હાઉસ ઓફ કોમન્સમાં આયોજિત પ્રથમ બેંગાલ્સ પ્રાઈડ એવોર્ડ્સમાં નોબેલ એવોર્ડ વિજેતા ડો. અમર્ત્ય સેનને લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. હાઉસ ઓફ કોમન્સના ધ ચર્ચિલ રુમમાં ગુરુવાર, છઠ્ઠી જૂનની સાંજે રોમાંચ અને ઉત્સાહનું વાતાવરણ છવાયેલું હતુ. સૌપ્રથમ ‘Bengal's Pride Awards’માં હાજરી આપવા બંગાળી કોમ્યુનિટીના જાણીતા અને સન્માનીય ચહેરાઓ ઉપસ્થિત રહ્યા હતા. ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ ન્યૂઝ વિક્લીઝના પ્રકાશક એશિયન બિઝનેસ પબ્લિકેશન્સ લિમિટેડ (ABPL) દ્વારા આયોજિત આ વાર્ષિક એવોર્ડ્સ જિંદગીના વિવિધ ક્ષેત્રોમાં અદ્ભૂત કામગીરી બજાવનારા વૈશ્વિક બંગાળીઓ અને બાંગલાદેશી મહાનુભાવોને સન્માનિત કરવાનું ધ્યેય ધરાવે છે.
આ સર્વ પ્રથમ એવોર્ડ્સના સન્માનિત પ્રાપ્તકર્તાઓમાં નોબેલ પારિતોષિક વિજેતા ડો. અમર્ત્ય સેનને લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ એનાયત કરાયો હતો જ્યારે, સ્કોટલેન્ડ યાર્ડના કાઉન્ટર-ટેરરિઝમ વિભાગના નવનિયુક્ત વડા નીલ બસુને જાહેર સેવાઓમાં તેમના પ્રદાન બદલ એવોર્ડ એનાયત કરાયો હતો. એવોર્ડવિજેતાઓમાં માત્ર બંગાળી મહાનુભાવો જ ન હતા પરંતુ, યુકે, પશ્ચિમ બંગાળ અને બાંગલાદેશમાં કોમ્યુનિટી સાથે નજીકથી કામગીરી કરનારી નોંધપાત્ર વ્યક્તિઓનો પણ સમાવેશ થયો હતો.
આ નવતર પહેલને યુકેની પ્રથમ બ્રાન્ડેડ ડિસેબિલિટી ટ્રાન્સપોર્ટેશન સર્વિસીસ Hippo Cabsનું સમર્થન મળ્યું હતું. લંડનના કોવેન્ટ ગાર્ડન ખાતે પોપ અપ વેન્ચર અને નવા બંગાળી રેસ્ટોરાં Little Kolkataના સ્થાપક મિ. પ્રબીર ચેટરજી યંગ એન્ટ્રેપ્રીન્યોર ઓફ ધ યર એવોર્ડ જીત્યા હતા. બાંગલાદેશમાં જન્મેલા બ્રિટિશ બિઝનેસમેન મિ. એનામ અલી MBE, બેંગાલ્સ પ્રાઈડ એવોર્ડના વિજેતા ઘોષિત થયા હતા. NSHM Knowledge Campusને એજ્યુકેશનલ ઈન્સ્ટિટ્યુશન ઓફ ધ યર તેમજ નૈહાટીની શ્રી ગણેશ પેપર મિલ્સના મિસ. મોહુઆ બેનરજી SME of the Year એવોર્ડથી સન્માનિત કરાયાં હતાં. NDTVના ડો. પ્રણવ રોય મીડિયા પર્સન ઓફ ધ યર એવોર્ડના વિજેતા થયા હતા. ટાગોરના ગીતો અને લોકસંગીતના સુમધુર ગીતો ગાઈને ઓડિયન્સને મંત્રમુગ્ધ કરનારાં