નેશનલ ફાર્મસી એસોસિએશનના નવા ચેરમેન નીતિન સોઢાની ખાસ મુલાકાત

Wednesday 13th June 2018 06:24 EDT
 
 

નેશનલ ફાર્મસી એસોસિએશનના નવા ચેરમેન નીતિન સોઢાએ ગુજરાત સમાચાર સાથેની ખાસ મુલાકાતમાં ફાર્મસી ક્ષેત્ર સમક્ષના પડકારો અને આ ક્ષેત્ર અંગેના તેમના વિઝન વિશે વાત કરી હતી.

ફાર્મસીની હાલની સ્થિતિ

ફાર્મસી NHS એજન્ડામાં ખૂબ મહત્ત્વનું હિસ્સેદાર છે. NHSમાં તે ત્રીજું સૌથી મોટું એમ્પ્લોયર છે અને સમાજમાં તે કેન્દ્રસ્થાને છે. ફાર્મસી વધુ ક્લિનિકલ, વધુ ડિજિટલ અને વધુ સંકલિત બનવાની દિશામાં આગળ વધી રહી છે. NPA માં અમારી નીતિ ખાસ કરીને અમારા સભ્યો અને સ્વતંત્ર ફાર્માસિસ્ટ્સને મદદ મળે તે સુનિશ્ચિત કરવાનો છે કારણ કે તેઓ સમાજનો મુખ્ય ભાગ છે. વડીલોને લાંબા ગાળાની સંભાળ જરૂરી હોવાથી ફાર્સમી તેમાં મુખ્ય ભૂમિકા ભજવી શકે અને NHS પરનો બોજ હળવો કરી શકે તેમ છે. હકીકતમાં NHSના ૫૦ ટકા પ્રિસ્ક્રિપ્શન લાંબા ગાળાની બીમારી માટેના હોય છે.

ફંડિંગમાં કાપ વિશે

ભારે કાપ મૂકાયો છે. પહેલા ફંડિંગમાં કાપ મૂકાયા. તે પછી કેટેગરી M ક્લોબેક આવ્યો અને ત્યારબાદ જેનેરિક દવાઓમાં ભાવ વધારો થયો. આ બધાની સ્વતંત્ર કોમ્યુનિટી ફાર્માસિસ્ટ્સ પર ભારે તણાવ ઉભો થાય છે. હાલની કરુણાજનર પરિસ્થિતિ એવી છે કે સંખ્યાબંધ ફાર્માસિસ્ટ્સ નેગેટિવ કેશ ફ્લો પર કામ કરે છે. ફાર્માસિસ્ટ્સ સમાજના લોકો પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા અને કાળજી લેનારા હોય છે અને કોઈએ તેમાં બાંધછોડ કરવી જ ન જોઈએ.

NPAના નવા ચેરમેન તરીકે આપ ફાર્મસી માટે શું કરશો ?

મારા પૂરોગામીઓએ ઘણું બધું કર્યું છે અને અત્યાર સુધી જે મહત્ત્વના કામો થયા છે તેને હું આગળ ધપાવવા માંગીશ. મેં બોર્ડ સમક્ષ ફાર્માસિસ્ટ્સને વાણિજ્યિક અને વ્યવસાયિક રીતે મદદરૂપ થવાના હેતુસર અસરકારક ઉકેલ લાવવા માટે સો દિવસનો પડકાર મૂક્યો છે. અમારી ડિજિટલ સ્ટ્રેટેજી છે અને તે વિક્સાવવામાં આવી રહી છે. હાઈપરટેન્શન માટે અમારી ક્લિનિકલ સ્ટ્રેટેજી છે. જીપીની ૧૨ ટકા જેટલી એપોઈન્ટમેન્ટ્સ બ્લડપ્રેશરને લગતી હોય છે. જાહેર આરોગ્ય એક ગંભીર મુદ્દો બનતો જાય છે અને કોમ્યુનિટી ફાર્માસિસ્ટસે વધુ હેલ્થ ચેક, વધુ ડાયગ્નોસ્ટિક ટેસ્ટિંગ અને કેર ટેસ્ટિંગ માટેના વધુ પોઈન્ટ રાખવા જોઈએ.

વ્યક્તિગત મૂલ્યો

થોડા વર્ષ અગાઉ મેં મારા પોતાના ધર્મને સમજવા માટે ઓક્સફર્ડ સેન્ટર ફોર હિંદુ સ્ટડીઝ ખાતે કોર્સ કર્યો હતો. તેનાથી મને સૌને લાગૂ પડતા સામાન્ય મૂલ્યોની સારી સમજ મળી. હું હવે રેડીચમાં સોસિયલ કોહેસન પ્રોગ્રામ ચલાવું છું. તેમાં દરેક ધર્મના લોકોને હું જોડી શક્યો છું. શહેરના ઉત્કર્ષ માટે એક સર્વસામાન્ય પ્રતિજ્ઞા પણ ઘડી કાઢી છે.

કરુણા, કઠોક પરીશ્રમ, ટીમ વર્ક અને સેવાના મૂલ્યો મારા માટે સૈદ્ધાંતિક છે. યુકે એક અકલ્પનીય દેશ છે જે આપણને ઘણી તકો પૂરી પાડે છે અને હું તેમાં દરેક રીતે સકારાત્મક યોગદાતા બનવા માગુ છું. હું મારા ભારતીય અને કેન્યાઈ વારસા માટે ગૌરવ અનુભવું છું.

આખરી ટિપ્પણી

NPAના ચેરમેન બનીને હું ખૂબ આનંદ અને સન્માનની લાગણી અનુભવું છું. કાર્યદક્ષ બોર્ડ સાથે આ પ્રતિષ્ઠિત સંસ્થાનું અધ્યક્ષપદ સંભાળવું એ મારા માટે આદરદાયક અનુભવ બની રહેશે.


comments powered by Disqus