લંડનઃ બ્રિટનમાં એકલતા હવે ખરાબ રહી નથી. છેલ્લાં ૭૦ વર્ષથી હજારો લોકો અહીં એકલવાયું જીવન ગાળતા હોવાનો નિષ્ણાતોનો દાવો છે. હજારો લોકો એવી ફરિયાદ કરે છે કે તેઓ એકલવાયું જીવન જીવે છે અને તેમને એકાંતમાં રહેવાનો રોગ થયો છે. પરંતુ, તે પુરવાર કરતા કોઈ પુરાવા હજુ મળી શક્યા નથી. એકલતા એ કોઈ જાતનો રોગ નથી, તે વ્યક્તિના માનસિક વિચારોનું એક મોજું છે. બ્રિટનમાં ૧૦ ટકા લોકો જ એકાંતમાં જીવન ગાળતાં હોવાનું જણાયું છે અને ૧૯૪૦થી હજારો લોકો એકાંતમાં જીવન ગાળતાં હોવાનું જાણવા મળ્યું છે.
એકાંતમાં જીવનારાઓની ટકાવારી કે સંખ્યામાં ખાસ વધારો થયો ન હોવાનો પણ નિષ્ણાતોનો દાવો છે. લંડનની સેન્ટ જ્યોર્જ હોસ્પિટલના હેલ્થ રિસર્ચર ડો.અપર્ણાશંકરે જણાવ્યું હતું કે દેશમાં છેલ્લા થોડા સમયમાં એકલવાયું જીવન જીવતાં લોકોની સંખ્યામાં પહેલાં કરતાં સાધારણ વધારો થયો છે, જોકે આમ છતાં એકાંતમાં જીવનારાઓની ટકાવારી કે સંખ્યામાં ખાસ મોટો વધારો થયો નથી. ચેલ્ટનહામ સાયન્સ ફેસ્ટિવલમાં ડો. શંકરે કહ્યું કે કેટલાક સર્વેમાં મોટાભાગનાં લોકોએ અને લગભગ ૫૦ ટકાથી વધુ લોકોએ જણાવ્યું હતું કે તેમને એકલવાયું જીવન જીવવાનો કે એકાંતમાં રહેતાં હોવાનો અહેસાસ થતો નથી. માત્ર ૭થી ૧૦ ટકા લોકોએ જ એકાંતમાં જીવતાં હોવાની કબૂલાત કરી હતી. આમ એકલવાયું જીવન જીવતા વૃદ્ધોની સંખ્યામાં વધારો થયો નથી.
ડો. શંકરે કહ્યું હતું કે જે લોકો નિરાધાર છે અથવા છૂટાછેડા લીધેલા હોય કે બેકાર હોય તેવાં મધ્યમ વયજૂથનાં લોકો માટે એકાંતમાં રહેવાનું જોખમ વધે છે. જોકે તેનું પ્રમાણ ઘણું ઓછું છે. એકાંતમાં રહેતાં લોકોના આરોગ્ય પર ઘણી માઠી અસર થઈ શકે છે. આવાં લોકોની યાદશક્તિને ખરાબ અસર થાય છે. તેમની શારીરિક પ્રવૃત્તિને પણ ખરાબ અસર થાય છે. તેમની ચાલવાની સ્પીડમાં ફેરફાર થાય છે અને તેઓ જલદીથી શારીરિક વિકલાંગતાના શિકાર બને છે. તેઓ જલદી ડિપ્રેશનના શિકાર પણ બને છે.
છેલ્લા થોડા સમયથી એવો પ્રશ્ન પુછાઈ રહ્યો છે કે શું એકાંતમાં મૃત્યુ શક્ય છે? તેનો જવાબ હા છે. જે વ્યક્તિ સામાજિક રીતે એકલી પડી જાય તેને સ્ટ્રોક આવવાની શક્યતા ૩૯ ટકા છે અને નાની ઉંમરે તેનું મૃત્યુ થવાની શક્યતા ૫૦ ટકા વધી જાય છે. એકલવાયાં જીવનને કારણે હાર્ટએટેક આવવાની સંભાવના ૪૦ ટકા રહે છે.