મિસ. સહાના બાજપેયીને આર્ટ એન્ડ કલ્ચર ક્ષેત્રમાં પ્રદાન બદલ સન્માનિત કરાયાં હતાં. હેલ્થ અને સોશિયલ કેર ક્ષેત્રમાં અનન્ય પ્રદાન બદલ ડો. પ્રતાપ રેડ્ડીને એવોર્ડ એનાયત કરાયો હતો જ્યારે, Nova IVI Fertility Clinicને IVF Clinic Of The Year એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
વડા પ્રધાન થેરેસા મેએ એવોર્ડવિજેતાઓને તેમના વિશેષ સંદેશામાં જણાવ્યું હતું કે, બંગાળી કોમ્યુનિટીની સિદ્ધિઓને અને બિઝનેસ, પોલિટિક્સ, પબ્લિક સર્વિસીસ, આર્ટ, પરગજુતા તથા અન્ય ઘણા ક્ષેત્રોમાં ચાવીરુપ આદર્શ બની રહેલાઓને બિરદાવી સન્માનિત કરવાનું મહત્ત્વપૂર્ણ છે. આટલા વર્ષોમાં તેમણે જે હાંસલ કર્યું છે તેના માટે બંગાળી કોમ્યુનિટીએ ગૌરવ અનુભવવું જોઈએ. આજે એવોર્ડ્સથી સન્માનિત કરાયેલા મહાનુભાવોની સંખ્યા જ આ સમૂહની યુકે અને સમગ્ર વિશ્વમાં તેમની વિધેયાત્મક અસર દર્શાવે છે.’
‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ના પ્રકાશક/તંત્રી શ્રી સી.બી. પટેલે NHSમાં બંગાળી કોમ્યુનિટીના અનન્ય પ્રદાનનો ઉલ્લેખ કરી ઉમેર્યું હતું કે,‘ ભારત અને બાંગલાદેશ, બંનેના બંગાળીઓનું યુકે વતન બની રહ્યું છે, જેમાંથી બાંગલાદેશીઓનો કોમ્યુનિટીમાં હિસ્સો મોટો છે. આમ છતાં તેઓ એક જ કુલપરંપરામાંથી આવતા હોવાથી તેમના ઘણા રીતરિવાજો અને પરંપરાઓમાં સમાનતા રહેલી છે. યુકેની બંગાળી કોમ્યુનિટી તેમની આ સમાનતાઓનો ઉપયોગ યુકેના વ્યાપક આર્થિક અને સાંસ્કૃતિક કલ્યાણ માટે કરી શકે છે.
‘ધ બેંગાલ્સ પ્રાઈડ એવોર્ડ્સ બંગાળી કોમ્યુનિટીની ગગનચુંબી સિદ્ધિઓની કદર કરવાનો અમારો નમ્ર પ્રયાસ છે અને હું આશા રાખું છું કે આગામી વર્ષોમાં આ કોમ્યુનિટી સિદ્ધિનાં ઉચ્ચ શિખરોનું ખેડાણ કરશે.’
NHS Englandના ચેરમેન અને આ સાંજના ચીફ ગેસ્ટ સર માલ્કોમ ગ્રાન્ટ CBEએ ઓડિયન્સને જણાવ્યું હતું કે,‘આપણી NHSમાં કાર્યરત ૪૦,૦૦૦થી વધુ ફીઝિશિયન્સ ભારતીય મૂળના છે. આ અભૂતપૂર્વ કોમ્યુનિટીનાં સાથ-સહકાર વિના તો અમારી હોસ્પિટલ્સ અને પ્રાથમિક સંભાળના સેક્ટર પડી જ ભાંગે. હું આજની સાંજે આ કોમ્યુનિટીના સહકાર પર આધારિત NHSની મજબૂત તાકાત માટે આદરાંજલિ અર્પું છું.’
