ મદદ મળથી નથી. ઊલટાનું ડાયેટ ડ્રિન્ક મગજમાં શર્કરાનું પ્રમાણ વધારીને મેદસ્વીપણું વધારે છે.