એડવાટેક હેલ્થકેર યુરોપ લિમિટેડના ડાયરેક્ટર અને સીઈઓ મિ. સમિત કુમાર બિશ્વાસે જણાવ્યું હતું કે,‘હું મજબૂતપણે સમાજનું ઋણ ઉતારવાં અને તેને કશું પરત કરવામાં માનું છું છું. અને આ એવોર્ડ્સ આમ કરવા માટેનો અમારો નમ્ર પ્રયાસ છે. બંગાળીઓ તેમના વૈવિધ્યપૂર્ણ વ્યવસાયોમાં જે પરાકાષ્ઠાપૂર્ણ ઉત્કટતા દર્શાવે છે તેને પણ અમે આ એવોર્ડ્સ થકી બિરદાવવા ઈચ્છીએ છીએ.’
આ એવોર્ડ પોતાના પેરન્ટ્સ અને સાથીઓને સમર્પિત કરતા આસિસ્ટન્ટ કમિશનર બસુએ જણાવ્યું હતું કે,‘ મુખ્યત્વે જાહેર સેવા કરવાના મારા ધ્યેયને અનુલક્ષીને જ હું આ નોકરીમાં જોડાયો હતો. બે વ્યક્તિઓ, જેઓ મારી માતા અને પિતા છે તે મહાન વિભૂતિઓ માટે જ મેં આ કર્યું હતું. મારા પિતા ડોક્ટર હતા અને મારી માતા પ્રેક્ટિસ કરતા નર્સ હતાં. તેમણે બંનેએ થઈને તેમના જીવનના ૯૦ વર્ષ NHSને સેવા આપવામાં વીતાવ્યાં છે... હું આ એવોર્ડ તમામ ૧૨,૪૦૦ પોલીસ ઓફિસર્સ અને તેમના સહાયક પોલીસ સ્ટાફને સમર્પિત કરવા માગું છું. જ્યારે અન્ય લોકો વિપરીત દિશામાં દોડી જાય છે ત્યારે આ લોકો જોખમનો સામનો કરવા સતત દોડે છે. આ માટે તેમનો આભાર માનું છું.’
આ સલૂણી સાંજના યજમાનપદેથી સાંસદ સર ડેવિડ એમિસે ઓડિયન્સને જણાવ્યું હતું કે,‘ આ નવ જૂને પાર્લામેન્ટમાં મારી કામગીરીના ૩૫ વર્ષ પૂર્ણ થશે. યુકેમાં બંગાળી ડાયસ્પોરા તેમજ ભારત અને બાંગલાદેશમાં બંગાળી કોમ્યુનિટીની સિદ્ધિઓને બિરદાવવાની આ મહાન તક છે. સમૃદ્ધ ઈતિહાસથી માંડી વિવિધ ક્ષેત્રોમાં અગણિત સિધ્ધિઓથી બંગાળીઓ પાસે ગૌરવાન્વિત થવા માટે ઘણુંબધું છે. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી આ દેશના નવનિર્માણમાં મદદ કરવા અહીં આવેલા યુવાન બંગાળીઓ દ્વારા કરાયેલા અભૂતપૂર્વ પ્રદાન પ્રત્યે આપણે હંમેશાં તેમના આભારી બની રહીશું... ‘આજે બંગાળી કોમ્યુનિટી સમગ્ર વિશ્વમાં સૌથી અગ્રણી સાંસ્કૃતિક સમૂહોમાંની એક છે.’
ધ બેંગાલ્સ પ્રાઈડ એવોર્ડ્સનું ટેલિવિઝન પ્રસારણ ઝી ટીવીના મુખ્ય કોમ્યુનિટી શો ‘OUT & ABOUT’ માં આ વીકએન્ડમાં શનિવાર ૧૬ જૂન સાંજે ૦૬.૩૦ કલાકે અને પુનઃ પ્રસારણ રવિવાર ૧૭ જૂન સવારે ૦૯.૩૦ કલાકે નિહાળી શકાશે.
(આ એવોર્ડ કાર્યક્રમ સંબંધિત વિસ્તૃત માહિતી માટે એશિયન વોઈસના તારીખ ૧૬-૦૬-૨૦૧૮ના અંકના પાન ૧૬ અને ૧૭ જોવાં વિનંતી છે.)

